• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કેજરીવાલનો જામીન પર મુક્તિ બાદ રાજીનામાંનો દાવ

દિલ્હીના મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલને દારૂ પરની આબકારી નીતિનાં કહેવાતાં કૌભાંડના કેસમાં આખરે જામીન મળી જતાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં રાહતની લાગણી ફેલાઇ છે. આ ચર્ચાસ્પદ કેસમાં કેજરીવાલ અને તેમના નિકટના સાથીદારોની સંડોવણીના પ્રશ્ને મામલો હવે અદાલત પાસે પહોંચી ચૂક્યો છે, પણ સર્વોચ્ચ અદાલતે જામીન મંજૂર કરવાની સાથોસાથ કેન્દ્રીય એજન્સીઓ સામે ગંભીર સવાલ ખડા કરીને વિપક્ષના આક્ષેપોને વધુ ગંભીર સ્વરૂપ આપ્યું છે, તો જામીનની શરતોમાં કેજરીવાલ માટે દિલ્હીનાં મુખ્યમંત્રીપદે કાર્ય કરવાની આડકતરી મનાઇએ નવા સવાલો ખડા કર્યા હતા. હવે કેજરીવાલે બે દિવસની અંદર મુખ્યમંત્રીપદ છોડી દેવાની રવિવારે જાહેરાત કરીને ઊલટા નવા સવાલ ખડા કર્યા છે. આમ તો આ ચર્ચાસ્પદ કેસમાં કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાંથી જામીન અગાઉ મળી ચૂક્યા હતા.  હવે સીબીઆઇની કસ્ટડીમાંથી સર્વોચ્ચ અદાલતે જામીન મંજૂર કર્યા છે.  ઉલ્લેખનીય બાબત એ છે કે, સર્વોચ્ચ અદાલતે કેજરીવાલના જામીન આદેશમાં કેન્દ્રીય એજન્સીઓની સામે ટીપ્પણી કરી છે. જામીન મંજૂર કરવામાં ભારે વિલંબ બાદ અદાલતે હવે કહ્યંy છે કે, તપાસ એજન્સીઓ જામીનના મામલાને અકારણ લંબાવતી રહેશે તો મામલાની સુનાવણી પણ શરૂ થઇ શકશે નહીં. આ કેસમાં મનીષ સિસોદિયા લગભગ દોઢ વર્ષ સુધી જેલમાં રહ્યા, તો કેજરીવાલ, સંજયાસિંહ અને કે. કવિતાને લગભગ પાંચ પાંચ મહિના બાદ જામીન મળી શક્યા છે. એમ કહેવાય છે કે, મની લોન્ડરિંગના કાયદામાં જામીનની જોગવાઇ ભારે મુશ્કેલ છે, પણ હવે સર્વોચ્ચ અદાલતે કહ્યંy છે કે, આ કાયદાનો દુરુપયોગ થવો જોઇએ નહીં અને માત્ર સાક્ષીની કબૂલાતના આધારે કોઇની ધરપકડ થવી જોઇએ નહીં. સ્પષ્ટ છે કે, કેજરીવાલને જામીન મળતાં સીબીઆઇને ક્ષોભની સ્થિતિમાં મુકાવું પડયું છે. અદાલતે આ એજન્સીઓની કામ કરવાની પદ્ધતિ સામે પણ સવાલ ખડા કર્યા છે. હવે સીબીઆઇ અને ઇડી સામે કેજરીવાલ સહિતનાં મોટાં માથાં સામેના કેસને મજબૂત કરવા પૂરતા પુરાવા એકઠા કરવાનો પડકાર બની રહેશે. બીજી તરફ જામીન મંજૂર કરતી વેળાએ સર્વોચ્ચ અદાલતે શરતોમાં કેજરીવાલ મુખ્યમંત્રીની કચેરીએ જઇ શકે નહીં અને મુખ્યમંત્રી તરીકે કોઇ ફાઇલમાં સહી કરી શકે નહીં એવો આદેશ કરતાં આપ માટે વિજય કડવો બની રહ્યો છે. હવે રવિવારે કેજરીવાલે જાહેર કર્યું છે કે, તેઓ બે દિવસ બાદ મુખ્યમંત્રીપદ છોડી દઇને નવેસરથી લોકોનો વિશ્વાસ જીતશે. સવાલ એ છે કે, તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે અને શું નવેસરથી ચૂંટણી યોજવાની તૈયાર થઇ રહી છે ? કેજરીવાલના ટીકાકારો કહે છે કે, રાજીનામું આપવામાં બે દિવસની મુદ્દત કેમ લીધી છે ? તો એવી પણ ચર્ચા છે કે, જામીન મળ્યા એટલે નિર્દોષતાનું પ્રમાણપત્ર ગણી શકાય નહીં. હજી તો કેજરીવાલ અને તેમના સાથી નેતાઓને અદાલતી ખટલામાં પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની રહેશે અને તે માટે બહુ લાંબો સમય લાગી જાય તેમ છે. જોવાનું એ રહેશે કે, કેજરીવાલની મુક્તિ હરિયાણાની ચૂંટણી પર કોઇ અસર ઊભી કરી શકે છે કે કેમ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang