રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : રાજકારણમાં
વિવાદ ઓછા નથી ત્યારે વધુ એકનો ઉમેરો થયો છે ! તામિલનાડુ વિધાનસભામાં રાષ્ટ્રગીતનાં
માન-અપમાનનો વિવાદ શરૂ થયો છે. વાસ્તવમાં ત્યાં ચિનગારી થઈ છે તે અન્ય રાજ્યોમાં પ્રસરે
નહીં તો સારું. રાષ્ટ્રગીત અને `રાજ્યગીત'નાં નામે રાજ્ય સરકાર અને કેન્દ્ર વચ્ચે વિવાદનો મુદ્દો
છે. રાજ્યપાલના મંગળ પ્રવચન પહેલાં તામિલનાડુનું રાજ્યગીત `તમિળ થાલ
વાઝથૂ'નું ગાન થયું, પણ રાષ્ટ્રગીતનું સૂચન અને આગ્રહ રાજ્યપાલશ્રીએ કહ્યા - કરવા છતાં
અવગણના થઈ, ત્યારે ભારતના સંવિધાનનું અપમાન થયું છે એવો વિરોધ પ્રદર્શિત કરીને રાજ્યપાલ
- મંગળ પ્રવચન - કર્યા વિના જ સભાત્યાગ કરી ગયા, પણ ડી.એમ.કે. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન
કહે છે, રાજ્યપાલ વારંવાર તમિળ પ્રજા અને સરકારનું અપમાન કરે છે - જે એમના પદને શોભતું
નથી ! રાજભવન દ્વારા અપાયેલાં નિવેદનમાં જણાવાયું કે `રાજ્યપાલના
પ્રવચનના આરંભ પહેલાં અને અંત પછી રાષ્ટ્રગીતનું ગાન અન્ય તમામ રાજ્યોમાં થાય છે તેવી
રીતે થવું જોઈએ. આ રાષ્ટ્રીય ફરજ છે.' વિધાનસભામાં ડીએમકેના નેતા કહે છે, અમારા રાજ્યમાં
રાજ્યપાલનું પ્રવચન પૂરું થયા પછી રાષ્ટ્રગીત આવે છે - પહેલાં નહીં. રાષ્ટ્રગીતના વિવાદમાં
ઇન્ડિ - કોંગ્રેસ મોરચાના અન્ય પક્ષોએ ડીએમકેને ટેકો આપીને રાજ્યપાલ સામે નવો મોરચો
ખોલ્યો છે. તાજેતરમાં ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં એક મહિલા વિદ્યાર્થિનીની છેડતી
અને અભદ્ર વહેવારની ઘટનાનો રાજકીય વિવાદ પણ છે, ત્યારે રાજ્યપાલ કુલપતિ - ચાન્સેલર
હોવાથી એમની જવાબદારી છે - ખુલાસો કરે. માફી માગે - તપાસ કરાવે એવી માગણી થઈ છે
! તામિલનાડુમાં ડીએમકે સરકાર અને રાજ્યપાલ
શ્રીમાન રવિ વચ્ચેનો વિખવાદ જાહેરમાં વારંવાર પ્રદર્શિત થાય છે. કોંગ્રેસી મોરચાનાં
અન્ય રાજ્યોમાં પણ રાજ્યપાલ સાથે ગજગ્રાહ ચાલે છે. દિલ્હીમાં કેજરીવાલે નાયબ રાજ્યપાલ
સામે અભિયાન નહીં - લડાઈ જ શરૂ કરી છે. આ સંજોગોમાં રાષ્ટ્રગીતનો વિવાદ નવો મુદ્દો
બન્યો છે. સંવિધાન ઉપરાંત રાજકીય મુદ્દો છે, પણ ગંભીર છે. યાદ રહે કે સનાતન ધર્મ સામે
સૌપ્રથમ જેહાદ ચેન્નાઈમાં ડીએમકે નેતા - ઉદયનિધિ (મુખ્ય પ્રધાનના પાટવી કુંવર)એ શરૂ
કરી હતી અને ઇન્ડિ મોરચાએ ભાજપ સામે આ મુદ્દાથી આક્રમણ - દેશવ્યાપી શરૂ કર્યું. આપણી
નવી પેઢીને ખ્યાલ - ખબર નહીં હોય કે ભારતથી અલગ હોવાની કે થવાની હિલચાલ સૌપ્રથમ મદ્રાસ
- તામિલનાડુમાં થઈ હતી. પંજાબ - ખાલિસ્તાનની
શરૂઆત પછી થઈ. 1967માં મદ્રાસમાં હિન્દીભાષા `દક્ષિણ ભારતમાં ઠોકી બેસાડવા' બદલ ભારે હિંસક
દેખાવો થયા હતા અને તેના પરિણામે કોંગ્રેસનો `રાજ્ય-વટો-નિકાલ' થયો હતો ત્યારથી આજ સુધી કોંગ્રેસને
બહુમતી મળી નથી, પણ દ્રવિડભાષી પક્ષ સાથે સત્તામાં ભાગીદારી કરી છે ! દ્રવિડ પ્રજાએ આર્ય અને સનાતન ધર્મનો વિરોધ
જ કર્યો છે. અલબત્ત, હવે તમિળ ફિલ્મોએ બોલીવૂડમાં દબદબો વધાર્યો છે. એમની ફિલ્મો હિન્દીમાં
`ડબ' થાય
છે ! હવે કોંગ્રેસી મોરચામાં પણ ડીએમકે - દ્રવિડ મુનેત્ર કળગમ - અગ્રણી છે. રાષ્ટ્રગીતના
વિરોધનો ચેપ - વાયરસ અન્ય રાજ્યોમાં પ્રસરે નહીં તે જરૂરી છે. રાજ્યપાલ મંગળ પ્રવચન
વાંચ્યા વિના સભાત્યાગ કરી ગયા પછી મુખ્ય પ્રધાને રાજ્યપાલના પ્રવચનની લેખિત કોપી સ્વીકારતો
ઠરાવ રજૂ કર્યો અને કહ્યું કે, આ ગૃહ (વિધાનસભા)ના સભ્યોને ભારત માટે અને રાષ્ટ્રગીત
માટે અનહદ આદર છે. રાજ્ય સરકારને ભારતની એકતા, દેશભક્તિ અને રાષ્ટ્રીય નેતાઓ માટે આદર
છે, પણ આપણા રાજ્યપાલ સંવિધાનનો અનાદર કરે છે ! વર્ષ 1995માં કરુણાનિધિ મુખ્યપ્રધાન
હતા અને ચેન્ના રેડ્ડી રાજ્યપાલ હતા, ત્યારે પણ ડીએમકેને રાજ્યપાલ સામે વિરોધ હતો અને
એમને પાછા બોલાવી લેવાની માગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આપણા ભારતીય રાજ્ય
બંધારણમાં રાષ્ટ્રગીતનું સન્માન - ગાયન - મૂળભૂત ફરજ વર્ણવાઈ છે : તમામ રાજ્યોમાં વિધાનગૃહોનાં
સત્રના આરંભ અને અંત વખતે રાષ્ટ્રગીતનું ગાન થાય છે. તામિલનાડુમાં રાજ્યગીત - `તમિળ થાલ
વાઝથૂ' - રાજ્યપાલના પ્રવચનના આરંભમાં ગાવાની પ્રણાલી છે અને રાષ્ટ્રગીત પ્રવચન પૂરું
થાય પછી ગવાય છે. આ શિરસ્તો જુલાઈ, 1991માં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમનાં
મુખ્ય પ્રધાન જય લલિતા હતાં ત્યારે શરૂ થયો હતો, ત્યારે ભીષ્મ નારાયણ સિંહ રાજ્યપાલ
હતા અને મંગળ પ્રવચન કરવા ગૃહમાં આવે, પ્રવચન કરે અને પછી વિદાય થાય એવું હતું. હવે
અન્ય રાજ્યોએ પણ રાજ્યગીત શરૂ કર્યાં છે અને નવી પ્રણાલીઓ શરૂ કરી છે. નાગાલેન્ડમાં
તો દાયકાઓ સુધી ગૃહમાં રાષ્ટ્રગીત સાંભળ્યું જ ન હતું - ફેબ્રુઆરી 2021માં શ્રી રવિ
ત્યાંના રાજ્યપાલ હતા ત્યારે રાષ્ટ્રગીતનું સમ્માન ગાન કરવાની શરૂઆત થઈ. ત્રિપુરા વિધાનસભામાં
પણ માર્ચ, 2018થી રાષ્ટ્રગીતનું ગાન શરૂ થયું. સંસદમાં રાષ્ટ્રપતિ પધારે ત્યારે રાષ્ટ્રગીતની
ધૂન બેન્ડ ઉપર વગાડાય છે અને પ્રવચન પૂરું થાય ત્યારે રાષ્ટ્રપતિ અને તમામ સભ્યો એમનાં
સ્થાને ઊભા થાય ત્યારે ફરીથી રાષ્ટ્રગીતની ધૂન ગવાય છે તે પછી રાષ્ટ્રપતિ વિદાય થાય
છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અંગેના નિયમો કેન્દ્રના ગૃહ ખાતાં દ્વારા નક્કી થયા
છે. રાષ્ટ્રગીત ગાવા અંગે કોઈ કાયદો કે સખત નિયમ નથી અને તેથી પ્રણાલી છે. તેથી તેનો
ભંગ કરવા બદલ કોઈ કાનૂની સજાનો પ્રબંધ નથી. ભારતની એકતા અને શક્તિનો સ્રોત રાષ્ટ્રગીત
છે અને તેમાં પૂરક સૂર પુરાવે છે રાજ્યોનાં ગીત - આમાં વિવાદનું રાજકારણ પ્રવેશવું
નહીં જોઈએ. રાષ્ટ્રપ્રેમ અને ભક્તિ રાષ્ટ્રગીત ગાવાની પ્રેરણા આપે છે અને પ્રણાલીનું
પાલન થાય છે. હવે રાષ્ટ્રકારણને રાજકારણનું ગ્રહણ લાગે નહીં એવી આશા રાખીએ.