ભુજ, તા. 13 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની
ક્રિકેટ ટીમે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીમાં સારો દેખાવ કરીને જય મીનેશ આદિવાસી યુનિવર્સિટી
કોટા રાજસ્થાન મુકામે રમાયેલી પ્રથમ મેચમાં કચ્છ યુનિવર્સિટીએ સેન્ટ્રલ યુનિવર્સિટી
ગુજરાત સામે 213 રનથી વિજય મેળવ્યો છે. કચ્છ યુનિવર્સિટી તરફથી પ્રેમ ઝવેરી અને રિધમ
શ્રીવાસ્તવએ 52 રનની ભાગીદારી નોંધાવી હતી. તે પછી હરવંશાસિંહ પંગાલિયાએ 52 બોલમાં
142 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, જેમાં 10 છગ્ગા અને 15 બાઉન્ડ્રી ફટકારી હતી. રણજિતાસિંહ
નેગીએ 39 રનનો ફાળો આપ્યો હતો. ટીમે 17 ઓવરમાં 262 રન નોંધાવ્યા હતા. બોલિંગ વિભાગમાં
હર્ષવર્ધને ચાર ઓવરમાં એક મેઈડન અને પાંચ રન
આપી ચાર વિકેટ ખેરવી હતી. જેપી મહાતો (ટીસીએસ કોલેજ)એ પણ છ રન આપી ચાર વિકેટ લીધી હતી.
ટીમના કોચ અને મેનેજર તરીકે ટીઆઇસી કોલેજના ડો. નવનીત જાદવ છે. કચ્છ યુનિવર્સિટીના
વાઇસ ચાન્સેલર ડો. મોહનભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડો. અનિલભાઈ ગોર તથા ફિઝિકલ એજ્યુકેશન
ડાયરેક્ટર્સ સ્મિતભાઈ પટેલ અને જીનલ ખેતાણીએ અભિનંદન પાઠવ્યા હતા.