હજી હમણાં ભારત સાથેના સરહદી વિવાદમાં હકારાત્મક વલણ લઇને નિયંત્રણરેખા
પરથી દળો પાછાં ખેંચવાની કાર્યવાહી કરનારાં ચીને ફરી એક વખત પોતાનો વિસ્તારવાદી ચહેરો
છતો કર્યો છે. ચીને નવી બે કાઉન્ટીની રચના કરવાની જાહેરાત કરીને તેમાં ભારતના કેન્દ્રશાસિત
પ્રદેશ લદ્દાખનો અમુક હિસ્સો સમાવી લેવાની પોતાની વરવી ચાલ ચાલતાં ભારતે તેનો સખત વિરોધ
કર્યો છે. ભારતે કડક શબ્દોમાં કહ્યંy છે કે, ચીન દ્વારા નવી કાઉન્ટી રચવાથી તે
વિસ્તારમાં ભારતના અધિકાર પર કોઇ અસર પડશે નહીં, તેની સાથોસાથ ગેરકાયદે અને બળજબરીના
કબજાને કાયદેસરતા આપવાના ચીનના કારસાને સફળતા મળશે નહીં. ભારતે રાજદ્વારી માધ્યમોથી
ચીનને સખત વાંધો પહોંચાડી દીધો છે. તાજેતરમાં બ્રિક્સ શિખર સંમેલન દરમ્યાન ભારત અને
ચીન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઇ હતી, જેમાં નિયંત્રણરેખા પર ગલવાન ઘટના પહેલાંની
સ્થિતિએ પેટ્રાલિંગ કરવાની સંમતિ સધાઇ હતી. આ સમજૂતી બાદ એવી આશા જાગી હતી કે, બન્ને
દેશ વચ્ચેના સંબંધોમાં ફરી હકારાત્મકતા આવી શકશે. ઉલ્લેખનીય છે કે, નિયંત્રણરેખા પર
ગલવાન ખીણમાં ભારત અને ચીનનાં દળો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં ભારતના 20 જવાન
શહીદ થયા હતા અને ચીનના 40 જવાન માર્યા ગયા હતા. આ બનાવને પગલે બન્ને દેશ વચ્ચેના સંબંધો
ભારે તંગ બની ગયા હતા. તે પછી 2022માં અરુણાચલ પ્રદેશના તવાંગમાં પણ બન્ને દેશના સૈનિકો
વચ્ચે ઘર્ષણ થયું હતું. ચીને તે પછી બ્રહ્મપુત્ર નદી પર મોટો બંધ બાંધવાની જાહેરાત
કરી છે. ઉત્તર પૂર્વનાં રાજ્યો માટે જીવાદોરી સમાન આ નદીનાં પાણી રોકવાથી ભારતને ભારે
તકલીફ પડી શકે છે અને આવો કોઇપણ બંધ બાંધવાથી વૈશ્વિક જળનિયમોનું ઉલ્લંઘન થતું હોવા
છતાં ચીને આ માટે તૈયારી કરી છે. આ બધો ઘટનાક્રમ બતાવે છે કે, ચીન સાથેના સંબંધમાં
ભરોસાનો સતત અભાવ રહ્યો છે. ચીનનું વલણ કદી વિશ્વાસ કરવા જેવું રહ્યંy નથી. વિશ્વભરમાં ચીન તેના વિસ્તારવાદી ઇરાદાને
બર લાવવા માટે પડોશી દેશોના પ્રદેશ પર ગેરકાયદે કબજો કરવા કુખ્યાત છે. 14 દેશ સાથે
ચીનનો સીમાવિવાદ ચાલી રહ્યો છે. તેણે ભુતાનના છથી વધુ હિસ્સા પર સીમાવિવાદનાં નામે
ગેરકાયદે કબજો જમાવીને ત્યાં બાંધકામ કરી નાખ્યું છે. 1962માં હુમલો કરીને ચીને ભારતના
અકસાઇ ચીન વિસ્તારની ઉપર કબજો જમાવી લીધો હતો. ભારત આ વિસ્તાર પરત આપવા ચીનને સતત કહ્યા
કરે છે. ઉલ્લેખનીય છે કે, નિયંત્રણરેખા પર
વિવાદને ટાળવા ભારત અને ચીન વચ્ચે સીમા વ્યવસ્થાપન સમિતિઓ અસ્તિત્વમાં છે. તેમ છતાં
ચીન નવા નવા વિવાદ ખડા કરતું રહે છે. હવે નવી
બે કાઉન્ટી રચવાની જાહેરાત કરીને તે નવો વિવાદ છેડવાની તૈયારી કરી રહ્યંy છે. ચીનના આવા કોઇપણ કારસા સામે ભારતે સતત
જાગૃત રહીને તેને વિફળ બનાવવા કડક વલણ જાળવી રાખવાની ખાસ જરૂરત હોવાનું ભૂતકાળના અનુભવો
પરથી સ્પષ્ટ છે. ભારતે રશિયા જેવા મિત્રોની મદદથી ચીનને વાસ્તવિકતા ગળે ઉતારવાના તમામ
પ્રયાસ કરતા રહેવા પડશે.