અમદાવાદ, તા. 12 (હૃષિકેશ વ્યાસ તરફથી) : ગુજરાત સરકારે, રાજ્ય
વિધાનસભા અને સ્વર્ણિંમ સંકુલ-1 અને 2માં નેટ ઝીરો-વ્યવસ્થા અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ
નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં
કલાઈમેંટ ચેન્જ વિભાગ શરુ કર્યો હતો ત્યારબાદ પ્રથમવાર રાજ્ય સરકારે આ નિર્ણય મુજબ,
આ સંકુલોમાં એકીસાથે નેટ-ઝીરો અમલમાં મૂકાશે. જેમાં વિધાનસભા અને બંને સ્વર્ણિંમ સંકુલોમાં
જે કાર્બનનું ઉત્સર્જન થાય છે. તેનું સમતોલન થાય તે માટે સરકાર આગળ વધશે. આ માટે અમલકર્તા
એજન્સી પણ નક્કી થઇ ગઇ છે અને હવે ગણતરીના સમયમાં આ અમલકર્તા એજન્સીને વર્ક ઓર્ડર પણ
આપી દેવાશે ત્યારબાદ આ એજન્સી નવા સચિવાલય (સ્વર્ણિંમ સંકુલ), વિધાનસભા કઇ રીતે નેટ
જીરો બને, તે માટેનો માસ્ટર-પ્લાન તૈયાર કરશે અને હાલ પૂરતો તેનો અમલ એક પાયલોટ પ્રોજેકટ
તરીકે કરાશે. ગુજરાત દેશમાં ઔધોગિક રીતે મોખરાનું રાજ્ય છે અને અહીં સ્વાભાવિક રીતે
જ કાર્બન ઉત્સર્જન વધુ પ્રમાણમાં થાય છે. એવી જ રીતે ગુજરાતને દેશ-વિદેશમાં મોડેલ સ્ટેટ
તરીકે માન્યતા અપાઈ છે અને વર્ષ 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો-બનાવવાનો લક્ષ્યાંક જાહેર
કરી દેવાયો છે ત્યારે આ લક્ષ્યાંકની સિધ્ધિ માટે દેશના તમામ રાજ્યોને સરખો સહકાર આપવો
પડે તેમ છે એટલે, ભારત સરકારે નક્કી કરેલા આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે દેશમાં એકમાત્ર
ગુજરાત પ્રથમ રાજય બનશે કે જેના પાટનગર ગાંધીનગરમાં સ્થિત સરકારના વહીવટી કેન્દ્ર સચિવાલય
અને વિધાનસભાને નેટ-ઝીરો બનાવવાનું નક્કી કરાયું છે અને તે દિશામાં કાર્યવાહી પણ આરંભી
દેવાઈ છે. આ કામગીરી માટે સરકારે નક્કી કરેલી
એજન્સી હવે, નવા સચિવાલયમાં વપરાતા ઇલેક્ટ્રીક સહિતના સાધનો, પાણીનો વપરાશ અને પ્લાસ્ટીકનો
વપરાશની ગણતરી કરશે. આ પછી કાર્બન ઉત્સર્જન કેટલું થાય છે તે નક્કી કરશે. આ એજન્સી
તમામ બાબતોને અભ્યાસ કરીને તેનો અહેવાલ રાજય સરકારને સુપરત કરશે ત્યારબાદ નવા સચિવાલયને
કઇ રીતે નેટ જીરો કાર્બન એમીશન બનાવાવું, તેનો અહેવાલ આપશે. જેના આધારે સચિવાલયમાં
ફેરફાર કરાશે. આ ફેરફારોમાં શું કરાશે-તેના જવાબમાં સૂત્રોની માહિતી એવી છે કે, સચિવાલયમાં
કેટલા વૃક્ષો છે અને કેટલાં નવા વૃક્ષો વાવવા, પ્લાસ્ટીકની બોટલ પર પ્રતિબંધ મૂકવો,
આ ઉપરાંત સમગ્ર સંકુલમાં પરંપરાગત વીજળીના ઉપયોગને તબક્કાવાર ઘટાડીને તેના બદલે, રીન્યુએબલ
એનર્જીનો વપરાશ વધારવો સહિતના ફેરફાર કરાશે. જોકે, આ માટે હજુ વહીવટી પ્રક્રિયા બાકી
હોવાથી તે પુરી થયા પછી તેની સર્વે થશે અને પછી અહેવાલ તૈયાર થશે. આ અહેવાલને આધારે
કેવા નેટ જીરો કરવા માટે કેવા પ્રકારના ફેરફાર કરવા તે નક્કી કરાશે. - ટેકનિકલ
ભાષામાં નેટ ઝીરો કોને કહેવાય ? : નેટ જીરો
એટલે કોઇપણ ઉદ્યોગ કે કોઇપણ કેમ્પસમાં ઇલેકટ્રીસીટીનો કુલ વપરાશ, એરકન્ડીશનનો વપરાશ,
વાહનોની અવરજવર-તેના વપરાશનો પ્રકાર જેવી એવી કોઈપણ બાબત કે જેનાથી ઉત્પન્ન થતો કાર્બન,
પાણીનો ઉપયોગ અને પ્લાસ્ટીકના ઉપયોગથી ઉત્પન્ન થતા કાર્બનની ગણકરી કરવી. આ પછી કાર્બનનું
જેટલું ઉત્સર્જન થતુ હોય તેની સામે કાર્બન ક્રેડિટ ઉભી કરાય છે. જેમાં જે ઉદ્યોગો કે
જે સંસ્થાઓ એટલી કાર્બન ક્રેડિટ ઉત્પન્ન કરી ન શકે તેઓ કાર્બન ક્રેડિટ ખરીદે છે અર્થાત
તેમના દ્વારા વાતાવરણમાં જેટલું કાર્બન ઉત્પન્ન કરાય છે, તેની સામે તેટલું કાર્બન ઉત્સર્જનનું
પ્રમાણ વાતાવરણમાં ઘટાડીને તેનો બેલેન્સ કરવો પડે છે.