ગાંધીધામ, તા. 13 :ભારતીય
માનક બ્યૂરો, ગાંધીધામ શાખા દ્વારા તાજેતરમાં આદિપુરની શાળા ખાતે માનક બ્યૂરોના સ્થાપના
દિન નિમિત્તે સ્ટાન્ડર્ડ કાર્નિવલની ઉજવણી
કરવામાં આવી હતી. આ વેળાએ શાળાના વિદ્યાર્થીઓએ
વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. દૈનિક જીવનમાં ગુણવત્તા,
સલામતી અને કાર્યક્ષમતામાં ધોરણોની મહત્ત્વતા અંગે જાગૃતિ ફેલાવવા અને તેના મહત્ત્વને
સમજાવીને ભાવિ પેઢીને પ્રેરણા આપવાના હતુ સાથે માનક બ્યૂરોના સ્થાપના દિનની ઉજવણી કરવામાં
આવી હતી. તદુપરાંત આ કાર્યક્રમના માધ્યમથી વિવિધ ક્ષેત્રોના ભાગીદારો,
ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને એક મંચ ઉપર લાવવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરી ગાંધીધામ મૈત્રી મંડળના ઉપપ્રમુખ એ.જી. દરયાણી,એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ ઝાલા, ડો. અશ્વિનસિંહ વાઘેલા ઉપસ્થિત
રહ્યા હતા. આ વેળાએ 22 વિવિધ ઉદ્યોગે વિવિધ ક્ષેત્રોમાં તેમના ઉત્પાદનો
રજૂ કરીને ધોરણોના પ્રાયોગિક ઉપયોગ પર પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરુ પાડયું હતું. ઉપરાંત
સ્થાનિક શાળાઓ અને ભુજની સરકારી પોલિટેકનિક કોલેજે પોતાના નવીન વૈજ્ઞાનિક મોડલ્સ અને
રોબોટિક્સ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં
વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ પ્રવૃત્તિઓએ વિદ્યાર્થીઓને કોઈપણ ઉત્પાદનના ધોરણોના મહત્ત્વને પ્રાયોગિક અને મનોરંજક રીતે સમજાવવાની
અનોખી તક પ્રદાન કરી હતી. આ કાર્નિવલની મોટી સંખ્યામાં શહેરીજનોએ મુલાકાત લીધી હતી.
કચ્છ જિલ્લાની 25 જેટલી વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.