શ્રીનગર, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના
ગાંદરબલમાં 2700 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું.
દરેક મોસમાં આ ક્ષેત્રને લદ્દાખ સાથે જોડતો સેતુ બનનાર આ ટનલ સમુદ્રની સપાટીથી 86પર
ફૂટની ઊંચાઈ પર બની છે. સોનમર્ગ ટનલનું લોકાર્પણ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે,
આ મોદી છે. વચન આપે છે, તો નિભાવી પણ બતાવે છે. શ્રીનગર-લેહ ધોરીમાર્ગ પર બનેલી અને
શ્રીનગરને સોનમર્ગ સાથે જોડતી 6.4 કિલોમીટર લાંબી આ ટનલનું ઉછદઘાટન કરતાં મોદીએ જણાવ્યું
હતું કે, દરેક કામનો એક યોગ્ય સમય હોય છે. સાચા સમય પર સાચાં કામો હજુ થશે. વડાપ્રધાન
બોલ્યા હતા કે, કાશ્મીર ભારતનો મુગટ છે, તાજ છે. હું ઈચ્છું છું કે, આ તાજ વધુ સુંદર,
સમૃદ્ધ થાય. આ કામમાં મને કાશ્મીરના યુવાનો, વડીલો, બેટા-બેટીઓનો સાથ મળી રહ્યો છે,
તેવું મોદીએ જણાવ્યું હતું. ઝેડ મોડ ટનલ બન્યા પછી શ્રીનગર-લેહ ધોરીમાર્ગ પર ગગનગીરથી
સોનમર્ગ વચ્ચેનું એક કલાકનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાશે. દુર્ગમ પહાડોવાળા
આ વિસ્તારમાંથી પસાર થવામાં પહેલાં ત્રણથી ચાર કલાકનો સમય લાગતો હતો. હવે કલાકના
30 કિ.મી.નાં સ્થાને વાહન કલાકના 70 કિ.મી.ની. ગતિએ દોડી શકશે, જેથી આ જ અંતર માત્ર
45 મિનિટમાં કપાઈ જશે. વડાપ્રધાન મોદીએ અડધા કલાક જેટલા સમય સુધી ભાષણમાં જણાવ્યું
હતું, કે કાશ્મીર, લદ્દાખની એક ઘણી જૂની માંગ આજે પૂરી થઈ છે. આ ટનલ બનતાં સોનમર્ગની
સાથોસાથ કારગિલ અને લેહના લોકોની જિંદગી સરળ બની જશે. હવે બરફવર્ષા કે વરસાદમાં ભૂસ્ખલનથી
રસ્તા બંધ થવાની પરેશાની પણ નહીં નડે. વડાપ્રધાને શ્રમિકોના પરિશ્રમની પણ પ્રશંસા કરતાં
કહ્યું હતું કે, આ ટનલનાં નિર્માણમાં જીવ ખોનાર સાત શ્રમિકને અંજલિ આપું છું.