• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

તાલિબાન સાથે સંવાદથી સંબંધોની નવી શરૂઆત

ભારત અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે પરદા પાછળના સંપર્કો હવે જાહેર થઇ ગયા છે. ભારતે હજી સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી, પણ અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક મહત્ત્વ અને ખાસ તો પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં લઇને તાલિબાન શાસકો સાથે હવે અનૌપચારિક રીતે વાટાઘાટો શરૂ કરી છે.  દુબઇમાં ભારતીય વિદેશ સચિવની અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશમંત્રી સાથે યોજાયેલી આ મંત્રણા સંખ્યાબંધ બાબતોએ મહત્ત્વ ધરાવે છે. ખાસ તો અફઘાનિસ્તાનના ભૂરાજદ્વારી મહત્ત્વને જોતાં ભારતના તેની સાથેના સંબંધોનો નવો દોર આખા વિસ્તારમાં સમીકરણો પર અસર પાડી શકે તેમ છે. કોઇ દુશ્મની કે દોસ્તી કાયમી નથી હોતીના સિદ્ધાંતનું પ્રતિબિંબ તાલિબાન સાથેના સંબંધોમાં અનુભવાઇ રહ્યંy છે. અફઘાનિસ્તાનનું શાસન સંભાળ્યા બાદ ભારતના હિતો અંગે સ્વાભાવિક રીતે ચિંતા જાગી હતી. વળી તાલિબાન શાસકો તેમના વર્ષો જૂના મિત્ર પાકિસ્તાનના કહેવા મુજબ કામ કરશે એવા અંદાજને લીધે ભારતમાં રાજદ્વારી અસરો અંગે ભારે અટકળો જાગી હતી, પણ સમયની સાથે હવે મિત્ર પાકિસ્તાન હવે દુશ્મન બની ગયું છે અને ભારતના નિસ્વાર્થ સહયોગની અનિવાર્યતા સમજાતાં તાલિબાનનાં વલણમાં ભારે ફેરફાર આવ્યો છે. આમ તો ભારતના પ્રતિનિધિઓ તાલિબાન અધિકારીઓના સતત સંપર્કમાં રહ્યા છે, પણ દુબઇમાં યોજાયેલી પરદા બહારની બેઠકે આ સંપર્કોને જાહેર કરી મૂક્યા છે. આ વાટાઘાટો છતાં ભારતે હજી તાલિબાન શાસનને રાજદ્વારી માન્યતા આપી નથી. જો કે, દુબઇમાં યોજાયેલી બેઠકમાં અફઘાનિસ્તાનમાં ચાલતા ભારતના માળખાંકીય કામો અંગેની ચર્ચા થઇ હોવાની વિગતો જાહેર કરાઇ છે.  જો કે, આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે, જ્યારે વિશ્વમાં અને ભારતીય ઉપખંડમાં ઝડપથી રાજદ્વારી સમીકરણો પલટાઇ રહ્યા છે.  એક તરફ ગાઝાનો જંગ ફેલાઇ રહ્યો છે. હમાસ બાદ હવે અન્ય ઉગ્રવાદી સંગઠનો ઇઝરાયલ સામે મોરચો ખોલી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળવા તૈયાર છે. સાથોસાથ પાકિસ્તાન અને તાલિબાન સરકાર વચ્ચેના સંબંધો કડવા અને દુશ્મનાવટભર્યા બની રહ્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની સીમાની અંદર હવાઇ હુમલા કર્યા છે.  તાલિબાને પાકિસ્તાનની સીમા ચોકીઓને નિશાન બનાવવી શરૂ કરી છે. હવે તો અમેરિકા સહિતના પશ્ચિમી દેશો પણ અફઘાનિસ્તાનમાં માનવી કાર્યો હાથ ધરવા લાગ્યાં છે. આવામાં ભારતે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં તાલિબાનનો કોઇ વાંક ન હોવાનું જાહેર કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તાલિબાને પણ અફઘાનિસ્તાનની ધરતી પરથી ભારત વિરોધી કાર્યવાહી ન થવા દેવાનું વચન આપીને નવી દિલ્હીની સલામતી અંગેની ચિંતાને દૂર કરી છે.  બન્ને દેશો વચ્ચે ભારતના વિકાસકામો ફરી શરૂ કરવા, ક્રિકેટ સહિતની રમતોને પ્રોત્સાહન આપવા અને ચાબહાર બંદર પર માલસામાનની અવરજવર વધારવા સહિતના મુદ્દે સંમતિ સધાઇ છે. તાલિબાન અને ભારત સરકાર વચ્ચે સંબંધોના ઉજ્જવળ ભવિષ્યના સંકેત સમાન આ આરંભ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd