નિરોણા (પાવરપટ્ટી), તા. 13 : ભુજ તાલુકાના સુમરાસર શેખના રણકાંઠે
આવેલા બાંભણિયા પીરના વાર્ષિક મેળામાં એકત્ર થયેલા હિન્દુ-મુસ્લિમ ભક્તોએ કોમી એકતાના
દર્શન કરાવ્યા હતા. પાવરપટ્ટીના સુમરાસર-શેખના ઉત્તરે સીમાડામાં આવેલી બાંભણિયા પીરની
દરગાહ પ્રત્યે લોકો આસ્થા ધરાવે છે. તેની પાસે તળાવ અને આસપાસની હરિયાળી આ ધાર્મિક
સ્થળની શોભામાં વધારો કરે છે. અહીં પીરના યોજાયેલા વાર્ષિક મેળામાં હિન્દુ-મુસ્લિમ
સમાજના લોકો ઉમટયા હતા. કાર્યક્રમની શરૂઆતે મુજાવર અધાભા રમજુ ડાડાની અધ્યક્ષતામાં
પીરની દરગાહે ચાદરપોશી કરવામાં આવી હતી. પીરની સમાધીના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી
હતી. મેળામાં રમત-ગમત, ખાણી-પીણી તથા રમકડાના સ્ટોલ ઊભા કરાયા હતા. મેળામાં આવેલા ભક્તો
માટે મેળા સમિતિ દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું.