ભોજાય, તા. 13 : `જેઓ અધ્યાત્મ જીવન જીવ્યા છે તેઓએ તેને ભરપૂર માણ્યું છે. સાહિત્યને
વ્યકત કરવાનું મહત્ત્વનું સાધન પ્રસ્તુતિ છે, જે અનુભૂતિને આધારે થાય છે. જીવનના કેટલાક
ગુણો શાશ્વત હોય છે, તે સંપ્રદાયમાં બંધાતા નથી, તે સર્વસમાવેશક હોય છે' એવું વિવેકાનંદ
રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયૂટ અને ભોજાય સર્વેદય ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ભોજાય
ખાતે યોજાયેલ બેદિવસીય `સાહિત્યમાં
અધ્યાત્મ દર્શન એક મહોત્સવ' કાર્યક્રમના ઉદ્ઘાટા વસંત ગઢવીએ જણાવીને કાગબાપુ, મેઘાણીથી લઈ ગંગાસતી, તુલસી, અખોની અધ્યાત્મ
અનુભૂતિસભર સાહિત્યનું આચમન કરાવીને સંત સાહિત્યએ પ્રજાજીવનની સમજણની ધાર તીક્ષ્ણ કરીને
શાશ્વત ગુણોની પ્રતિષ્ઠા કરી હતી. મહોત્સવનો પ્રારંભ વસંત ગઢવી તથા મંચસ્થ મહેમાનોના
હસ્તે થયા બાદ સૌને આવકારતાં ગોરધન પટેલ `કવિ'એ ભાગ લેનાર ડેલિગેટ્સના પ્રોત્સાહક પ્રતિસાદને વધાવ્યો
હતો. મંચસ્થ મહેમાનોનું સન્માન ઝવેરીલાલ સોનેજી તથા જોરુભા રાઠોડના હસ્તે કરાયું હતું.
ડો. કાંતિ ગોરનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ મહોત્સવના પ્રથમ દિને ડો. અંબાદાન રોહડિયાએ
`કવિ દુલા કાગના કાવ્યોમાં અધ્યાત્મ ચિંતન'
વિષય પર વકતવ્યમાં કાગબાપુના જીવન-કવનનો પરિચય આપીને કાગબાપુએ ચારણી પરંપરા દ્વારા વર્ણવેલી વાતોની રજૂઆત કરી
હતી. ડો. નિરંજન રાજ્યગુરુએ `ગુજરાતી સાહિત્યમાં વિવિધ અધ્યાત્મ પ્રવાહો' વિષય પર વકતવ્યમાં
સાહિત્ય, ગુરુ-શિષ્ય પરંપરા, જીવનનાં પગથિયાં, પાંચ તત્ત્વ, પચીસ પ્રકૃતિ, સાત ચક્ર
ને પાંચ જ્ઞાનેન્દ્રીયની વિસ્તૃત છણાવટ કરી હતી.
ડો. રમજાન હસણિયાએ `કવિ તેજની કવિતાઓમાં જીવનદર્શન' વિષય પર વકતવ્યમાં કવિ તેજે
ગૂઠારથની વાતોને જીવાતા જીવનના ઉદાહરણોથી સહજ રીતે કવિતામાં વણી લીધી હોવાનું જણાવ્યું
હતું. લીલાધર ગડા-અધાએ `કર્મીનાં
સાહિત્યમાં ઈશ્વરતત્ત્વનું દર્શન' વિષય પર વાસ્તવદર્શી પ્રસંગોનું નિરુપણ કરતાં જણાવ્યું
હતું કે, કર્મ કરવું એ જીવમાત્રનું કર્મ છે. કર્મ કરનાર વ્યકિત સ્વયં પોતાનાં કાર્યેનું
પોતાની કલમ દ્વારા નિરુપણ કરે તો નિરુપણ સાહિત્ય બને છે. બીજા દિવસના પ્રારંભે ડો. કાંતિ ગોર `કારણ'એ `મેકણદાદાની `ગુજારથ'ની વાતો' વિષય પર કચ્છના કબીર તરીકે
મેકણદાદાને ઓળખાવીને જણાવ્યું હતું કે, સિદ્ધયોગી મેકણદાદા એક પરંપરા છે, જે ગુરુએ
વૈદિકકાળથી આજ સુધી અનેક રહસ્યમય પણ માનવમાત્રને માર્ગ બતાવનારી વાતો વણી લીધી હતી,
એ જ પરંપરાને અનુસરીને મેકણદાદાએ ગુજરાતી, હિન્દી, કચ્છીમાં સામાન્ય માણસને સમજાય એવી
ઉપનિષદની વાણી સમજાવી છે. દલપતભાઈ પઢિયારે `મૈં તો વારીવારી જાઉં-અધ્યાત્મ જગતના ઓવારણા' વિષય પર વકતવ્યમાં
ત્રીનું પાઠપરંપરામાં સ્થાન, ગુરુપરંપરાની છણાવટ કરીને જણાવ્યું કે દેહ નાશ્વત છે,
નિરર્થક નથી. એને સાર્થક કરવાનો છે. સાર્થક ત્યારે થાય જ્યારે માધ્યમને ઓળખી લઈએ. દર્શનાબેન
ધોળકિયાએ `કચ્છની સંત
કવયિત્રીઓની કવિતામાં સત્ત્વદર્શન' વિષય પર વકતવ્યમાં સતી તોરલ, રતનબાઈ, જેઠીબા, યોગિની
આનંદલહેરી, પ્રેમાબાઈ, યોગિની રત્નાગીરી (રતનબાઈ) અને ગોમતીબાઈના પદો, કાવ્યો અને જીવનમાં બનેલી સંઘર્ષમય સત્ય ઘટનાઓના
નિરુપણ દ્વારા ગુરુ પદે નારીની પરંપરાનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમના પ્રથમ દિને
ભજનસંધ્યા યોજાઈ હતી, જેમાં નિરંજન રાજ્યગુરુ અને દલપતભાઈ પઢિયારએ ભજનોની પ્રસ્તુતિ કરીને છણાવટ કરી હતી, જ્યારે ઈશ્વરભાઈ
ઓઝાએ અધા લિખિત ભજનની રજૂઆત કરી હતી. સમાપનમાં ભાગ લેનાર ડેલિગેટો વતી રાજગોર ધ્રુવ,
કાગ રામભાઈ, દક્ષાબેન સોલંકી અને દમયંતીબેન બારોટે પ્રતિભાવમાં જીવન ઉપયોગી ઉત્તમ ભાથું
મળ્યું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય સહયોગ એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.-ભુજોડી
સાથે શેમારૂ એન્ટરટેઈન્મેન્ટ લિ.-મુંબઈ અને પ્રવીણ વીરા એન્ડ કું.-મુંબઈ રહ્યા હતા.
ઉદ્ઘાટન તથા સમાપન કાર્યક્રમનું સંચાલન વિશ્રામ ગઢવીએ કર્યું હતું, જ્યારે સત્ર સંચાલન
સ્નેહલ વૈદ્યએ કર્યું હતું. સમાપનમાં લીલાધર
ગડાએ સૌનો ઋણ સ્વીકાર કરવાની સાથે તેઓએ રચેલ કાવ્યની પ્રસ્તુતિ લાલ રાંભિયાના ઓડિયો
દ્વારા કરાઈ હતી. આ અવસરે બાબુભાઈ મેઘજી શાહ, કીર્તિ ખત્રી, હરેશ ધોળકિયા, ગૌતમ જોષી,
માવજીભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કપિલ ગોર, સિકંદર દાઉદ ભડાલાભૈયા,
નવીન મારવાડા અને ભોજાય હોસ્પિટલ સ્ટાફે સંભાળી હતી.