લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવાને લઈ સંસદના શિયાળુ
સત્રમાં લાવવામાં આવેલા બે બંધારણીય સુધારા ખરડા અંગે સંયુક્ત સંસદીય સમિતિ, જેપીસીની
મળેલી પહેલી બેઠકમાં ભારે હોબાળો મચ્યો. શાસક પક્ષ અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તર્ક-વિતર્ક
થયા છે. ભાજપ અને સહયોગી પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાની જોરદાર તરફેણ કરી અને વિપક્ષો-કોંગ્રેસ,
સમાજવાદી પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ અને `આપ'ના સભ્યોએ કહ્યું કે, બંધારણના મૂળ માળખાં પર આ હુમલો થઈ
રહ્યો છે. લગભગ ચાર કલાક ચાલેલી બેઠકમાં ભાજપના સાંસદોએ પ્રસ્તાવનું જોરદાર સમર્થન
કર્યું હતું અને જલ્દીથી જલ્દી અમલમાં લાવવાની માંગ કરી હતી, જ્યારે કોંગ્રેસે પ્રસ્તાવને
ગેરબંધારણીય જણાવીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસી સાંસદ પ્રિયંકા ગાંધી વડરા સહિત અનેક
સાંસદોએ એકસાથે ચૂંટણી કરાવવાથી ખર્ચ ઓછો થવાની દલીલ સામે શંકા ઊઠાવી છે. વિરોધ પક્ષોની
દલીલ છે કે, `એક દેશ-એક
ચૂંટણી'ના પ્રસ્તાવ મુજબ અનેક રાજ્ય વિધાનસભાઓને શીઘ્ર બરખાસ્ત કરીને તેનો કાર્યકાળ
લોકસભાની સાથે નક્કી કરવાથી બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન થાય છે. ભાજપ સાંસદ સંજય જયસ્વાલે
એ વાતનો ઉલ્લેખ કર્યો કે, 1957માં સાત રાજ્યની વિધાનસભ્યોને સમય પહેલાં બરખાસ્ત કરવામાં
આવી હતી, જેથી બધાં રાજ્યોની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણીની સાથે થાય. શું તત્કાલીન રાષ્ટ્રપતિ
રાજેન્દ્ર પ્રસાદ અને તત્કાલીન નેહરુ સરકારમાં સામેલ અન્ય પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ બંધારણનું
ઉલ્લંઘન કર્યું હતું? હકીકતમાં ચૂંટણીઓ છૂટીછવાઈ હોવાથી દેશનો વિકાસ બાધિત થાય છે અને
સરકારી ખજાના પર બોજો પડે છે. જેપીસીની પહેલી બેઠકમાં વિપક્ષોના સભ્યો દ્વારા કોઈ નક્કર
દલીલો કરવામાં આવી હોય એવું જણાતું નથી. કોંગ્રેસે એ જ જૂની રેકોર્ડ વગાડી કે એકસાથે
ચૂંટણી કરાવવી ગેરબંધારણીય હશે. 1967 સુધી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે જ
થતી હતી, તે બધી ગેરબંધારણીય હતી? જો કે, આ પછી દેશમાં કોંગ્રેસી ઇન્દિરા ગાંધી દ્વારા
ચૂંટાયેલી સરકારો બરખાસ્ત કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની શરૂઆત થઈ હતી.
ગઈ લોકસભાની ચૂંટણીની સાથે જ ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમ વિધાનસભાની
ચૂંટણી થઈ હતી. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ પણ કહી દીધું કે, એકસાથે ચૂંટણીની પહેલ લોકોના લોકતાંત્રિક અધિકારોનું
હનન છે. એક દેશ-એક ચૂંટણીના વિરોધ માટે તેઓ પાસે કોઈ દલીલ નથી અને દેશમાં વારંવાર ચૂંટણીના
રાજકારણથી લોકો કંટાળી ગયા છે.