• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

વિદેશ ભાગેલા ગુનેગારો અને `ભારત પોલ'

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે, ભારતમાં ગુનો કરીને વિદેશ નાસી જનારા ગુનેગારો કાયદાની પકડમાંથી બહાર છે, પણ હવે સમય આવી ગયો છે કે, આવા ગુનેગારોને પકડી લાવવામાં આવશે. સીબીઆઈએ વિકસાવેલાં ભારત પોલ પોર્ટલનાં અનાવરણ સમયે અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત પોલની શરૂઆતની સાથે આંતરરાષ્ટ્રીય તપાસમાં ભારત એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. ભારત પોલથી ભારતની દરેક તપાસ એજન્સી અને પોલીસ ખાતું અત્યંત સરળતાથી ઇન્ટરપોલ સાથે સંકળાઈને તપાસને વેગ આપી શકશે. સીબીઆઈએ ભારત પોલ નામનું એક અત્યાધુનિક પોર્ટલ બનાવ્યું છે. આની મદદથી સીબીઆઈ અન્ય કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સ્તર પર ઇન્ટરપોલ ઓફિસરથી સીધા જોડાઈ શકશે. પોર્ટલ પર જ માહિતીની આપ-લે કરવામાં આવશે. હાલ સીબીઆઈ ઇન્ટરપોલ ઓફિસર અને એસીપી, ડીસીપી સ્તરના યુનિટ અધિકારીઓ સાથે પત્ર, ઈ-મેલ અને ફેક્સ દ્વારા માહિતીની આપ-લે કરે છે. આ પોર્ટલની મદદથી કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ સરળતાથી ઇન્ટરપોલથી જોડાઈ શકશે અને તપાસમાં વેગ લાવી શકશે. ગુનેગારો વિરુદ્ધ રેડ કોર્નર સહિત વિવિધ કલરકોડ નોટિસ બહાર પાડવાની પ્રક્રિયા સરળ બનશે. ભારત પોલ તપાસ એજન્સીઓ અને બધાં રાજ્યોની પોલીસને 195 દેશનાં ઇન્ટરપોલ નેટવર્કથી સાંકળીને ગુનેગારો પર લગામ તાણવામાં મહત્ત્વની ભૂમિકા બજાવશે. ભારત પોલ પર 19 પ્રકારના ડેટાબેઝ ઉપલબ્ધ રહેશે, જે ગુનેગારોનું વિશ્લેષણ કરવા, રોકવા અને ગુનેગારોને પકડવામાં મદદરૂપ બનશે. ખાસ વાત એ છે કે, રાજ્યનું પોલીસદળ પણ ઇન્ટરપોલને વિનંતી કરી શકશે અને એ સ્વીકારાશે તો તેની માહિતી સીધી મળી જશે, તેને કારણે ઇન્ટરપોલ અને આપણી સુરક્ષા એજન્સી સાથે તાલમેલ વધુ અસરકારક બની ગયો છે. અત્યાર સુધી કોઇ ગુનેગાર વિદેશ ભાગી જતો, તો પહેલાં સીબીઆઇને જાણ કરવી પડતી હતી, પછી તે ઇન્ટરપોલ સુધી પહોંચતી. આ જટિલ પ્રક્રિયા હવે સરળ બની જશે. તેનો ફાયદો પણ થવાનો જ છે. આવા ગુનેગારો સામે રેડ કોર્નર નોટિસ ઝડપથી બહાર પડી શકશે. સીબીઆઈએ ભારત પોર્ટલ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં ઇન્ટરપોલ જેવી સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. સીબીઆઈએ આ અત્યંત આધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આમ, આ પોર્ટલ આંતરરાષ્ટ્રીય પોલિસિંગ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ પોર્ટલ ખાસ કરીને ઇન્ટરનેશનલ ગુનાઓની તપાસ ઝડપી બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આના દ્વારા રિયલ ટાઈમ માહિતી મેળવવાનું પણ શક્ય બનશે. ભારત પોલની મદદથી રાજ્ય પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઇન્ટરપોલ દ્વારા જે મદદ મેળવી શકશે તેને લઈ હવે ભારતમાં ગુના આચરી વિદેશ ભાગી છૂટેલા ગુનેગારોને પકડી દેશમાં લાવવાની કાર્યવાહીને વેગ મળશે એવી આશા રાખવી રહી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd