• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

આર્થિક વિકાસદરનું ચિંતા જગાવતું અનુમાન

વિશ્વ માટે રસ અને અધ્યયનની બાબત રહેલાં ભારતનાં અર્થતંત્ર સામેના પડકારો સતત વધી રહ્યા છે. મોંઘવારી અને રૂપિયાની ઘટતી કિંમતની સાથોસાથ હવે વિકાસદરમાં તોળાતો ઘટાડો ભારતીય અર્થતંત્રની માથે આફતનો ઓછાયો બની રહ્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (એનએસઓ)નાં અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસદર 6.4 ટકા રહી જાય તેમ છે. આમ તો ભારતીય રિઝર્વ બેંકે 6.7 ટકાના વિકાસદરનું અનુમાન મૂક્યું હોવા છતાં એનએસઓનું અનુમાન તેનાથી ઓછું હોવાનું સામે આવ્યું છે.  વળી, આંકડાકીય રીતે એનએસઓનું અનુમાન લગભગ સચોટ બની રહેતું હોય છે. જો કે, એનએસઓનાં અનુમાનમાં અમુક રાહતભર્યા સંકેતો પણ આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિક સમયગાળામાં કૃષિ અને બાંધકામ ક્ષેત્રનો વિકાસ વધશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ છ માસિક સમયગાળા દરમ્યાન વિકાસદર છ ટકાથી નીચે રહ્યો હતો, ત્યારે બાંધકામ ક્ષેત્રનો દેખાવ સાવ નબળો રહ્યો હતો. ત્યારથી નિષ્ણાતો વિકાસદર અંગે ચિંતામાં હતા. વળી, અર્થતંત્રનાં ચક્રમાં અન્ય ક્ષેત્રો નબળાં રહે ત્યારે બાંધકામ ક્ષેત્ર પર તેની અસર પડતી હોય છે. આ અરસપરસનાં અવલંબનને લીધે વિકાસદર પણ વધ-ઘટ થતો રહે છે. વળી, આ વખતે વિકાસદરનું જે અનુમાન સામે આવ્યું છે, તે કોરોનાકાળ પહેલાંનું છે. આમ, કોરોનાકાળ પછીના સમયમાં આવેલા તેજીના આંકડા હવે ધરાતલ પર આવી રહ્યા હોય એવી અનુભૂતિ થઇ રહી છે. એમ કહેવાઇ રહ્યંy છે કે, એનએસઓનું તાજું અનુમાન અર્થતંત્રના વિકાસમાં સ્વાભાવિક કહી શકાય તેવું છે. એટલે કે, ભારે વિકાસની વાત હાલ તુરત તો કહી શકાશે નહીં. બીજી ઉલ્લેખનીય બાબત એ છે કે, વિકાસદર સામાન્યની આસપાસ રહેશે, પણ મોંઘવારી અસામાન્ય એટલે કે, પાંચ ટકાની ઉપર રહે તેમ છે. આને લીધે આરબીઆઇ રેપો દરમાં કોઇ ઘટાડો કરવાનાં પગલાંને ટાળી શકે છે. પરિણામે અર્થતંત્રને સરળ વ્યાજે નાણા મળી શકશે નહીં. આ ઉપરાંત સરકારને આર્થિક મોરચે પડકારને પહોંચી વળવા મહેસૂલી ખાધ ઘટાડવા ખર્ચમાં કાપ મૂકવો પડી શકે છે. આ અકળ આર્થિક વમળ છે, જેમાંથી બહાર આવવાનો પડકાર ભારે મુશ્કેલ છે. આ બધા વચ્ચે આર્થિક વિકાસદર ઘટે તો દેશમાં સીધાં વિદેશી રોકાણ પર અવળી અસર પડી શકે છે. આમે સરકાર ડોલરની સરખામણીએ રૂપિયાના દરમાં ઘટાડાને કાબૂમાં લેવા મથી રહી છે.  રૂપિયો નબળો પડતાં વિદેશી રોકાણકારો તેમનાં નાણાં દેશમાંથી કાઢીને પરત લઇ જવા લાગ્યા છે. બીજા છ માસિક સમયગાળા દરમ્યાન વિકાસદરમાં થોડો સુધારો રહેશે અને ખાસ તો કૃષિક્ષેત્રનો દેખાવ સારો રહેશે, પણ આ દેખાવ અર્થતંત્રને ઉગારે એવો તો નહીં જ હોય. બીજી તરફ બાંધકામ ક્ષેત્ર પર અર્થતંત્રને ઘણો આધાર હોવા છતાં ત્યાં ઘરાકીનો અભાવ વર્તાઇ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો રહેતાં બાંધકામ ક્ષેત્રે માંગ ઘટી છે. આ ઉપરાંત ધિરાણના દર ઊંચા રહેતાં આ ક્ષેત્ર માટે વિકાસની તકો મર્યાદિત થઇ ગઇ છે. સરવાળે લગભગ તમામ ક્ષેત્રોમાં બાદબાકી આર્થિક વિકાસદરમાં ઘટાડામાં પરિણમી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd