ચૂંટણીપંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરતાં
દેશની રાજધાનીમાં રાજકીય જંગનું રણશિંગું વિધિવત ફૂંકાયું છે. જો કે, ચૂંટણીની તારીખોની
સત્તાવાર જાહેરાત પહેલાં જ લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્રણે મુખ્ય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોનાં
નામની જાહેરાત કરવા ઉપરાંત એકમેક પર કાદવ ઉછાળવાથી લઈને નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ અને
આક્રમક નિવેદનબાજી શરૂ કરી છે. ઠંડીથી થરથરી રહેલા દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમોની ઘોષણા
પહેલાં જ ઉદ્ઘાટનો, શિલાન્યાસો, લોકોને લલચાવનારા આશ્વાસનોનો સિલસિલો, નેતાઓની ખરાબ
જીભ અને કાર્યકર્તાઓની આક્રમકતાને કારણે ગરમાટો આવ્યો છે. હવે જ્યારે ચૂંટણીપંચે પાંચ
ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભા ક્ષેત્રોની બધી 70 બેઠક પર મતદાન અને ગણતરીનું
એલાન કર્યું છે. આ ઘોષણા સાથે જ રાજધાનીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પંચે કેન્દ્ર
સરકારને સ્પષ્ટ જણાવ્યું છે કે, આગામી સામાન્ય બજેટમાં તે દિલ્હી કેન્દ્રિત કોઈ યોજનાની
ઘોષણા નહીં કરી શકે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી
એ માટે પણ મહત્ત્વની છે કે, આની અસર રાષ્ટ્રવ્યાપી હોય છે. દિલ્હી સરકારની બંધારણીય
શક્તિઓ ભલે સીમિત હોય, પણ રાષ્ટ્રીય મીડિયાનાં કેન્દ્રમાં હોવાનાં કારણે આના નેતાઓની
તુરંત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઓળખ બની જાય છે. એમાં કોઈ બેમત નથી કે દિલ્હીએ એક `મોડેલ સ્ટેટ' બનવું જોઈતું હતું, પણ વિકાસનું
મોડલ બની શક્યું નથી કે ન તો સાર્વભૌમત્વ શાસન પ્રણાલીની ઓળખ સ્થાપી શક્યું છે. યમુના,
શ્વાસ રુંધતું પ્રદૂષણ કે પછી કેન્દ્ર રાજ્ય ટકરાવ જ આની ઓળખ બની ગઈ છે. વિડંબના એ
છે કે આ માટે કોઈ એક પક્ષને દોષી નહીં ઠેરવી શકાય. કારણ કે અહીંની સત્તાના ત્રણ મુખ્ય
દાવેદારો ભાજપ, કોંગ્રેસ અને આપે આ રાજ્ય પર શાસન કર્યું છે. આપ અસ્તિત્વમાં આવ્યા
પછી અહીં વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો છે. એ અલગ વાત
છે કે, આ અપેક્ષાકૃત નવા પક્ષે એક વેળા વર્ચસ્વ સ્થાપિત થયા પછી અહીં પોતાની પકડ નહીં
ગુમાવવા પૂરતા પ્રયાસો કર્યા છે. નવી દિલ્હી અને બે રાજ્યોમાં સત્તારૂઢ થવા છતાં આપે
આક્રમક શૈલીથી રાજનીતિની પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. આ આક્રમકતાએ પક્ષને નવો ઓપ આપ્યો
છે. સાથે જ અન્ય પક્ષો સાથે તેના સંબંધોને પણ સહજ-સામાન્ય થતા રોક્યા છે. આપે સત્તાવિરોધી
લહેરને નરમ પાડવા માટે પોતાના 20 વર્તમાન વિધાનસભ્યોને ફરી ઉમેદવારી આપી નથી. વિપક્ષ
દ્વારા ચોમેરથી થઈ રહેલા હુમલા વચ્ચે ચોથી વેળા આપનો સત્તા કબજે કરવાનો રાહ આસાન નથી.
`આપ' માટે અત્યંત મહત્ત્વની ચૂંટણી એ માટે
છે. કારણ કે તેની પાસે વૈકલ્પિક રાજનીતિની જે સૌથી મોટી શાખ હતી તે હવે લૂંટાઈ ચૂકી
છે. તેના નેતાઓ પર કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અને તે પણ બીજા પક્ષોની જેમ ગઠબંધન
અને તડજોડના રસ્તા પર ઊતરી આવી છે. આ ચૂંટણી સફળતા-નિષ્ફળતાની અસ્મિતાથી સંકળાયેલી
છે. આ ચૂંટણીમાં પરીક્ષા ફક્ત રાજકીય પક્ષોની નથી, દિલ્હીના મતદારોની પણ છે, તેઓ પોતાની
સમસ્યાઓ પ્રતિ કેટલી સજાગતા દાખવે છે ? એ વાત અત્યારે કસોટીની એરણ પર છે, પણ જે રીતે
આ ચૂંટણી લડવામાં આવી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે, પરિણામ ગમે તે આવે, રાજકારણમાં
કડવાશ અને વૈમનસ્યનો દોર લાંબો ચાલશે.