• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

સફેદ રણનું ગગન અવનવા પતંગોથી બન્યું રંગીન

ધોરડો, તા. 13 : કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ધોરડોના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીના પગલે ઉત્તરાયણનો આગોતરો ધમધમાટ?વર્તાયેલો જોવા મળ્યો હતો. દેશ-વિદેશના 50થી વધુ પતંગબાજોએ અવનવા પતંગને આકાશમાં ઉડાવી સફેદ રણના આકાશને રંગીન બનાવી દીધું હતું. આ પતંગ ઉત્સવમાં નવ અલગ-અલગ દેશના પતંગબાજો સાથે દેશના વિવિધ રાજ્યના પતંગબાજોએ રણમાં વાતા ઠંડા પવનની લહેરખી વચ્ચે પતંગ ચગાવવાની મોજ માણી હતી. નવ આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત દેશના વિવિધ રાજ્યમાંથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને આવકાર અપાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જનકાસિંહ જાડેજાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનથી કચ્છના સફેદ રણને જોવા દેશ- વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનો પ્રતીક બન્યો છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતના દરેક ઉત્સવ પાછળ એક વિજ્ઞાન છૂપાયેલું છે. ઉત્તરાયણ પર્વના મહત્વને ધારાસભ્યએ સમજાવીને કચ્છના સફેદ રણમાં આવેલા વિવિધ દેશોના કાઈટિસ્ટોને આવકાર આપ્યો હતો. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે. ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન બેલારુસ, ભૂતાન, ઈન્ડોનેશિયા, ડેન્માર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી, ટ્યૂનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ તેમજ મહારાષ્ટ્ર, સિક્કીમ, પશ્ચિમ બંગાળ રાજ્યોના પતંગબાજો અને કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી નૃત્યની પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી. તો વિદેશી પતંગબાજો ઢોલના તાલે ગરબા પણ ઘુમ્યા હતા. ધોરડો સરપંચ મિયાં હુસેન, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઈ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, સોમનાથ ડિસ્ટ્રિક્ટ જજ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનિલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશ્મી, ભુજ ગ્રામ્ય મામલતદાર અરૂણ શર્મા, બીએસએફના અધિકારી સાજન સીટી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન  મનન ઠક્કરે કર્યું હતું. આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd