• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

નાસતા ઠગબાજ સિકલા-સેધિયાની અટક

ભુજ, તા. 13 : સસ્તાં સોનાની લાલચમાં ફસાવી લાખોની ઠગાઇ અને લૂંટ મચાવનાર કુખ્યાત ગેંગના સૂત્રધાર નાસતા-ફરતા સિકંદર ઉર્ફે સિકલો જુશબ સોઢા અને તેના સાગરીત સિધિક ઉર્ફે સેધિયો સાલેમામદ ફકીરને એલસીબીએ  ઝડપી પાડયા છે. સિકલા સામે ઠગાઇ અને લૂંટના આઠ કેસ પોલીસ ચોપડે ચડી ચૂકયા હોવાથી એક તબક્કે તેની સામે ગુજસિટોકની કાર્યવાહી કરવા પોલીસે મન બનાવ્યાની વિગતો થોડા દિવસો પૂર્વે જ અંતરંગ વર્તુળો પાસેથી સામે આવી હતી. સિકલા અને તેની ગેંગે હાલમાં જ સુરતવાસીઓને સસ્તાં સેનાંની જાળમાં ફસાવી 31.60 લાખની ઠગાઇ-લૂંટ મચાવ્યાનો ગુનો એ-ડિવિઝનમાં નોંધાયો હતો. આ કેસની ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે, `ગૃહમંત્રી હર્ષ સંઘવીથીએ કંઇ નહીં થાય, થાય તે કરી લો...' જેવું સુણાવી ગૃહમંત્રીનેય જાણે પડકાર ફેંકયા જેવી વાત કરી હતી. ઠગાઇ-લૂંટ મચાવનારા નાસતા-ફરતા આવા આરોપીઓને ઝડપી પાડવા આઇજી ચિરાગ કોરડિયા અને પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શનનાં પગલે એલસીબીની ટીમ સતર્ક હતી. તે દરમ્યાન એલસીબીને બાતમી મળી કે ભુજના એ-ડિવિઝન, માનકૂવા પોલીસ મથક અને  સાઇબર ક્રાઇમ આહવા (ડાંગ)માં દાખલ થયેલા છેતરપિંડી-લૂંટના ગુનાનો નાસતો-ફરતો આરોપી સિકંદર ઉર્ફે સિકલો અને  એ-ડિવિઝનના ગુનામાં નાસતો સિધિક ઉર્ફે સેધિયો બન્ને હાલ ખારી નદી ચાર રસ્તા પાસે આવેલી ચાની હોટેલ પાસે હાજર છે. આથી એલસીબીએ બન્નેને ઝડપી એ-ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. વર્ષ 2022થી અત્યાર સુધી સિકલા સામે ભુજના એ-ડિવિઝનમાં પાંચ, બીમાં એક અને  માનકૂવામાં એક તથા આહવા પોલીસ મથકમાં એક એમ કુલ્લે આઠ જેટલા ઠગાઇ-લૂંટના ગુના નોંધાયેલા છે. હાલમાં સુરતવાસીઓ સાથેના ચકચારી બનાવ બાદ પોલીસ પણ તેની સાથે ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી વિગતો સામે આવી હતી. આગામી દિવસોમાં તેની સામે ગુજસિટોકનું શત્ર ઉગામાય તેવી બાબત પણ અંતરંગ વર્તુળો પાસેથી સામે આવી છે. એલસીબીની આ કાર્યવાહીમાં મહિપાલસિંહ, વાલાભાઇ, મૂળરાજભાઇ અને સુરુભા જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd