પ્રયાગરાજ, તા. 13 : મહાશિવરાત્રિ સુધી ચાલનાર 45 દિવસના મહાકુંભનો
મકરસંક્રાંતિના એક દિવસ પહેલાં સોમવારે શાનદાર પ્રારંભ થયો હતો. પોષ પૂર્ણિમાએ પહેલા
દિવસે 44 ઘાટ પર દોઢ કરોડથી વધુ શ્રદ્ધાળુએ પવિત્ર સ્નાનની ડૂબકી લગાવી હતી. પવિત્ર
ગંગા, યમુના તેમજ પૌરાણિક સરસ્વતીના સંગમમાં શાહીસ્નાનનો લાભ ભારતીય ભાવિકોની સાથોસાથ
જર્મની, બ્રાઝિલ, રશિયા સહિત 20 દેશના ભક્તોએ પણ લીધો હતો. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક,
સાંસ્કૃતિક મહોત્સવની વિશાળતાની પરકાષ્ઠા રૂપ ઘટનાઓમાં સોમવારે ભાવિક સમુદાયની ભીડ
એટલી હદે થઇ હતી કે, પહેલા દિવસે જ 3700 લોકો પોતાના પરિવારોથી વિખૂટા પડીને ખોવાઇ
ગયા હતા. જો કે, `ખોયા-પાયા'
કેન્દ્ર પરથી ઘોષણા કરીને મોટા ભાગના લોકોને છૂટા પડી ગયેલા સ્વજનો સાથે ભેટો કરાવી
દેવાયો હતો. શ્રદ્ધાળુઓ બસ અને રેલવે સ્ટેશનથી 10-12 કિલોમીટર પગપાળા ચાલીને સંગમ પહોંચી
રહ્યા છે. મહાકુંભમાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થારૂપે પોલીસ કમાંડો અને અર્ધ લશ્કરી
દળોના 60 હજાર જવાન તૈનાત કરાયા છે. ઉત્તર પ્રદેશ પોલીસે નૌકામાં બનાવેલી ચોકી તમામ
ઘાટોના ચક્કર લગાવીને નજર રાખી રહી છે. મહાકુંભનાં
પ્રથમ શાહીસ્નાનમાં સૌથી પહેલાં જૂના અખાડાના સાધુઓએ ડૂબકી લગાવી હતી. કુંભમેળા માટે
ખાસ ત્રણ હજાર વિશેષ ટ્રેન દોડાવાઇ રહી છે. પ્રયાગરાજ શહેરમાં અને ચાર હજાર હેકટર ભૂભાગ
પર ફેલાયેલાં કુંભમેળાનાં ક્ષેત્રમાં લગભગ સાત હજાર કરોડનાં વિવિધ કામો કુંભનાં આયોજનના
ભાગરૂપે કરાયાં છે. મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુ સમુદાય પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ
સરકારે પુષ્પવર્ષા કરાવી હતી. જૂના અખાડાના સાધુ તથા શોભાયાત્રા સાથે સંગમકાંઠે પહોંચ્યા
હતા. ત્યારબાદ અન્ય પ્રમુખ અખાડાના સાધુઓએ સ્નાન કર્યું હતું. - મહાકુંભ
: મકરસંક્રાંતિનું સ્નાન હશે વધુ મોટું : લખનઉ, તા. 13 : ઉત્તર પ્રદેશના
મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહના કહેવા પ્રમાણે મકર સંક્રાંતિનું સ્નાન આજથી પણ મોટું
રહેશે. દોઢ વર્ષથી રાજ્ય સરકાર મેળા પ્રશાસન સાથે મળીને તૈયારી કરી રહી હતી. પ્રયાગરાજ
શહેરમાં 4000 હેક્ટરમાં ફેલાયેલા મહાકુંભ ક્ષેત્રમાં અંદાજીત 7 હજાર કરોડ રૂપિયાથી
વધારેના કામ કરવામાં આવ્યા છે. મહાકુંભ માટે સરકારે તમામ તૈયારી પણ પૂરી કરી લીધી હતી.
અને આશા છે કે શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે મહાકુંભનો વધુ સારા અનુભવ થશે.