કુંદન વ્યાસ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના
પ્રથમ પોડકાસ્ટ - મુલાકાતમાં વર્ષ 2005માં એમનો અમેરિકન વિઝા નકારવામાં આવ્યો તેનો
ઉલ્લેખ કર્યો છે. કેટલાક લોકો દ્વારા થયેલા જુઠ્ઠા પ્રચારના આધારે એક ચૂંટાયેલા મુખ્ય
પ્રધાનને વિઝા આપવાનો ઇનકાર થાય તે ભારતનું અપમાન હતું. લોકતંત્રમાં ચૂંટાયેલી સરકાર
અને મુખ્ય પ્રધાન થવું તે કેટલાક લોકોના જુઠ્ઠા પ્રચારના પરિણામે? મને લાગ્યું કે આ
શું થઈ રહ્યું છે?... નરેન્દ્રભાઈએ આ પ્રથમ વખત આ ઘટસ્ફોટ જાહેરમાં કર્યો છે પણ વર્ષ
2005માં જન્મભૂમિ પ્રવાસી-ફૂલછાબ અને કચ્છમિત્રમાં આ વિશે વિગતવાર માહિતીપ્રદ લેખ પ્રસિદ્ધ
થયો હતો જેના અંશ અત્રે આપ્યા છે. 2005માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વિઝા
આપવાનો અમેરિકાએ ઇનકાર કર્યો હતો - તે યાદ છે? ભારતમાં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે
મુદ્દો બનાવ્યો કે અમેરિકાના વિઝા મળતા નથી - ત્યારે મોદીના ભાવ કોણ પૂછશે? સર્વત્ર
બહિષ્કાર થાય છે! મોદી ચૂંટણીપ્રચાર સભાઓ ગજાવતા રહ્યા અને ભારતભરમાં છવાઈ ગયા. ભારતની
જનતાએ તો મોદીને વડા પ્રધાનપદે બેસાડી જ દીધા હતા... 2005માં અમેરિકાએ વિઝાનો ઇનકાર
કર્યો ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી. ચૂંટણીપ્રચારમાં ભલે મોદીની `મજાક'
થાય - રાજદ્વારી સંબંધમાં તો ભારત સરકારે મોદીનું સમર્થન કરવું જ પડે - ભારતના એક રાજ્યમાં
જનતાએ - લોકશાહી પદ્ધતિમાં ચૂંટેલા મુખ્ય પ્રધાનનો અનાદર થાય તે ભારતનો અનાદર, અપમાન
ગણાય. તેથી યુપીએ સરકારે લોકલાજે પણ અમેરિકા સમક્ષ જોરદાર રજૂઆત કરવી જોઈએ અને ભારત
સરકારના વિદેશ ખાતાના સચિવ શ્યામ શરણે નવી
દિલ્હીમાં અમેરિકન એમ્બસીના ડેપ્યુટી ચીફ અૉફ મિશન - રોબર્ટ ઓ બ્લેકને બોલાવ્યા અને
મોદીના વિઝાના મામલામાં અમેરિકાની વલણ અંગે `ગંભીર ચિંતા' વ્યક્ત કરી. અમેરિકી સરકારે તેના
નિર્ણયની ફેરવિચારણા કરવી જોઈએ એમ જણાવ્યું. આ પછી એમ્બેસીએ વૉશિંગ્ટનને `કોન્ફિડેન્સિયલ
કૅબલ'માં જણાવ્યું કે આપણે કોઈ ફેરવિચારણા કરવી જરૂરી નથી... ભારત સરકારને જણાવ્યું
કે `સમીક્ષા
કરી છે, પણ અમારો નિર્ણય યોગ્ય જ છે!' 19મી માર્ચ, 2005ના રોજ મોદી અમેરિકાના પ્રવાસે
જનાર હતા તેના આગલા દિવસે 18મીએ ભારત સરકારને આવો જવાબ મળ્યો હતો! અને જવાબ મળ્યા પછી
વિદેશ સચિવ શ્યામ શરણે રોબર્ટ બ્લેકને બોલાવીને જણાવ્યું કે `આવો નિર્ણય
યોગ્ય નથી. સામાન્ય વિવેક અને આદરની ભાવના નથી. વિઝા રદ કરવાના નિર્ણયથી વિવાદ ભડકાવાયો
છે. મોદી સમાજમાં વિભાજન કરાવે છે એવો આક્ષેપ થાય
છે, પણ હવે આ આક્ષેપ અમેરિકાને લાગુ પડે છે.' વિદેશ સચિવ સાથે રોબર્ટ બ્લેકની
મુલાકાત પછી ત્રણ દિવસ બાદ એમ્બેસેડર મુલફોર્ડે વૉશિંગ્ટનને મોકલેલા કૅબલમાં જણાવાયું : `યુપીએ
સરકારે અમેરિકી નિર્ણય અંગે વિરોધ દર્શાવ્યા પછી - હવે વધુ દબાણ કરે એવી શક્યતા નથી!
આવા નિષ્કર્ષ ઉપર આવવા માટે એમ્બેસીએ ભારતની રાજકીય પરિસ્થિતિનો `અભ્યાસ
અહેવાલ' આપ્યો. ભારતની તત્કાલીન રાજકીય સ્થિતિ
પારખવામાં અમેરિકી નિષ્ણાતો કેવા થાપ ખાઈ ગયા?! નરેન્દ્ર મોદીના વિઝા રદ કરીને, નવા
વિઝા નહીં આપવાના નિર્ણય પછી - એક જ વર્ષમાં 2006માં અમેરિકાએ જોયું કે મોદી તો રાષ્ટ્રીય તખતા ઉપર ગાજે છે, ગર્જે
છે અને વડા પ્રધાનપદ સુધી પહોંચી રહ્યા છે ત્યારે ખાતરી થઈ ગઈ કે હવે એમની અવગણના કરાય
નહીં. ભવિષ્યમાં એમની સાથે કામ પડશે - હવે અમેરિકી વિદેશ ખાતાએ - નવી દિલ્હીની એમ્બસીને
બદલે મુંબઈ તથા અન્ય રાજ્યોમાં કોન્સ્યુલેટને સૂચના આપી કે મોદીનો સંપર્ક - મુલાકાતો
રાખવી. આમ - નીચલા સ્તર ઉપર સંપર્ક થાય એટલે `એક પગ' એમની સાથે રહે અને માનવ અધિકાર તથા ધાર્મિક
સ્વાતંત્ર્યનો મુદ્દો - બીજો પગ - ઊંચો, અલગ બતાવી શકાય! નવેમ્બર, 2006માં મુંબઈ ખાતેના
કાઉન્સિલ જનરલ માઇકલ એસ. ઓવેને આ દિશામાં પહેલ કરી - કારણ કે મુખ્ય પ્રધાન નરેન્દ્ર
મોદીના બી1/બી2 વિઝા મુંબઈ અૉફિસે રદ કર્યા હતા. હવે મુંબઈ અૉફિસ પહેલ કરે તો `મોદીના
વિઝા રદ કર્યા અને હવે વડા પ્રધાન બની રહ્યા છે તેથી એમને મનાવી લેવા છે - અમેરિકા
તકવાદી છે એવી ટીકા ભાજપ કરી શકે નહીં તેવી ગણતરીથી મુંબઈની પસંદગી થઈ!' મુંબઈ ખાતેના
અમેરિકી અધિકારીઓને ભાજપ અને આરએસએસના નેતાઓ સાથેની ચર્ચાવિચારણા પછી ખાતરી થઈ કે મોદીનું
લક્ષ્ય નવી દિલ્હી - વડા પ્રધાનપદ છે! ઘણા ભાજપી નેતાઓ પણ - માને છે - સ્વીકારે છે
કે મોદી ભાજપને ઉગારશે. માઇકલ ઓવને વૉશિંગ્ટન પાઠવેલા કૅબલમાં જણાવ્યું: મોદીની સફળતા
વિશે એકમતી નથી, પણ ગુજરાત અને નવી દિલ્હીમાં મોટા ભાગના નેતાઓ માને છે કે મોદીનો ઉદય અનિવાર્ય અને નિશ્ચિત છે. મુંબઈથી 2850 શબ્દોનો રિપોર્ટ નવી દિલ્હીમાં એમ્બેસીને
મળ્યો અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ વૉશિંગ્ટન ગયો! `આખરે જો
મોદી નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રીય નેતા બને તો
યુએસજી (યુનાઇટેડ સ્ટેટસ ગવર્નમેન્ટ) - સરકારે નક્કી કરવું પડશે કે જે નેતાના
સી1/સી2 વિઝા આપણે રદ કર્યા તે નેતા સાથે કેવું વલણ રાખવું - સંબંધ સુધારવા માટે શું
કરવું? એમની અવગણના કરવાથી આપણી વગ ઘણી ઘટી જશે એમ અમે માનીએ છીએ. ભારતના મોટા અને
મહત્ત્વના વિપક્ષના નેતા મોદી રાષ્ટ્રીય તખતા ઉપર આવે ત્યાં સુધી આપણે રાહ જોતા રહીએ
તો ભાજપના ઘણા નેતાઓ આપણને તકવાદી કહેશે અને વિઝા રદ થયા પછી પશ્ચિમ ભારતમાં અમેરિકા ભણી શંકા છે તે દૃઢ
થશે.' `2002માં રમખાણો
પછી આપણે એમ્બેસેડર સ્તર ઉપર મોદીને મળ્યા
નથી પણ મુંબઈ ખાતેના કાઉન્સિલ જનરલ અમદાવાદ જઈને એમને મળ્યા છે. આપણે આવી મુલાકાતો
જારી રાખીશું. જેથી એવી છાપ પડે નહીં કે અમેરિકાની પૉલિસી મોદીવિરોધી છે! ભાજપને પણ
બતાવવું જોઈએ કે અમેરિકા વિપક્ષ સાથે પણ સંબંધ રાખે છે! મોદી સાથેના સીધા સંપર્ક -
સંબંધથી મેસેજ પણ જાય કે ગુજરાતમાં માનવ અધિકાર અને ધાર્મિક સ્વાતંત્ર્યની અમેરિકાને
પણ ચિંતા છે! મુખ્ય પ્રધાન તરીકે મોદીની શક્તિ અને સિદ્ધિ તથા રાષ્ટ્રીય નેતા બનવાની
ક્ષમતા વિશે મુંબઈના કાઉન્સિલ જનરલ માઇકલ ઓવને વૉશિંગ્ટનને મોકલેલા કૅબલમાં જણાવ્યું:-
મોદીએ સફળતાથી પુરવાર કર્યું છે કે તેઓ અસરકારક શાસનકર્તા અને ભ્રષ્ટાચારવિરોધી સ્વચ્છ
છે. વ્યાપારી સંસ્કૃતિના રાજ્ય ગુજરાતમાં એમણે વ્યાપાર-ધંધા સરળ બનાવ્યા. કાયદો-વ્યવસ્થામાં
હિન્દુ બહુમતીનાં હિતોની રક્ષા કરી. આ સફળતા અને હકારાત્મક પાસાંથી મોદી ભારતભરમાં
ભાજપને વિજય અપાવશે. ઘણાને આશા છે, વિશ્વાસ
પણ છે કે મોદીનાં જમાપાસાં જોઈને લોકો 2002ને ભૂલીને આગળ વધશે...' કાઉન્સિલ જનરલે
- તત્કાલીન ભાજપી સંસદસભ્ય હરીન પાઠકના શબ્દો ટાંકયા - પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ
અડવાણીજીને પણ ખાતરી છે કે મોદી ભાજપને નવા શિખર ઉપર લઈ જશે. રામ માધવે પણ કહ્યું,
મોદી આગળ વધશે કે નહીં તે પ્રશ્ન નથી. ક્યારે
ઉચ્ચ સ્થાને પહોંચશે તે સમયનો જ પ્રશ્ન છે. આવા સંજોગોમાં અમેરિકી એલચી નાન્સી પોવેલ
નરેન્દ્ર મોદીને મળવા ગાંધીનગર જાય તે મહત્ત્વનું છે. કેટલાક મીડિયાવાળા લખે છે કે
વિઝાની ચર્ચા થઈ નથી. અમેરિકા કહે છે વિઝાની
નીતિમાં પરિવર્તન નથી. આનો અર્થ શો? શું નાન્સીજી મોદીભાઈને વિઝા આપવા ગયાં હતાં? હવે
તો આમંત્રણ આપવા જઈ શકે અને આ મુલાકાતમાં ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય બાબતોની ચર્ચા થઈ તે શું સૂચવે છે? અમેરિકન એમ્બેસીની
પ્રેસનોટમાં કહ્યું છે કે ભારતની ચૂંટાયેલી
સરકાર સાથે અમારા સંબંધ - વ્યવહાર રાખવાની અમારી નીતિ છે! આ મુલાકાત પાછળની ભૂમિકા
રસપ્રદ છે. એમાં નરેન્દ્ર મોદીની મક્કમતાનો પરિચય મળે છે. ગયા સપ્ટેમ્બરમાં દિલ્હીમાં
નરેન્દ્ર મોદીની જાહેરસભા - રૅલી હતી અને રાબેતા મુજબ અન્ય રાજદ્વારી એલચીઓની જેમ અમેરિકાનાં
નાન્સી પોવેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ તેઓ આવ્યાં નહીં અને રોષે ભરાયેલા
ભાજપે આમંત્રણ પાછું ખેંચી લીધું ત્યારે
અમેરિકાને ભાન થયું કે જરા કાચું કપાઈ ગયું છે. આ પછી નવેમ્બરમાં અમેરિકન દૂતાવાસે
નરેન્દ્ર મોદી ચાર રાજ્યોના ચૂંટણીપ્રવાસ શરૂ કરે ત્યારે મળવાની દરખાસ્ત કરી. આ રીતે
ચૂંટણીસભાની સાથોસાથ આવી મુલાકાત થાય એટલે નાનાં બાળકોને ફોસલાવવા - પટાવવા જેવો ઘાટ
થાય. અમેરિકાના અબાઉટ ટર્નની ટીકા થાય નહીં. આ તો અમસ્તાં - આવતાં - જતાં મળી લીધું!
વળી, આવી મુલાકાત માટે ભારતના વિદેશ ખાતાની મંજૂરી પણ જરૂરી હોય નહીં. નરેન્દ્ર મોદીએ
આ દરખાસ્ત નકારી અને જવાબ આપ્યો - મળવું હોય તો ગાંધીનગરમાં આવો. ડિસેમ્બરમાં બરાક
ઓબામાની ડેમોક્રેટિક પાર્ટીના કૉંગ્રેસ-સભ્ય મેડેલીન બૉર્ડાલો અને રિપબ્લિકન પાર્ટીના
પાંચ સભ્યો મોદીને મળવા માગતા હતા, પણ તે દરમિયાન દેવ્યાની ખોબ્રાગડે સાથેના વ્યવહારના
કારણે મુલાકાત આપી નહીં અને ગુજરાત સરકારે અમેરિકન એમ્બેસીને જણાવ્યું કે મુખ્ય પ્રધાનને
મળવું હોય તો તમારે ભારત સરકારના વિદેશ ખાતાની મંજૂરી લેવી જોઈએ. જાન્યુઆરીમાં એમ્બેસીએ
વિદેશ ખાતાની મંજૂરી માગી અને મળી. યુપીએ સરકાર કેવી રીતે ના પાડી શકે? સાતમી ફેબ્રુઆરીએ
મંજૂરી મળી ગઈ. બ્રિટને પણ ગુજરાત સાથે સંબંધ સુધારવાની શરૂઆત કરી સાબરમતી એક્સ્પ્રેસની
ઘટના પછી ગુજરાતમાં હુલ્લડ ફાટી નીકળ્યાં તેના કારણે પાંચમી માર્ચ, 2005થી અમેરિકાએ
મોદીના વિઝા રદ કર્યા હતા. આ પછી ગુજરાતની ચૂંટણીમાં પણ કૉંગ્રેસે વિઝાનો વિવાદ ચગાવ્યો
હતો પણ મોદીએ ગુજરાતના વિકાસ માટે તમામ શક્તિ કેન્દ્રિત કરી. વાઈબ્રન્ટ ગુજરાત પરિષદમાં
મલ્ટિનેશનલ કંપનીઓ ભાગ લઈને મૂડીરોકાણના કરાર કરવા લાગી. આ દરમિયાન બ્રિટન ભયંકર આર્થિક
મંદીમાં સપડાયું હતું. ચાર વર્ષની મંદીથી અર્થતંત્રનો વિકાસદર દોઢ ટકા ઉપર આવી ગયો
હતો. ગુજરાતમાં રતન તાતા, મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન પણ નરેન્દ્ર મોદીના શાસન અને
વિકાસથી પ્રભાવિત થયા હતા. મોદી - જાપાનની મુલાકાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે લાભ થયો અને
બ્રિટનની આર્થિક સ્થિતિ વણસતી હતી. ભારતને 126 ફાઈટર જેટ વિમાનો આપવાનો સોદો હાથમાંથી
ગયો - તેના કારણે સરકાર ઉપર પસ્તાળ પડી હતી... આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી
અને મોદીને જબ્બર બહુમતી મળવાની સૌને ખબર હતી - એટલું જ નહીં, 2014માં મોદી વડા પ્રધાનપદના મજબૂત ઉમેદવાર હશે
એવું અનુમાન બ્રિટનનું પણ હતું. બ્રિટન `હવે મોદીને વિઝા આપશે?' એવા પ્રશ્નનો જવાબ હતો
- મોદીએ અરજી કરી જ નથી, તેથી આ પ્રશ્ન
વ્યર્થ છે - અરજી આવે ત્યારે તેનો વિચાર થાય છે... બ્રિટનનું અનુમાન સચોટ હતું.
બ્રિટિશ હાઈ કમિશનરની ગાંધીનગર મુલાકાત પછી અમેરિકા આવશે - અને શરૂઆત થઈ. મુંબઈ ખાતેના
કાઉન્સિલ જનરલ વૉશિંગ્ટને સૂચના આપી - મોદીને મળો અને મુલાકાતની શરૂઆત થઈ. અમેરિકાએ
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધ સુધારવાના પ્રયાસમાં મુંબઈ ખાતેના
કાઉન્સિલ જનરલ માઈકલ એસ અૉવનને ગાંધીનગર જઈને મુખ્ય પ્રધાનને મળવા જણાવ્યું. 16મી નવેમ્બર,
2006ની મુલાકાતનો રિપોર્ટ વૉશિંગ્ટન મોકલવામાં આવ્યો તે `કેબલ'ની
માહિતી સમયાંતરે પ્રકાશિત થઈ તે રસપ્રદ છે... ``શરૂઆતમાં આર્થિક - વ્યાપાર સંબંધ
અંગે ખુશી અને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો પણ ધાર્મિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકાર
અંગે અમને ચિંતા છે એવું કહ્યું ત્યારે મોદીનો મિજાજ બદલાયો અને લંબાણથી વાત કરી -
ત્રણ મુખ્ય મુદ્દા હતા : 2002ની ઘટના ગુજરાતનો આંતરિક મામલો છે અને તેમાં દખલ કરવાનો
અધિકાર અમેરિકાને નથી. અમેરિકાને આ બાબતમાં બોલવાનો નૈતિક અધિકાર નથી. બીજું - ભારતના
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના મુસ્લિમો વધુ સારી સ્થિતિમાં છે.'' `અૉવેને
જ્યારે ભારતીય માનવ અધિકાર પંચના અહેવાલનો હવાલો આપ્યો ત્યારે - બિનસરકારી સંસ્થાઓ
પોતાના રોટલા શેકે છે અને આક્ષેપો કરે છે - છતાં ન્યાયતંત્ર આખરે ન્યાય કરશે એમ જણાવીને
નરેન્દ્ર મોદીએ કહ્યું - તમે આ સંસ્થાઓના અહેવાલો
ઉપર વધુ મદાર રાખો છો... અૉવેને જ્યારે ન્યાયમાં વિલંબનો ઉલ્લેખ કર્યો ત્યારે મોદીએ
કહ્યું - મુંબઈમાં 1993માં બૉમ્બ બ્લાસ્ટ થયા તેના ચુકાદા હવે આવી રહ્યા છે - તેથી
ન્યાયતંત્ર પાસે વધુપડતી અવાસ્તવિક અપેક્ષા રખાય નહીં.' મુલાકાતના અંતે અૉવેને ગુજરાતના આર્થિક વિકાસ અને શિક્ષણ
ક્ષેત્રની પ્રગતિની પ્રશંસા કરી - અને મોદીએ અૉવેનને `આવતા રહેવા'નું,
આમંત્રણ આપ્યું. `મારા રાજ્યમાં તમામ અમેરિકનો આવકાર્ય છે.' આ પછી કાઉન્સિલ જનરલ
વાંકાનેરના પૂર્વ રાજવી અને કેન્દ્રમાં પર્યાવરણ ખાતાના પૂર્વ પ્રધાન દિગ્વિજયસિંહજીને
મળ્યા ત્યારે એમણે કહ્યું, `મોદીનું લક્ષ્ય રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર છે અને તેથી તેઓ કોમવાદી
સહકારની ભાવનાના મહત્ત્વના રક્ષક બનશે. તેઓ જાણે છે કે 2002નું પુનરાવર્તન થવા દેવાય
જ નહીં... મોદી સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર વિરોધી અને `નોનકરપ્ટ'
છે તે કારણે પડકાર ઊભા થઈ શકે છે - અને રાષ્ટ્રીય
નેતા બને તો ભ્રષ્ટાચાર સામે સખત હાથે કામ લેશે - આ કામમાં ઘણા અવરોધનો પ્રતિકાર કરવો
પડશે...' - ...અને અમેરિકી
એમ્બેસેડર ગાંધીનગર આવ્યાં... : નરેન્દ્ર મોદી સાથે સંબંધ સુધારવાના
આખરી તબક્કામાં અમેરિકી એમ્બેસેડર શ્રીમતી નાન્સી પોવેલ મુંબઈ આવ્યાં હતાં. મુંબઈના
પાંચ-છ વરિષ્ઠ પત્રકારો - તંત્રીઓને રાત્રિ ભોજન માટે આમંત્રિત કર્યા હતા. આ પ્રસંગે
દેશકાળની પરિસ્થિતિની ચર્ચાવિચારણા થઈ. રાજકીય હવામાન - હાલ-હવાલની ચર્ચા થઈ. તે દરમિયાન
પ્રશ્ન પુછાયો - નરેન્દ્ર મોદીને અમેરિકાનો વિઝા અપાશે? થોડી ક્ષણો પછી એમ્બેસેડરે
જવાબ આવ્યો - જી ના. પત્રકારોના ગ્રુપમાં એકમાત્ર ગુજરાતી - જન્મભૂમિ પત્રોના તંત્રીએ
પૂરક પ્રશ્ન પૂછ્યો - મોદીએ વિઝા માટે અરજી કરી છે? એમ્બેસેડર નાન્સી પોવેલે કાઉન્સિલ
જનરલ પિટર હેસ સામે જોયું અને પછી માથું ધુણાવ્યું. અર્થાત્ અરજી કરી નથી. (વાસ્તવમાં
વિવાદ ચાલતો હોય ત્યારે એમ્બેસેડર પૂરતા માહિતગાર હોય - છતાં જવાબ આપવામાં અવઢવ કેમ?)
શક્ય છે કે એમને આવા પ્રશ્નની અપેક્ષા નહીં હોય. જવાબ મળ્યા પછી આ લખનારે તરત જ કોમેન્ટ
કરી તેની પણ અપેક્ષા નહીં હોય - મોદી અરજી નહીં કરે - આપના આમંત્રણની રાહ જોશે - પછી
અમેરિકાની સત્તાવાર મુલાકાત લેશે. આ સાંભળીને ઘડીભર સૌ શાંત - પછી કમ, લેટ અસ હેવ ડિનર!
આ પ્રસંગે હાજર કેટલાક ભારતીય - પણ બિનગુજરાતી મહાનુભાવોને કદાચ શિષ્ટાચારનો ભંગ લાગ્યો
હશે, પણ એમ્બેસેડર - નાન્સી પોવેલ અને કાઉન્સિલ જનરલ પિટર હેસે સ્મિત સાથે વિદાય આપી!
આ દરમિયાન - સૌને ખાતરી થઈ ચૂકી હતી કે નરેન્દ્ર મોદી નવી દિલ્હી આવી રહ્યા છે - દિલ્હીમાં
એમની જાહેરસભા હતી - અમેરિકન એમ્બેસીનો સંદેશો આવ્યો કે એમ્બેસેડર આપને સભાની - આસપાસ
- સાઈડ લાઈનમાં મળવા માગે છે! મોદીએ જવાબ આપ્યો. મળવું હોય તો ગુજરાત પધારો! પણ વિધિસર
- ભારતના વિદેશ મંત્રાલયને જાણ કરીને આવો. મુલાકાતમાં ગુજરાત અને ભારતની આંતરિક બાબતોની
ચર્ચા નહીં થાય... અને અમેરિકી એમ્બેસેડર હાથમાં ગુલદસ્તો નહીં - ગુલાબનો આખો બગીચો
ઊંચકીને ગુજરાતના મુખ્ય પ્રધાનને મળવા - સન્માનવાં ગયાં...- અમેરિકાના
વિઝાનો વિવાદ : નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા મળતા નથી તેવી વાત અને વિવાદ
ઘણો ચાલ્યો - નવ વર્ષ સુધી! અને અમેરિકા મોદીને અપરાધી ગણે છે એવી છાપ અને પ્રચાર ભારતમાં
રાજકીય વિરોધીઓ કરતા રહ્યા. હવે સંજોગો એવા પલટાયા છે કે નરેન્દ્ર મોદીને વિઝા માટે
અરજી કરવાની જરૂર નથી. એમને તો હવે વિધિસર - સત્તાવાર આમંત્રણ મળશે. અમેરિકાના વલણમાં
આ પલટો કેમ આવ્યો તે કાંઈ મોટું રહસ્ય નથી. બ્રિટન, જર્મની અને યુરોપના દેશોના એલચીઓ
ગુજરાતના મુખ્ય પ્રધાનને મળવા લાગ્યા ત્યારે જ ખાતરી હતી કે અમેરિકા માત્ર મોકાની રાહ
જુએ છે. અમેરિકા પણ પોતાના વ્યાપાર-ધંધા, અર્થતંત્રના લાભાલાભનો વિચાર કરે. અમેરિકા
જાણે છે કે 2002ના ગુજરાતમાં અને 2014ના ગુજરાતમાં જમીન આસમાનનો ફરક છે! નરેન્દ્ર મોદીએ
વાઈબ્રન્ટ ગુજરાતનો થનગનાટ વિશ્વમાં ગજાવ્યો છે. અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ ગાંધીનગરમાં
મુખ્ય પ્રધાનની અૉફિસ બહાર બેઠા હોય છે. અમેરિકાને આશંકા હતી કે યુરોપના ઉદ્યોગોના
હાથમાં ગુજરાત આવી જશે તો અમેરિકા પાછળ રહી જશે. વળી, ગુજરાત અને ભારતને યોગ્ય નેતાગીરી
મળે તો ચીન સાથે બરોબરીની સ્પર્ધા કરી શકે છે એવી ખાતરી પણ થઈ છે.