• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

રાહુલ ગાંધી પાછળ `હાથ' કોનો?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : વિદેશ-વિશેષ કરીને અમેરિકાની ધરતી ઉપરથી ભારત અને ભાજપના મોદીની બદનામીનો પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી જાણીતા છે તેથી આશ્ચર્ય નથી, પણ ભારતમાં ચૂંટણી વખતે ભારત જોડો યાત્રા અને પછી અમેરિકા જઈને ભારત - તોડવાની વૃત્તિ અને પ્રવૃત્તિ હવે વધુ ગંભીર બની રહી છે. રાહુલ ગાંધી ભારતમાં ભાજપ અને મોદી વિશે વધુ તિરસ્કાર અને વિરોધ જાગે તે માટે પ્રયાસ કરે છે. આ વખતે એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પ્રહાર કર્યા - ભારતમાં મહિલાઓને માન - સન્માન મળતાં નથી. સંઘની માનસિકતા અને નીતિ - રીતિની ટીકા કરી પછી શીખ સમાજ સલામત નથી, ધર્મ સલામત નથી. પાઘડી અને હાથમાં `કડું' પહેરવાની મનાઈ થશે, ગુરુદ્વારામાં જવાની મનાઈ ફરમાવાશે - મોદીના રાજમાં માત્ર એક જ ધર્મ, એક જ જાતિ અને ભાષાને મહત્ત્વ મળે છે. આજે ભારતના રાજકારણમાં પ્રેમ અને ભાઈચારાનું નામ નથી. આટલું કહીને પછી કહે છે : `હવે મોદીની 56 ઇંચની છાતીનો ડર નથી અને હવે એમના નામનો ભય પણ કોઈને નથી.' રાહુલ ગાંધીના વાણીવિલાસમાં સ્પષ્ટ નિર્દેશ, સંદેશ મળ્યો કે, આરક્ષણનીતિ કાયમી નથી, ભવિષ્યમાં ફેરવિચારણા થઈ શકે છે. આ મુદ્દા ઉપર ઉગ્ર વિરોધ જાગ્યો છે ? મહારાષ્ટ્રની ચૂંટણી ઉપર કેવી અસર પડશે તે જોવાનું છે. રાહુલ ગાંધીના નિવેદનથી સાથી પક્ષો પણ મૂંઝવણમાં મુકાયા છે. આ ભાષણ અને કૂપ્રચારના જેહાદ અમેરિકા જઈને, ભારતવિરોધીઓના ખોળામાં બેસીને કરવામાં આવે છે, તેની પાછળ આંતરરાષ્ટ્રીય તખતા ઉપર મોદીને નબળા પાડવાની અમેરિકાની `ગેમ' હોવાની ચર્ચા સંભળાય છે. મોદીએ અમેરિકા અને રશિયા વચ્ચે `સમતુલા' - બેલેન્સ જાળવ્યું છે. આપણા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપ્યું છે - સ્વાભાવિક છે કે, મોદીનું સ્વદેશાભિમાન અને વિશ્વમાં એમને મળતી પ્રતિષ્ઠા ઘણાને ખૂંચે છે. કોરોના પછી વિશ્વભરમાં ભારત અને મોદીનું નામ ગાજે છે. હવે તો યુક્રેનમાં લડાઈ બંધ કરાવવા માટે પણ મોદીની પહેલ ઉપર આશા મંડાઈ છે. રશિયાના પુતિને આવકાર આપ્યો - મધ્યસ્થી સ્વીકારવા તૈયાર છે, પણ અમેરિકાને આવી ઉતાવળ નથી ! અમેરિકાની અલગ `િડપ્લોમસી' હોય જ પણ તેના ભાગરૂપે રાહુલ ગાંધી ઉપર નજર અને મદાર છે એમ મનાય છે. મોદીને હટાવવા માટે છેલ્લાં આઠ વર્ષથી કાવતરાં ઘડાઈ રહ્યાં છે - તેના વિગતવાર અહેવાલ પણ આવ્યા છે. અમેરિકામાં રાહુલ ગાંધીને જે માન-પાન મળે છે તે ભારતના અન્ય કોઈ વિપક્ષી નેતાને મળતાં નથી. મોદીને જે માન મળે છે, તે ભારતીય મૂળના અમેરિકામાં વસવાટ કરેલા દેશપ્રેમીઓને આભારી છે. ભારતીય સંસદનું સત્ર સમાપ્ત થયું અને કાશ્મીર - હરિયાણા વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, ત્યારે રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત ગોઠવાઈ તે સૂચક છે. ભારતમાં રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષો જાતિવાર વસતી ગણતરીની માગણી કરી રહ્યા છે. ભાજપે હજુ સુધી આવી માગણીનો ઇનકાર - અસ્વીકાર કરવાની વાત કરી નથી અને તે સ્વીકારવાની ઉતાવળ પણ બતાવી નથી, ત્યારે ચિરાગ પાસવાન અને નીતિશકુમારે જાતિ આધારિત વસતી ગણતરીને સમર્થન આપીને વિરોધ પક્ષોને આશા આપી છે : કોંગ્રેસને આશા છે કે, મોદી - એનડીએ સરકાર વસતી ગણતરીના પ્રશ્ને તૂટી પડશે. આ તબક્કે આરએસએસના તમામ 32 જેટલાં સંગઠન - વિદ્યાર્થી, શ્રમિક વર્ગની પાંખના પ્રતિનિધિઓ સાથે `સામાજિક સમરસતા ભાઈચારાની ચર્ચા-વિચારણા થઈ અને માર્ગદર્શન અપાયું.' ભાજપના પ્રમુખ નડ્ડા પણ હાજર હતા. એમની હાજરી નોંધપાત્ર હતી. કારણ કે, લોકસભાની ચૂંટણી દરમ્યાન એમણે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે, ભાજપ હવે સ્વાવલંબી છે અને સંઘના ટેકાની જરૂર નથી - આ નિવેદન પછી ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં આરએસએસની `િનક્રિયતા' નોંધવામાં - આવી. અલબત્ત - હવે મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં સક્રિય થશે - કારણ કે, મહારાષ્ટ્ર `હોમ સ્ટેટ' છે અને નીતિન ગડકરી ઉપર સૌની નજર છે ! આરએસએસની `મહાસભા'નું સત્ર સમાપ્ત થયા પછી પબ્લિસિટીના વડા સુનીલ આંબેકરે પત્રકારોને માહિતી આપી કે, તેમાં મુખ્ય મહત્ત્વનો મુદ્દો જાતિવાદી - વસતી ગણતરીનો હતો. `અમે માનીએ છીએ કે, ઘણી જાતિઓ અને સમાજ પાછળ (પછાત નહીં) રહી ગયા છે, તો એમના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આપણી રાષ્ટ્રીય એકતા માટે આ બાબત સૌથી વધુ મહત્ત્વની છે. અગાઉ પણ આવી વસતી ગણતરી થઈ છે અને ફરીથી હવે પણ થઈ શકે. અલબત્ત, આવી જાતિવાદી વસતી ગણતરીનો આશય કલ્યાણ - વિકાસ માટે હોવો જોઈએ. રાજકીય હાથા તરીકે ચૂંટણીમાં હથિયાર બનાવીને નહીં. આમ આરએસએસના `આડકતરા' સમર્થન પછી હવે ભાજપ અને મોદી સરકારનો માર્ગ સરળ બનશે. સંવિધાનમાં પણ ન્યાય અને સમાનતા-નો આદેશ છે. સમાજમાં ભંગાણ પાડવાની હિલચાલ સામે સંઘ જાગૃત છે અને સક્રિય છે - અમે સામાજિક સમરસતા - ભાઈચારો સુદૃઢ કરવા અભિયાન શરૂ કરી રહ્યા છીએ - જુદાં જુદાં ધાર્મિક સંપ્રદાયોનાં સંગઠનો, સમાજના નેતાઓ અમારી સાથે છે.' હવે આ મુદ્દો વિવાદાસ્પદ રહે નહીં - તો રાહુલ ગાંધીને બીજા વિકલ્પ જોઈએ તેથી `આરએસએસ મહિલા વિરોધી છે, એમનું સ્થાન નિશ્ચિત હોવાનું માને છે.' એવો અશોભનીય ભાષાપ્રયોગ થયો, પણ મોદી સરકારમાં, સંસદમાં અને સરકારમાં મહિલાઓ પ્રતિ કોઈ દ્વેષનો સવાલ નથી. મહિલાઓને રાહત આપવા માટે - તમામ યોજનાઓ અમલમાં છે - રાહુલ ગાંધીને ખબર નથી ! આ પછી એમણે ખાલિસ્તાનીઓની બેઠકમાં હાજરી આપી. અલગતાવાદી શીખ નેતા ગુરુપતવંતસિંઘ પન્નુ અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપી રહેલા સંસદસભ્ય ઈલ્હાન ઓમરને પણ મળ્યા. રાહુલ ગાંધીએ `શીખ ફોર જસ્ટિસ' સંસ્થાને સમર્થન આપ્યું. મારી લડત રાજકીય નથી, પણ શીખ લોકોને પાઘડી અને કડું પહેરવા મળશે કે નહીં, ગુરુદ્વારા જવા મળશે કે નહીં ?- તે માટે છે ! રાહુલ ગાંધી ફરીથી જર્નાઇલસિંઘ ભીંડરાંણવાલે ઊભો કરવા માગે છે ? એમના દાદી - ઇન્દિરાજીએ આવી ભૂલ કરી હતી અને ભોગ બન્યાં. આ પછી એમની હત્યા પછી ત્રણ હજારથી વધુ શીખની કત્લેઆમ થઈ. વસતીઓને આગ લગાડાઈ, યુવાન અને બુઢ્ઢાઓને સળગતા ટાયરથી બાંધવામાં આવ્યા ! અને રાજીવ ગાંધીએ  કહ્યું - મોટું વૃક્ષ પડે તો ધરતી ધ્રુજે ! રાહુલ ગાંધીને એ પણ યાદ નહીં હોય કે, સંજયના મૃત્યુ પછી સાસુજી - ઇન્દિરા ગાંધીએ મેનકાને ઘર બહાર કાઢયાં હતાં અને મધરાત સુધી મેનકા ગાંધીના ધરણા પછી પુત્ર વરુણ સોંપ્યો હતો !  ઇતિહાસનાં આ પાનાં અને પ્રકરણ ફરીથી ઉખેડવાની ઉશ્કેરણી રાહુલ ગાંધી કરી રહ્યા છે. કિસાન આંદોલન વખતે ભારતના દુશ્મનોની બાજી મોદીએ ઊંધી વાળી હતી. કોઈની સામે લાઠી ઉગામવાની પણ મનાઈ પોલીસને હતી. વારંવાર નિષ્ફળ ગયા પછી હવે રાહુલ ગાંધી ફરીથી ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang