• બુધવાર, 22 મે, 2024

રાજ્યપાલોને સર્વોચ્ચ અદાલતનો ઠપકો

નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્યપાલોના વિધેયક અટકાવવાના મામલામાં સુનાવણી કરતાં બે દક્ષિણ ભારતીય રાજ્યોના રાજ્યપાલો તેમજ કેન્દ્રની સરકારને નોટિસ આપીને જવાબ માગ્યો છે. તામિલનાડુ અને કેરળની સરકારોએ વિધેયક પર સહી નહીં કરવાની ફરિયાદ સાથે અરજીઓ કરી હતી, જેની સુનાવણી સર્વોચ્ચ અદાલતે આજે કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિને પૂછ્યું હતું કે, ત્રણ વરસથી આપ શું કરી રહ્યા હતા ? કેરળ સરકાર વતી વકીલ કે.કે. વેણુગોપાલે કહ્યંy હતું કે, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય સરકારના આઠ વિધેયકો મંજૂર કરવામાં મોડું કરી રહ્યા છે. શુક્રવારે કોર્ટ સરકારનો પક્ષ સાંભળશે. તામિલનાડુ સરકારની અરજી પર સુપ્રીમે કહ્યંy કે, અમે નોટિસ ન આપી, ત્યાં સુધી રાજ્યપાલ રવિએ 10 ખરડાને મંજૂરી નથી આપી. ત્રણ વરસથી આપશું કરતા હતા, તેવો સવાલ કોર્ટે રાજ્યપાલને કર્યો હતો. વિધેયકો પર તરત નિર્ણય ન લેવાય, તે એક ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યપાલે રાજ્ય સરકાર અદાલતમાં જાય, તેની રાહ શા માટે જોઈ તેવો પ્રશ્ન સુપ્રીમે પૂછ્યો હતો. ટોચની અદાલતે રાજભવન પર 12થી વધુ કાયદા દબાવવાનો આરોપ મૂક્તી રાજ્ય સરકારની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી રાજ્યપાલ આર.એન.રવિ તરફથી 10 વિધેયક રાજ્ય સરકારને પરત મોકલવામાં આવ્યા બાદ આવી છે. રાજ્યપાલ આર.એન.રવિએ જે 10 બિલ પરત મોકલ્યાં હતાં તેમાંથી બે ખરડા તો અગાઉની અન્નાદ્રમુકની સરકારમાં પસાર થયેલા હતા. આના હિસાબે જ સર્વોચ્ચ અદાલત આજે રોષે ભરાઈ હતી અને કહ્યું હતું કે, આખરે તમે ત્રણ વર્ષ સુધી આ ખરડા દબાવી શું કામ રાખ્યા? રાજ્યપાલ તરફથી વિધેયકો પરત કરવામાં આવ્યા બાદ શનિવારે તામિલનાડુ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં તેને ફરીથી પસાર કરવામાં આવ્યા હતા અને તેને પુન: રાજ્યપાલની મંજૂરી અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. તામિલનાડુ વિધાનસભાએ શનિવારે દસેય ખરડા ફરીથી પસાર કરીને રાજ્યપાલને મોકલી દીધા હોવા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હવે રાજ્યપાલ શું કરે છે તે જોઈએ. આ મામલે હવે વધુ સુનાવણી 1 ડિસેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં પંજાબનાં રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને પણ સુપ્રીમ કોર્ટે સરકાર સાથે મળીને કામ કરવાની સલાહ આપી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું હતું કે, રાજ્યપાલ ચૂંટાયેલા જનપ્રતિનિધિ કે સરકાર નથી હોતા. તેમણે સરકારની સાથે મળીને કામ કરવું જોઈએ અને આવા મામલા અમારા સુધી આવવા પણ ન જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang