• મંગળવાર, 15 જુલાઈ, 2025

કોટડા માર્ગમાં સાઇન બોર્ડ બાવળથી ઘેરાતાં માર્ગસૂચિમાં પડતી મુશ્કેલી

કોટડા (ચકાર), તા. 14 : કુકમાથી કોટડા (ચ.) જતા માર્ગ પરના સાઇન બોર્ડ બાવળની ઝાડીઓથી ઘેરાઇ જતાં પ્રવાસીઓ, રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે તેમજ અનેક માઇલસ્ટોન પણ ઊખડી ગયા છે, ત્યારે સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવા માંગ કરાઇ હતી. ભુજ, અંજાર, મુંદરા આ ત્રણ તાલુકાના 50થી વધુ ગામના લોકોને ભુજથી જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અનેક ગામના લોકોની અહીંથી અવરજવર રહે છે. આ પંથકના ધાર્મિક સ્થળો જેવા કે, ચકારના ભેડ માતાજીનું મંદિર, થરાવડામાં લાલશાપીરની દરગાહ શરીફ, સૂતેશ્વરમાં મહાદેવનું મંદિર હોવાથી ભક્તાળુઓનો પ્રવાહ પણ રહે છે. 24 કલાક ધમધમતો આ માર્ગ પંથકનો મુખ્ય માર્ગ છે, ત્યારે સાઇન બોર્ડની દુવિધાને કારણે પ્રવાસીઓને કડવા અનુભવ થતા હોવાનું જણાવાયું હતું. ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપવા આવતા પ્રવાસીઓ માર્ગ ભૂલ્યા હોવાના અનેક બનાવો બને છે, ત્યારે પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ કરવા માંગ કરાઇ હતી. વરસાદને પગલે ઊગી નીકળેલી ઝાડીઓ જે સાઇન બોર્ડના વાંચનમાં બાધારૂપ બની રહ્યા છે તેને દૂર કરવા અને ઊખડી ગયેલા માઇલસ્ટોન લગાડવાની જરૂરિયાત અંગે રજૂઆત કરાઇ હતી.

Panchang

dd