ભુજ, તા. 14 : શહેરના
વોર્ડ નં. એક અને બેમાં ઊભરાતી ગટરોનાં પાણી હવે ઘરો સુધી પહોંચતાં રહેવાસીઓ
દ્વારા કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી સમસ્યા ઉકેલવા માંગ કરાઈ હતી. ભુજના વોર્ડ નં.
એક અને બેમાં ધારાનગર, સંજોગનગર, કુંભારનો અખાડો, મુસ્તફાનગર,
રહીમનગર, બકાલી કોલોની, આશાપુરાનગરી
સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ગટરનાં પાણી ઊભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા
છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, ઘનીભાઇ કુંભાર,
વિપક્ષી નેતા કાસમ સમા, નગરસેવિકા આયસુબેન સમા,
રસિકબા જાડેજા, એચ.એસ. આહીર વિ.ની આગેવાની
હેઠળ ઉપરોક્ત વોર્ડના રહેવાસીઓએ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું કે, ગટરનાં પાણીથી માખી-મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી
શક્યતા છે. ઉપરાંત આ દૂષિત પાણી હવે ઘરોની અંદર પણ ઊભરાઇ રહ્યાં છે. દુર્ગંધને
પગલે ઘરોમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. આ અંગે નગરપાલિકા સહિતનાં તંત્રમાં
અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. ફોટા અને વીડિયોનાં
માધ્યથી રહેવાસીઓએ કલેક્ટરને પરિસ્થિતિથી વાકેફ કરી સત્વરે પ્રશ્ન ઉકેલવાની માંગ
કરી હતી.