અંજાર, તા. 14 : ઐતિહાસિક
શહેરમાં વર્ષો અગાઉ લગાવાયેલા વીજ વાયરો કોપરના છે. આ કોપરના વાયરોની કિંમત ઊંચી
હોવાથી આવા વાયરો ઊતારી તેની જગ્યાએ એલ્યુમિનીયમના વાયરો લગાવવાની મોડસ ઓપરેન્ડી
થકી વેપલો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત
વિગતો મુજબ અંજાર શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પીજીવીસીએલ
દ્વારા લાઈનના મેઈન્ટેનન્સની કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી
દરમ્યાન પાવર બંધ રાખવો પડે તે સ્વાભાવિક છે,
ત્યારે 11 કે.વી.ની રિપેરિંગની કામગીરી
દરમ્યાન તેની સમાંતર નીચે જતી રોડલાઈટ માટેની લાઈન પણ બંધ રાખી આ લાઈનના કોપરના
વાયર ઉતારી લેવાયા હતા. જેથી સાંજે નગરપાલિકાની રોડલાઈટ માટેની લાઈન કપાઈ જતાં
અંધાર પટ્ટ છવાયો હતો. જેથી નગરપાલિકાની પી.જી.વી.સી.એલ. કચેરીએ ફરિયાદ બાદ હોબાળો
મચતાં વાયર કાપી જનારાઓએ ચૂપચાપ એલ્યુમિનિયમના વાયરો નાખી લાઈન ચાલુ કરી નાખી હતી.
જો કે, જેમાં
કોઈકામ ન હોવા છતાં તે લાઈન શા માટે કાપવામાં આવી તેની છાનબીન પીજીવીસીએલ દ્વારા
હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમ્યાન સૂત્રોએ વધુમાં જણાવ્યું
કે, આ શહેરમાં જુની લાઈનો કોપર છે. જેમાં આવી મોડસ ઓપરેન્ડી
અપનાવી હજારો મીટર વાયરો તફડાવી જવાયા છે, પરંતુ અધિકારીઓ તે
તરફ ધ્યાન આપતા નથી.