ભૂકંપ બાદ હોસ્પિટલ રોડ માત્ર
આરોગ્ય સેવા માટે નહીં, પરંતુ ભુજના મોજીલા લોકોને ખાણીપીણીની મોજ પણ પીરસે છે. જિલ્લાના મુખ્ય
મથકના સૌથી વધુ ધમધમતા ફૂડ ઝોન તરીકે હોસ્પિટલ રોડ અસીમરૂપે વિકસી રહ્યો છે. ભુજની
ભૂગોળમાં હોસ્પિટલ રોડ આશા પણ છે, દર્દ પણ છે, સારવાર પણ છે, બીમારી પણ છે અને સાથે-સાથે ભોજનનો
સરસ સ્વાદ પણ છે. ભુજ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ભાનુશાલી નગર, એરપોર્ટ રોડ, હમીરસર તળાવ, અનમ
રિંગરોડ, લેકવ્યૂ સામે સ્વાદથી ધમધમતી અનેક ભુજની ગલીઓ જોવા
મળે છે. તેમાં પણ લાલટેકરીથી જનરલ હોસ્પિટલ સુધી ફેલાયેલો શહેરનો સૌથી ચહલપહલવાળો
વિસ્તાર એટલે હોસ્પિટલ રોડનો સ્ટ્રીટ ફૂડ
ઝોન.
સ્ટ્રીટ ફૂડ : સ્વાદનું સફરનામું
જ્યાં રસ્તાઓની ધમાલ અને
ખાણીપીણીની લારીઓની રોનક એકબીજા સાથે ગૂંથાય છે ત્યાં સ્ટ્રીટ ફૂડનો જાદૂ ખીલે છે.
કચ્છનું હૃદયસમું ભુજ જે માત્ર ઐતિહાસિક ઇમારતો, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય માટે નહીં,
પણ તેની ફૂડી દુનિયા માટે પણ જાણીતું છે. અહીંની ખાણીપીણીમાં મીઠું,
તીખું, ખાટું, મિક્સ
સ્વાદનું સંતુલન જોવા મળે છે. રણોત્સવ કે સામાન્ય દિવસ હોય, અહીં
સ્ટ્રીટ ફૂડનો ધમધમાટ હંમેશાં જીવંત જોવા મળે છે. અહીંના વેન્ડર્સ પરંપરાગત
રેસીપીઓમાં આધુનિક ટચ ઉમેરી નવીન વાનગીઓ પીરસીને ગ્રાહકોને આકર્ષતા રહે છે.
ભૂખની ઈમર્જન્સીમાં ફર્સ્ટ એઈડ
વહેલી સવારથી મોડી રાત સુધી આ
ફૂડ ઝોનમાં પીરસાય છે મનભાવનિયા નાસ્તા. સવારના નાસ્તાથી લઈને મોડી રાતના સ્નેક્સ
સુધી ઘરમાં ન મળે તેવો સ્વાદ અને મોજ - ખાસ કરીને વાનગીઓમાં વપરાતા મસાલા અને સમરસ
ટેસ્ટ દરેક દિલને લારીઓ સુધી દોરી જાય છે તેવું અહીં રોજ જામતા સ્વાદપ્રેમીઓનાં
ટોળાં પરથી દેખાય છે.
દાલ પકવાન વર્સિસ ઈડલી સાંભાર
અહીં સવારે વોકિંગ કે યોગા બાદ
નાસ્તાની મોજ માણનારા માટે સવારના નાસ્તામાં ફાફડા-જલેબી, બટાટાપૌંઆ, દાલપકવાન, ઈડલી- ચટણી વિ. વિશાળ નાસ્તાઓના વિકલ્પો
હોસ્પિટલ રોડ પર ઉપલબ્ધ છે. દાલની નમ્રતા અને પકવાનનો ઠાઠ નાસ્તામાં રાજવી અહેસાસ
કરાવે છે.
14 વર્ષથી
દાલપકવાન પીરસતા શાંતિલાલ કોટક કહે છે કે,
સવારે આઠથી બાર વાગ્યા સુધી 100-200 જેટલા રોજના ગ્રાહકો દાલપકવાનનો
આસ્વાદ માણવા આવે છે, જેમાં 40 ટકા જેટલા ભુજવાસીઓ, જ્યારે 60 ટકા
જેટલાં ગામડાંના કે પ્રવાસીવર્ગ જોવા મળે છે. દિવાળીના સમયગાળામાં ગ્રાહકોની વધુ
ભીડ જોવા મળે છે.
હાઈજેનિક વઘારેલો રોટલો - પાણીમાં વઘારેલી પાંઉભાજી
ભુજ ઈગ્લિંશ સ્કૂલના કોર્નર પાસે
2014થી
વઘારેલો રોટલો પીરસતા રોટલાવાળા બાપુ તરીકે ઓળખાતા જયદીપસિંહ જાડેજા કહે છે કે, તેઓ ઘરે બનાવેલા ખોરાકની
જેમ તૈયાર કરી ગામઠી-પરંપરાગત વાનગીને સ્વાદ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નવું
નવું ટ્રાય કરતા રહે છે. હાલમાં કુલ 12 ફ્લેવરવાળા રોટલા તેમજ પાણીમાં
વઘારેલી પાંઉભાજી પીરસે છે. ડોક્ટરને કન્સલ્ટ કરી હેલ્થને પ્રેફરન્સ આપી બી.પી., હાર્ટના પેશન્ટ પણ
વાનગીઓ માણી શકે તે હેતુથી પાણીમાં વઘારેલી પાંઉભાજી બનાવે છે. એકમાત્ર વઘારેલા
રોટલાના વેપારી જેમની આઈટમો ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુ.એસ., યુ.કે.માં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે.
પાણીપૂરીની લારી - ચાટપ્રેમીઓનું
મનપસંદ સ્થળ
સાંજે ચાર વાગ્યાથી રાત્રે 12 વાગ્યા
સુધી પાણીપૂરીપ્રેમીઓ અહીં પાણીપૂરીનો સ્વાદ માણતા જોવા મળે છે. 14 વર્ષથી
પાણીપૂરીના ધંધા સાથે સંકળાયેલા બલરામ પાણીપૂરીવાળા સંતરામભાઈ જણાવે છે કે તેમની
ત્રણ લારી છે. હજુ વધુ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલ પાણીપૂરી અને
સેવપૂરી માટે પ્રખ્યાત થયા બાદ હવે વધુ ચાટ આઈટમોનો ઉમેરો કરશે. દસ વર્ષથી દરરોજ
સાંજે પાણીપૂરી ખાવા આવનારા બી.એમ. હીરાણી કહે છે કે અહીંની પૂરી એટલી કરકરી છે
તેમજ ફુદીના-ખજૂર, આમલીની ચટણીનું મિશ્રણ એક બાઈટમાં
ખાટું-તીખું પાણી મોઢામાં અલગ જ ચટકો આપે છે.
મોમોસ અને મેગીની મોજ
રાત્રે બે વાગ્યા સુધી જાગતો
વર્ગ અને બે મિનિટ મેગી પણ ઘરે નહીં બહારે ખાવા નીકળતો વર્ગ હોસ્પિટલ રોડની મેગી
માટે ખાસ ક્રેઝ ધરાવે છે.
દાબેલી - વડાપાંઉની જુગલબંધી
મુંબઈનું માન વડાપાંઉ ને કચ્છની
શાન દાબેલી. દાબેલીમાં પણ બટાકાવાળી કચ્છી દાબેલી તેમજ ભેલવાળી દાબેલી. પ્રથમ વખત
ખાનારાઓને નવાઈ જ પમાડે કે ભેલની દાબેલી કેવી રીતે બની શકે ? છેલ્લા 47 વર્ષથી
આધુનિકતાના રંગ ચડાવ્યા વિના પરંપરાગત સ્વાદથી લોકોના દિલમાં ટેસ્ટમાં બેસ્ટ ભેલ
પીરસતા નવીનભાઈ કહે છે કે ઓનલાઈન કે કોઈ
પ્રમોશન વિના પેઢીઓથી લોકોની નાની ભૂખને સંતોષે છે. તો મોહન દાબેલી-ભેલ અને બોમ્બે
ભેલ દિલખુશ દાબેલી પણ એટલાં જ ખ્યાતનામ છે. શંકર વડાપાંઉના પરંપરાગત ટેસ્ટ સામે
સ્વાદમાં -ચટણીમાં ટ્વિસ્ટ સાથે જલારામ વડાપાંઉ તથા જૈન વડાપાંઉ સાથે દક્ષ
વડાપાંઉએ પણ સ્થાન જમાવ્યું છે. ચટાકેદાર ચટણીનો ચસકો લગાવીને મુંબઈને ટક્કર આપે
એવા વડાપાંઉ પણ ઉપલબ્ધ છે.
ચાઈનીઝ-પિઝાના ઝાયકા સાથે
આઈસક્રીમ શેકનો ડયુઓ
ચીઝ-ચાઈનીઝ-ફ્રેન્કી, બર્ગર પિઝાના પ્રેમીઓને
પણ અહીં મનપસંદ વાનગીઓ મળી રહે છે. બાલાજીએ સાઉથ ઈન્ડિયનની જાણે એક દિશા જ બુક કરી
રાખી છે. ઈડલી, મેંદુવડા, ઢોસાની અનેક
વેરાયટીઓ સાઉથના સ્વાદરસિયાનું મનપસંદ સ્થળ છે. આઈસક્રીમ, કોકો,
બદામશેકનું ડયુઓ, ફાલુદાની વિવિધ શ્રેણીની
ભરમાર પણ માણવા મળે છે.
સ્વચ્છતા અને સુરક્ષા : પડકાર
સ્ટ્રીટ ફૂડમાં પડકાર છે કે, જો સફાઈનું ધ્યાન ન રખાય
તો આરોગ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે ત્યારે હવે ઘણી લારીઓ એવી રીતે ડિઝાઈન કરાઈ રહી
છે કે જે સ્વચ્છતા, ગુણવત્તા અને ગ્રાહકોની સુવિધાને
પ્રાથમિકતા આપે છે.
આધુનિકતાનો વઘાર
આધુનિક સમયને અનુસરી નવી પેઢી
ફૂડ ટ્રકસ, ફૂડ
ફેસ્ટિવલ, સ્ટ્રીટ ફૂડ હબ, ફૂડ ટ્રક
પાર્ક જેવા કોન્સેપ્ટ સાથે નાના લારીવાળાઓને ગ્લોબલ સ્ટેજ પર લઈ જશે. ઓનલાઈન
પ્લેટફોર્મ પર ઘરે મગાવનારો વર્ગ વધી રહ્યો છે. સ્થાનિક ફૂડને બ્લોગર્સ અને સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ નવો ઓપ આપી શકે તેમ છે. નજીકના ભવિષ્યમાં વધુ વિકસિત ફૂડ હબ
તરીકે હોસ્પિટલ રોડ ચમકતો જોવા મળી શકે તેમ છે.