ભુજ, તા. 14 : અહીંની
કોર્ટે આપેલ બે અલગ-અલગ ચુકાદામાં ભુજના ગાંજા વેચાણનાં પ્રકરણમાં ઝડપાયેલા
આરોપીને સાત તો માંડવીમાં એસિડ એટેકના કેસમાં આરોપીને પાંચ વર્ષની કેદની સજા
ફટકારી છે. ભુજની સેશન્સ કોર્ટ અને એનડીપીએસ કોર્ટે સાત વર્ષ જૂના કેસમાં આ
મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. 2018ની સાલમાં સ્થાનિક ગુનાશોધક શાખા
ભુજના સ્ટાફે સુરલભિટ્ટ રોડ પર રહેતા અશ્વિન કાનજી બુચિયાને માદક પદાર્થ ગાંજાનું
વેચાણ કરતો ઝડપી પાડયો હતો. બી-ડિવિઝન પોલીસમાં આ ઝડપાયેલા શખ્સ સામે એનડીપીએસ
એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. સ્પેશિયલ એનડીપીએસ જજ અને ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ
વિરાટ અશોકભાઇ બુદ્ધે અશ્વિન બુચિયાને સાત વર્ષની કેદ અને 50,000નો
દંડ ફટકાર્યો છે, જો દંડન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા કરવામાં આવશે. આ કેસમાં ફરિયાદી
તરફે ડી. જે. ઠક્કર અને આરોપી તરફથી એચ. પી. ચૌધરીએ દલીલો કરી હતી. તો માંડવીમાં
ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલી અને મારામારીનું મનદુ:ખ રાખી એસિડ ફેંકવાનાં
પ્રકરણમાં ભુજ કોર્ટના અધિક સેશન્સ જજ મહિડા દિલીપભાઇએ આરોપી દતેશ અરવિંદ કેડિયા
(સોની)ને પાંચ વર્ષની કેદ અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો
આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજા ફરમાવવામાં આવશે એવું ચુકાદામાં
જણાવાયું હતું. આ કેસમાં માંડવીમાં રહેતા કમલેશ મહેન્દ્ર જોશીએ ફરિયાદ નોંધાવી
હતી. આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન ધારાશાત્રી ડી. જે. ઠક્કર તો આરોપી તરફે ડી.
કે. બૂચે હાજર રહી દલીલો કરી હતી.