ગાંધીધામ, તા. 14 : વડોદરા
જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર પાસે ગંભીરાપુલ તૂટી પડતાં ભારે કરુણાંતિકા
સર્જાઈ હતી. આ બનાવ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હતી. નેશનલ હાઈવે
ઓથોરિટી ગાંધીધામના ઉચ્ચ અધિકારીઓ દ્વારા
કચ્છમાં આવતા તમામ બ્રિજ અને પુલનું નિરીક્ષણ કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજ અને પુલની સુરક્ષા માપદંડોને કેન્દ્રમાં રાખીને
નિરીક્ષણ કરવા સૂચના અપાઈ હતી. નાગરિકોની સુરક્ષાના મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીના રાજ્ય કક્ષાના અને
ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઈજનેરો દ્વારા વિવિધ સ્થળે બ્રિજ અને
પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નેશનલ હાઈવેની માર્ગદર્શિકા મુજબના ધારાધોરણો નિરીક્ષણ દરમ્યાન ધ્યાને લેવાયા હતા.
આ ઉપરાંત જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક
મરંમત, કેંક્રિટિંગ,
બેરીકેટિંગ સાથે ચેતવણીનાં બોર્ડ
લગાડવામાં આવશે. આ નિરીક્ષણ બાદ જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે
નવા સ્ટ્રક્ચર બનાવવા, રિપેરિંગ કાર્ય કરવું તેમજ સતત મોનિટરિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં
આવશે. ચોમાસાં દરમ્યાન વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નેશનલ હાઈવે
ઓથોરિટી દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. નિરીક્ષણની કામગીરીમાં નેશનલ હાઈવે
ઓથોરિટી મકાન (આલેખન) વર્તુળ-ગાંધીનગરના અધિકારીઓ, નેશનલ
હાઈવે ગાંધીધામ વિભાગના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક
ઈજનેર સહિતના જોડાયા હતા.