દેશ અને વિદેશમાં ભારે ગમગીની સાથે ચકચાર જગાવનારી અમદાવાદની
વિમાન દુર્ઘટનાની તપાસનો પ્રાથમિક અહેવાલ બહાર પડતાં આ અકસ્માત અંગેની અસ્પષ્ટતામાં
વધારો થયો છે. આ તપાસ અહેવાલ અકસ્માતના સંભવિત કારણો પરના જવાબ આપવાને બદલે સવાલો વધારે
એવો બની રહેતાં અકસ્માતમાં માર્યા ગયેલાઓના પરિવારજનોથી માંડીને સમાન્ય નાગરિકો સૌની
માટે રોષમાં વધારો થયો છે. આવા ગંભીર અકસ્માતનો તપાસ અહેવાલ રાતના અઢી કે ત્રણ વાગ્યે
જાહેર થયો તે સાથે જ તેની સામે અંદેશો જાગ્યો હતો,
પણ જેમ-જેમ વિગતો પર ધ્યાન કેન્દ્રીત કરાયું તેનાથી આ અહેવાલના ઔચિત્ય
સામે સવાલ ઊભા થવા લાગ્યા છે. સાથોસાથ આવો અધકચરો તપાસ અહેવાલ બહાર પાડવાની જરૂરત પણ
ગળે ઊતરે તેમ નથી. જો અન્ય તપાસ અહેવાલોની હજી રાહ જ જોવાની હતી, તો પછી આ અહેવાલના આધારે કોઈ તારણ કાઢવાના પ્રયાસોને યોગ્ય ગણી શકાય તેમ નથી.
રાબેતા મુજબ આ કામચલાઉ અહેવાલે સમાચાર માધ્યમો પર વિમાની ઉડ્ડયનના કહેવાતા નિષ્ણાતોનો
રાફડો ફાટયો હોય તેવો તાલ સર્જાયો છે. અમદાવાદની
હવાઈ દુર્ઘટનાના આ અહેવાલમાં વિશ્વસનીયતાનો અભાવ સામે આવી રહ્યો છે. ખાસ તો આ પ્રારંભિક અહેવાલમાં એવું બતાવવાનો પ્રયાસ
થયો છે કે, ક્યાંક ને ક્યાંક પાઈલટોની ભૂલ થઈ હતી, પણ આવા
અનુભવી પાઈલટ ઈંધણની સ્વિચ બંધ કરી નાખવાની ભૂલ તો કરી શકે નહીં. વળી વિમાનોમાં આવી
કોઈ ભૂલને તત્કાળ સુધારવાની વ્યવસ્થા પણ હોય છે. પાઈલટોની વાતચીતની વિગતો પરથી આવી
છાપ પડે છે. વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ
હોઈ શકે એવી છાપ મજબૂત થઈ રહી છે. જો કે,
પ્રાથમિક અહેવાલે પણ એવી પણ શંકા જગાવી છે કે, આ તપાસ કરનારાઓએ વિમાન ઉત્પાદક કંપનીના બોઈંગનો બચાવ કરવાનો તખતો તૈયાર કર્યો
છે. જો કે, આખી દુનિયા જાણે છે કે, બોઈંગ
કંપનીનાં નિર્માણ દરમ્યાન સલામતીના મુદ્દે પૂરતું ધ્યાન અપાતું ન હોવાની ફરિયાદો સતત
સામે આવતી રહી છે. ખરેખર તો 2પ0થી વધુ લોકોનો
ભોગ લેનારી અમદાવાદની આ ગમખ્વાર દુર્ઘટનાની ભારત સરકારે તલસ્પર્શી તપાસ કરાવવી જોઈએ.
ભારત સરકાર અને તેની નાગરિક ઉડ્ડયનની સલામતીને સંબંધિત એજન્સીઓએ એર ઈન્ડિયાની સાથે
રાખીને સત્યને શોધીને તેને દુનિયા સમક્ષ મૂકવા પર ધ્યાન આપવાની જરૂરત છે.