• મંગળવાર, 15 જુલાઈ, 2025

જેગુઆર વિમાનોને સલામત બનાવવાનો પડકાર

વિશ્વના દરેક વાયુદળની માટે ફાઈટર વિમાન કરતાં તેના પાઇલટ મૂલ્યવાન હોય છે. ફાઈટર પાઇલટ ભારે અનુભવ અને સજ્જતા ધરાવતા હોય છે. આધુનિક વિમાનના ઉડ્ડયન અને તેની શત્ર પ્રણાલીનાં સંચાલન માટે પાઇલટની કાબેલિયત અનિવાર્ય બની રહે છે. ભારતમાં આજકાલ વધી રહેલા જેગુઆર ફાઈટર વિમાનોના અકસ્માતોમાં કાબેલ પાઇલટની ખુવારીની અમાપ ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. આવા અકસ્માતોમાં પાઇલટ જીવ ગુમાવે ત્યારે પરિવાર અને સમાજ તેને દેશ માટે શહીદી ગણીને નમન કરે છે, પણ આવા પાઇલટનાં અવસાનથી દેશ અને સંરક્ષણદળોને એક મોટી ખોટ પડતી આવી છે. ગયા અઠવાડિયે ભારતીય વાયુસેનાના વધુ એક જેગુઆર વિમાનને રાજસ્થાનના ચુરૂમાં અકસ્માત નડયો, જેમાં બે પાઇલટ શહીદ થયા હતા. આ વર્ષે જેગુઆર વિમાન અકસ્માતનો આ ત્રીજો બનાવ હતો. આ અગાઉ માર્ચ મહિનામાં હરિયાણાના પંચકુલામા અને એપ્રિલમાં જામનગર પાસે આવા અકસ્માત થયા હતા. જેગુઆર વિમાનોના કાફલાની સલામતી સામે આ અકસ્માતોએ ગંભીર સવાલ ખડા કર્યા છે. સામાન્ય રીતે ફાઈટર વિમાનોનું આયુષ્ય 40 વર્ષનું હોય છે. ભારતનાં આ જેગુઆર વિમાનો આ આયુષ્યની મર્યાદાને ઓળંગી ગયા છે. 1960માં ઉત્પાદિત જેગુઆર વિમાન બે એન્જિન ધરાવતા સુપરસોનિક ઝડપ સાથે માર કરી શકે છે. ભારતીય વાયુસેનામાં આવાં 14પ વિમાનનો સમાવેશ કરાયો હતો અને કોઈ સમયે તે મોખરાના ફાઈટર જેટની ભૂમિકા ભજવતા હતા. ભારતે 1979માં પ્રથમ 40 ફાઈટર વિમાનો સીધા બ્રિટન પાસેથી લીધાં હતાં. બાકીનાં વિમાન હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા બ્રિટન પાસેથી ટેક્નોલોજી લઈને ભારતમાં બનાવ્યાં હતાં. ભારતીય વાયુસેનાએ તે સમયે આ આધુનિક વિમાનોને ન્યાય તોળતી તલવાર શમશેરનું નામ આપ્યું હતું. ભારતમાં છેલ્લે 2009 સુધી આ વિમાનોનું ઉત્પાદન કરાતું હતું, પણ ફાઈટર વિમાનોની ટેક્નોલોજી સતત ધારદાર બનતી રહી છે, તેવામાં જેગુઆર તેની તાકાત ગુમાવી રહ્યંy છે. સમયની સાથે જેગુઆરની હાલત પણ મિગ-21 વિમાનો જેવી થઈ રહી છે. અણીના સમયે આ વિમાનોના એન્જિન દગો આપતા હોવાની હકીકતો સામે આવતી રહી છે, જેનાં પરિણામે અકસ્માતો વધી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, જેગુઆર વિમાનોમાં લાગેલા રોલ્સરોયસ કંપનીના એન્જિન સમયની સાથે નબળા પડી રહ્યા છે, જેને લીધે જેગુઆરની ગતિ, વળવાની ક્ષમતા અને શત્રોનાં વહનની તાકાત પર અસર પડી રહી છે. એક તરફ વાયુદળ ફાઈટર વિમાનોની ઘટની સમસ્યાથી પીડાય છે, ત્યારે હવે મિગ-21ની જેમ જેગુઆર વિમાનોને પણ નિવૃત્ત કરવાની અનિવાર્યતા આ અકસ્માતોએ છતી કરી છે. સાથોસાથ જ્યાં સુધી આ વિમાનો સેવામાં છે ત્યાં સુધી વાયુદળના અમૂલ્ય એવા ફાઈટર પાઇલટોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે તાકીદનાં પગલાં લેવાની જરૂરત છે. દેશને જાંબાઝ અને કાબેલ પાઇલટની શહીદી કોઈ પણ હિસાબે પોષાય તેમ નથી.

Panchang

dd