નવી દિલ્હી, તા. 13 : રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુએ મુંબઈ હુમલા કેસના સરકારી વકીલ ઉજ્જવલ નિકમ સહિત ચાર વ્યક્તિને રાજ્યસભાના
સદસ્ય નિમ્યા હતા. વડાપ્રધાન મોદીએ ચારેય સભ્યને અભિનંદન પાઠવ્યા હતા. એક મીડિયા હેવાલ
મુજબ, નિકમે એક મુલાકાતમાં કહ્યું હતું કે, મને રાજ્યસભાનો સદસ્ય નીમવા બદલ હું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માનું છું. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે
હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે તેમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગઈકાલે નરેન્દ્ર મોદીએ મને મારી પસંદગી વિશે જાણ કરવા માટે ફોન કરી મને પૂછ્યું કે,
તેમણે હિન્દીમાં વાત કરવી જોઈએ કે મરાઠીમાં, આ
સાંભળીને અમે બંને હસવા લાગ્યા હતા. પછી તેમણે મારી સાથે મરાઠીમાં વાત કરતાં કહ્યું
હતું કે, રાષ્ટ્રપતિ મને જવાબદારી સોંપવા માગે છે, ત્યારબાદ તેમણે મને રાષ્ટ્રપતિના નિર્ણય વિશે જણાવ્યું હતું. મેં તરત જ હા
પાડી, હું પાર્ટી નેતૃત્વનો આભાર માનું છું.