અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાના વિભિન્ન
દેશો ઉપર ઊંચા ટેરિફ લાદવાના નિર્ણયનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે, જેમાં બ્રાઝિલમાં યોજાયેલાં બ્રિક્સ શિખર સંમેલનનાં
ઘોષણાપત્રમાં પણ તેની આલોચનાનો ઉમેરો થયો છે. જો કે, બ્રિક્સ
દ્વારા કરવામાં આવેલી આ ટીકા ટ્રમ્પને ખૂંચી ગઈ છે અને તેમણે બ્રિક્સ સમૂહને જ અમેરિકા
અને અમેરિકી ચલણ ડોલર વિરોધી ગણાવી દીધો છે. તેમણે ટેરિફને વખોડનારા બ્રિક્સ સાથે કોઈ
પણ પ્રકારનો નાતો રાખનારા દેશને પણ અતિરિક્ત 10 ટકા ટેરિફની ધમકી આપી દીધી
છે, તો ટ્રમ્પ અને અમેરિકાનાં આ વલણના હિસાબે એક
સવાલ થવો સ્વાભાવિક છે કે, શું ખરેખર અમેરિકા બ્રિક્સ દેશોથી
અસલામતી અનુભવે છે? શું હવે આવનારા સમયમાં બ્રિક્સ અને અમેરિકા
વચ્ચે ટકરાવ જોવા મળી શકે છે? જો કે, રશિયા,
ચીન અને દક્ષિણ આફ્રિકા તરફથી તાત્કાલિક સ્પષ્ટતા આપી દેવામાં આવી છે
કે, બ્રિક્સનો હેતુ કોઈની સામે ટકરાવનો નથી. બ્રિક્સ માત્ર દુનિયાના
વિકસતા દેશો વચ્ચે સહયોગનો એક મંચ માત્ર છે. અમેરિકાએ એપ્રિલમાં ચીન અને ભારત સહિતના
દુનિયાના દેશો ઉપર જેવા સાથે તેવા વેરા વસૂલવાની નીતિ અપનાવીને ઊંચા ટેરિફદરો જાહેર
કર્યા હતા. જો કે, આ નિર્ણયને 90 દિવસ માટે મોકૂફ રાખીને કેટલાક
દેશો સાથે પરસ્પર સમજૂતીથી ટેરિફના દરો નિર્ધારીત કરવા માટે વાટાઘાટો શરૂ કરવામાં આવી
હતી. ટ્રમ્પની આ નવી ટેરિફનીતિમાં તેના સૌથી મોટા નિશાને ચીન રહ્યું હતું, જેના હિસાબે બંને પક્ષે સામસામે ઊંચા વેરા લાદવાની
જાહેરાતો પણ થવા લાગી હતી. ચીન અમેરિકાના ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત થનારો દેશ છે અને
તેના હિસાબે તે બ્રિક્સના મંચનો ઉપયોગ અમેરિકા ઉપર દબાણ વધારવા માટે કરવા માગતું હોય
તે પણ સમજી શકાય તેવું છે. જો કે, બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ
શી જિનપિંગની ગેરહાજરી આમાં સૂચક બની ગઈ. આના હિસાબે બ્રિક્સની એકતા સામે સવાલ ઊઠયા.
બીજીબાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા.
એટલે કે, આ સમૂહમાં વ્યક્તિગત હાજરી આપનારા વિશ્વના શીર્ષ નેતાઓ
પૈકી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, તેથી બ્રાઝિલમાં યોજાયેલી
આ બેઠકનું ઘોષણાપત્ર ભારતના પ્રભાવમાં ઘડાયું હોવાની શંકા પણ અમેરિકાને ગઈ હોય તેવું
બની શકે. બ્રિક્સની સ્થાપના થઈ ત્યારે બ્રાઝિલ, રશિયા,
ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા તેના સદસ્ય હતા,
ત્યારબાદ ગત વર્ષે તેનું વિસ્તરણ કરવામાં આવ્યું અને આમાં ઈંડોનેશિયા,
ઈરાન, ઈજિપ્ત, ઈથિયોપિયા
અને યુએઈને પણ સદસ્યતા આપવામાં આવી. આ બધા દેશો કોઈને કોઈ તબક્કે પોતાની રાષ્ટ્રીય
મુદ્રામાં પરસ્પર કારોબાર કરવાની હિમાયત કરી ચૂકેલા છે. જેને અમેરિકા અને ટ્રમ્પ ડોલરના
પ્રભુત્વ વિરોધી ષડયંત્ર માની રહ્યા છે. બીજીબાજુ બ્રિક્સ દેશો ડોલર ઉપર નિર્ભરતામાંથી
છૂટવા માટે પોતાનાં ચલણમાં વેપાર શરૂ કરે, તો તેમાં અમેરિકાને
કોઈ તકલીફ હોવી જોઈએ નહીં, પણ અમેરિકાને આમાં પોતાનો ગરાસ લુંટાવાની
ભીતિ છે. દુનિયામાં પોતાનું વર્ચસ્વ જોખમાઈ જવાના ભયમાં અમેરિકા હવે બ્રિક્સ સમૂહને
જ ભાંગી નાખવા ટેરિફની ધમકીઓ આપવા ઉપર ઊતરી આવ્યું છે, ત્યારે
દુનિયામાં અમેરિકા પછી જેનો સૌથી વધુ પ્રભાવ છે તેવા દેશોનો આ સમૂહ કે પછી વ્યક્તિગત
રીતે દેશો કેવું વલણ અખત્યાર કરે છે તે જોવું રસપ્રદ બની જવાનું છે.