• મંગળવાર, 15 જુલાઈ, 2025

ગાંધીધામ : રેલવે કોલોનીમાં તસ્કરોનું સામૂહિક આક્રમણ

ગાંધીધામ, તા. 14 : શહેરની રેલવે કોલોનીમાં નિશાચરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. આ વિસ્તારનાં છ બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી રોકડ રકમ, દાગીના મળીને કુલ રૂા. 95,500ની મત્તા તફડાવી ગયા હતા. શહેરની રેલવે કોલોનીમાં સંજયકુમાર સિંઘના ક્વાર્ટર નંબર 102 આઉટર હાઉસમાં રહેતા મકાભાઈ કલ્યાણ પંચાલે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી વૃદ્ધ ઝંડાચોકમાં એક દુકાનમાં ચોકીદારી કરે છે. આ મકાનમાં તેમનાં પત્ની અને પોતે જ રહે છે. ગત તા.12/7ના વૃદ્ધ રાત્રે નોકરીએ ગયા હતા, તેમનાં પત્ની પણ હાજર નહોતાં બાદમાં ગઈકાલે સવારે નોકરીથી પરત આવતાં તેમનાં બંધ મકાનનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં. લોખંડની પેટીનાં તાળાં પણ તૂટેલાં અને સરસામાન વેરવિખેર જણાયા હતા. ફરિયાદીએ ગામની  જમીન ઉપર પાકધિરાણ લીધું હતું, જેના રોકડ રૂા. 70,000 લોખંડના ડ્રમમાં મૂકી રાખ્યા હતા, તે તસ્કરોએ ઉપાડી લીધા હતા. પેટીમાંથી બે ગ્રામની સોનાની વીંટી, મંદિરમાંથી ચાંદીની રૂદ્રાક્ષવાળી માળા આ નિશાચરો તફડાવી ગયા હતા. ફરિયાદી વૃદ્ધે પોતાના ભત્રીજાને ફોન કરી બનાવની જાણ કરી હતી. બાદમાં આસપાસ તપાસ કરતાં ક્વાર્ટર નંબર 588-એમાં રહેતા વિપુલ રમેશ વાઘેલાનાં મકાનનાં તાળાં તોડી તેમાંથી રોકડ રૂા. 5000 તથા ચાંદીના બે  સિક્કા તફડાવી જવાયા હતા તેમજ અન્ય ત્રણથી ચાર મકાનનાં તાળાં તસ્કરોએ તોડયાં હતાં, પરંતુ તેમાં રહેનાર પરિવારો બહાર હોવાથી તેમાંથી કેટલી મત્તાની ચોરી થઈ તે બહાર આવ્યું નહોતું પૂર્વ કચ્છમાં વાગડ પંથકમાં મંદિરોમાંથી ચોરી, ઘરફોડ ચોરી, રતનાલમાં ખારેક ચોરી, અજાપરમાં કંપનીમાંથી ચોરી, શિકારપુર નજીક બે લોકોને બંધક બનાવી પવનચક્કીના સામાનની ચોરી, મેઘપર બોરીચીની સોસાયટીમાં લાખોની તફડંચી સહિતના બનાવો હાલમાં બહાર આવ્યા છે, પરંતુ સમ ખાવા પૂરતી એકેય બનાવમાં પોલીસને સફળતા મળી નથી. પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરીને વાગડ પંથકમાં ચોર મચાયે શોરથી ભારે ચકચાર સાથે લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.

Panchang

dd