• મંગળવાર, 15 જુલાઈ, 2025

વરસામેડીમાં દુકાનના પતરા તોડી 1.10 લાખના દાગીનાની તફડંચી

ગાંધીધામ, તા. 14: અંજાર તાલુકાના વરસામેડીની સીમમાં શાંતીધામ સોસાયટીમાં આવેલી સોનીની દુકાનનું પતરું તોડી નિશાચરો અંદર ખાબક્યા હતા અને અંદરથી રૂા. 1,10,100ના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. અંજારના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર શુભમ કમલેશ પાટડીયા નામના યુવાન વરસામેડીમાં શાંતિધામ સોસાયટીમાં ગાયત્રી જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. આ ફરિયાદી ગત તા. 9/7ના પોતાની દુકાને હતા અને રાત્રે દુકાન બંધ કરીને ઘરે આવ્યા હતા. તા. 10/7ના તેમની દુકાન પાસે કડીયા કામ ચાલુ હોવાથી કડીયાએ ફોન કરી તમારી દુકાનના પતરા તુટેલા હોવાની જાણ કરી હતી. ફરિયાદી તાબડતોબ ત્યાં દોડી જઈ દુકાન ખોલતા સરસામાન વેરવિખેર જણાયો હતો. આ દુકાનના પતરા તોડી અંદર ખાબકેલા નિશાચરોએ અંદરથી સોનાની કાનસર જોડી-1, કાનમાં પહેરવાની સોનાની બુટી નંગ-1, ચાંદીની રાખડી નંગ-80, ચાંદીની મૂર્તિ નંગ-11, ચાંદીની રાધા કૃષ્ણની મૂર્તિ, ચાંદીની 26 ચેઈન, હાથમાં પહેરવાના ચાંદીના બ્રેસ્લેટ નંગ-4, કાનમાં પહેરવાની ચાંદીની બુટી-4, ચાંદીના પેડલ બુટી સેટ-4 તથા વજન કાંટો એમ કુલ રૂા. 1,10,100ના દાગીનાની ચોરી કરીને નાસી છુટયા હતા. પૂર્વ કચ્છમાં વધી રહેલા ચોરીના ઉપરાઉપરી બનાવોને અંજામ આપીને તસ્કરોએ પોલીસને દોડતી કરી છે. ગમે તે કારણે પૂર્વ કચ્છમાં ચોરીના ભેદ ઉકેલાતા નથી જેના કારણે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

Panchang

dd