ગાંધીધામ, તા. 14 : ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેરોમાં હલકી ગુણવત્તાના મટિરિયલ્સથી બનેલા માર્ગો તૂટી ગયા છે અને
વરસાદમાં ધોવાઈ ગયા છે. રોડમાં મોટા-મોટા ખાડાઓ અને ગાબડાંઓ લોકોની કમર તોડી રહ્યા
છે. શારીરિક સમસ્યાઓ વધી રહી છે. લોકોમાં આક્રોશ છે, તે વચ્ચે વહીવટી તંત્ર દ્વારા એક સર્વે
કરવામાં આવ્યો છે, જેમાં 120થી વધુ
માર્ગને રિસર્ફાસિંગ કરવાની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે, તો બીજી તરફ નવા માર્ગો
બનાવવા અને જૂના માર્ગોની સુધારણા માટે મનપા વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો
છે. મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા એક સાથે બંને સર્વે થઈ રહ્યા છે.
ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં 375 કિલોમીટરથી વધુનું રોડ નેટવર્ક
છે, તેમાં 50 ટકાથી
વધુ માર્ગો ઉપર મોટા-મોટા ખાડાઓ છે. માર્ગોની
હાલત અત્યંત ખરાબ છે. ભારતનગર,
સેક્ટર તેમજ સિટી વિસ્તાર, રામબાગ રોડ સહિતના
જોડિયા શહેરોના લગભગ માર્ગો ઉપર ખાડાઓ છે. વાહન લઈને પસાર થવું એટલે લોઢાના ચણા
ચાવવા જેવી સ્થિતિ છે. એક તો ખાડાઓ અને ઉપર તેમાં પાણી ભરાયેલું હોવાથી લોકોને
પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોના આક્રોશને પારખી તંત્ર દ્વારા જોડિયા શહેરોમાં ખરાબ માર્ગોનો સર્વે હાથ
ધરવામાં આવ્યો છે. મોટા ભાગના માર્ગોની હાલત અત્યંત દયનીય છે. પ્રારંભિક તબક્કાના
સર્વેમાં મોટા-મોટા 120 વધુ માર્ગને રિસર્ફાસિંગની
જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે,
તો નવા બનાવવા અને જૂના માર્ગોની સુધારણા માટેનો પણ શહેરી અને
ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. આખો રિપોર્ટ તૈયાર થયા પછી સરકાર
સુધી પણ મોકલવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા વધુ રાહ જોયા વગર મોટા-મોટા ખાડાઓને
પૂરવામાં આવે, તે અતિ જરૂરીને આવશ્યક છે. અકસ્માતો સર્જાઈ
રહ્યા છે. લોકો દ્વારા તાકીદે માર્ગોની મરંમત કરવા માંગ કરી રહ્યા છે.