• મંગળવાર, 15 જુલાઈ, 2025

અમૃતિયા રાજીનામું આપ્યા વિના પાછા ફર્યા

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 ગાડી લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા, જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા. અંતે રાજીનામાના નાટકનો અંત થયો હતો. છેલ્લાં એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનાં વર્તુળો ખૂબ ચગ્યા હતા. એકબીજાને સામે પડકારો ફેંકાતા હતા, બડાશ હાંકતા શૂરાતનભર્યા વીડિયો અપલોડ કરી રાજકારણમાં અને નાગરિકોની નજરે ચઢવાના પ્રયાસ થયા હતા. કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી અને હારી જશે, તો બે કરોડ આપશે. અમૃતિયાએ બે કરોડ અને ચૂંટણી લડવાનો મમરો મૂકી રાજકારણ શરૂ કર્યું, ત્યારે હવે વગર ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, પરંતુ અંતે રાજીનામા માટે પહેલે આપ... પહેલે આપ... વાળી થઇ. આજે ગુજરાતના રાજકારણ માટે શરમજનક ઘટનાક્રમ સર્જાયો, જેમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો ભૂલીને રાજકીય સ્ટંટમાં મસ્ત બન્યા હતા. જો કે, ગોપાલ ઇટાલિયા ત્યાં ફરક્યા જ નહોતા અને સમર્થકો સાથે કાંતિ અમૃતિયા પરત ફર્યા હતા. અઠવાડિયાથી ચાલી રહેલા ચેલેન્જ વોરના પગલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. ત્યાં વાજતે-ગાજતે ઢોલ નગારા સાથે નાટકો થયાં. એટલે કે, મોરબીથી ગાંધીનગર સુધી નાટક જ નાટક જોવા મળ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવાના નથી. આમ છતાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા 12:30 વાગ્યા સુધી રાહ જોઇ રાજીનામાની માત્ર શો બાજી કરી અને ત્યારબાદ ત્યાંથી ચાલતી પકડી. આ ઘટના ગુજરાતના રાજકારણમાં આક્રમક રાજકીય દાવપેચનું નવું સ્તર દર્શાવે છે. ધારાસભ્યોની વટની લડાઇમાં આમ જનતાનો મરો થઇ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીએ આ મુદ્દે મૌન પાળ્યું હતું. આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ ચેલેન્જની વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલે છે. રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શીખામણ આપવા અંગે તેઓ મૌન રહ્યા હતા.

Panchang

dd