• મંગળવાર, 15 જુલાઈ, 2025

કચ્છનું ઐતિહાસિક નગર : પુંઅરો ગઢ - પદ્ધરગઢ

ભુજથી નખત્રાણા જતાં મંજલ અથવા મંજલથી ત્રણ કિલોમીટરના અંતરે ગામથી વાયવ્ય દિશામાં રસ્તાની ડાબી બાજુએ પુંઅરેશ્વર શિવ મંદિર તથા વડી મેડી ખંડેર હાલતમાં  જોવા મળે છે. આ બંને સ્થળ પુરાતત્વ ખાતા તરફથી રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યા છે. આગળ જતાં આ જ રસ્તા પર ત્રણ કિલોમીટર દૂર જખ - યક્ષ  બોંતેરા સ્થાનક આવે છે.

એક સમય સમૃદ્ધ નગર રહ્યું હશે

મંદિરથી પશ્ચિમ દિશામાં તથા વડી મેડીથી દક્ષિણ દિશામાં એક નગરના અવશેષો આવેલા છે, જે આજે પણ જોઈ શકાય છે. આ નગર વિષે સ્વ. કે. કા. શાસ્ત્રીએ પોતાના પુસ્તક `અસાંજો કચ્છ'માં વર્ણન કરેલું છે. આમ છતાં પુરાતત્વ ખાતાના નિયામકો અને મોટા ભાગના અધિકારીઓને  આ સ્થળ વિષે જાણકારી ન હોય તેવું લાગતું હતું. લેખકે જ્યારે 1978-79માં મુકુંદભાઈ રાવળ જે-તે સમયે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગના વડા હતા તેમની સાથે મુલાકાત લીધી હતી ત્યારે તેમને આ સ્થળ વિષે કોઈ જાણકારી ન હતી. ત્યાર પછી નિરુભાઈ દેસાઈ અને  મુકુંદભાઈ રાવળ સાથે ફરી મુલાકાત લીધી હતી ત્યારે પણ તેમણે આ સ્થળ અંગે કોઈ વાત કરી ન હતી. આ નગર ભૂતકાળમાં સારી આબાદી - વસ્તી ધરાવતું સમૃદ્ધ નગર હોય તેવું જણાય છે.

પદ્ધર ગઢના કિલ્લાનો ઘેરાવો 1995 મી. જેટલો

આર. કે. ત્રિવેદી દ્વારા સંપાદિત 1971ના ડિસ્ટીક્ટ સેન્સસમાં આ સ્થળને, પુંઅરાનો ગઢ, પદ્ધરગઢ અથવા પાટણ નામથી દર્શાવેલું છે. દુલેરાય કારાણીએ લખ્યું છે કે, પદ્ધરગઢના કિલ્લાનો ઘેરાવો 3500 સુતારી ગજ હતો. ઉપગ્રહની તસવીર પરથી મળતી માહિતી મુજબ આજે આ કિલ્લેબંધ નગરનો ઘેરાવો 1995 મીટર જેટલો છે. આ ઉપરથી કહી શકાય કે સુતારી ગજનું માપ આજના એક મીટરથી પોણા બે ગણું વધારે હશે. વડી મેડી પું'અરાનો રાજમહેલ ગણાય છે, પરંતુ પુરાતત્વ તજજ્ઞો તેને શૈવ મઠ માને છે. મુકુંદભાઈ રાવળના મત મુજબ જો આ રાજમહેલ હોય તો તેના વિવિધ બારસાખની પટ્ટિકાઓમાં દેવ-દેવીઓ અને યોગીઓના શિલ્પ શા માટે હોય ? કે. કા. શાસ્ત્રીના મત મુજબ નાની-નંઢી મેડી અને વડી મેડી દેવ સ્થાન હોવાની શક્યતા વધારે છે.

ઈન્ડો સેસાનિયન સિક્કા મળ્યાં છે

ઈ.સ. 1830માં અહીં કિલ્લામાંથી ઈન્ડો સેસાનિયન સિક્કા તાંબાના વાસણ - ચરૂમાં મોટી સંખ્યામાં ભરેલા મળ્યા હતા. અહીં કિલ્લાની અંદર એક રાજાનો મહેલ અને એક રાણીનો મહેલ એમ બે મહેલ, એક ટંકશાળ તથા એક શિવ મંદિરના અવશેષો મળ્યા હતા. આ બધું પથ્થરમાંથી બનાવેલું હતું. લાકડું જોવા મળ્યું ન હતું.

ચોરસ કિલ્લેબંધ નગર

ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત તસવીરોનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે આ ચોરસ નગર કિલ્લેબંધ નગર હતું. અંદરના ભાગમાં રાજાનો પ્રાસાદ -મહેલ, રાણીનો પ્રાસાદ - મહેલ, કુળદેવ / કુળદેવીના મંદિરના અવશેષો ઉપરાંત બજાર અને ખુલ્લું મેદાન પણ જોવા મળે છે. નગરના કિલ્લાની ઉત્તરની દીવાલ 545 મીટર જેટલી લાંબી છે. દક્ષિણ તરફની દીવાલ પણ 545 મીટર જેટલી લાંબી છે. પશ્ચિમ તરફની દીવાલ 460 મીટર જેટલી લાંબી છે, જ્યારે પૂર્વ તરફની દીવાલ 445 મીટર જેટલી લાંબી જોવા મળે છે. નગરની ઉત્તરના ભાગમાં પશ્ચિમ દિશા (વાયવ્ય)માં સ્મશાન આવેલું છે. જેની ઉત્તરની દીવાલ તથા દક્ષિણની દીવાલ એક સો મીટર જેટલી લાંબી છે. જ્યારે પશ્ચિમ તરફની દીવાલ 105 મીટર જેટલી લંબાઈ ધરાવે છે અને પૂર્વ તરફની દીવાલ 120 મીટર જેટલી લાંબી છે. નગરની ઉત્તરના ભાગમાં પૂર્વ તરફ નાની-નંઢી મેડી અને વડી મેડી આવેલાં છે. વડી મેડીનો જે વિસ્તાર છે, તે થોડો લંબચોરસ જેવો ભાગ છે. જેની ઉત્તર દિશા અને દક્ષિણ દિશાના ભાગની લંબાઈ એક સો મીટર જેટલી છે. આ ભાગમાં વડી મેડી અને નંઢી મેડી ઉપરાંત એક પુરાતત્વ ખાતાનું મકાન પણ આવેલું છે. વડી મેડીના બાંધકામનો વિસ્તાર ઉત્તર દિશામાં આશરે 16.5 મીટર અને દક્ષિણ દિશામાં 19 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. જ્યારે પૂર્વ પશ્ચિમ દિશામાં 20-21 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. દક્ષિણ ભાગમાં કિલ્લાની દીવાલમાં અંગ્રેજી અક્ષર એલ જેવો દરવાજો આવેલો હતો. આવા દરવાજા હાથી -ગજરાજની ઝડપ તોડવા માટે બનાવવામાં આવતા હતા. આમ એક વખત લગભગ 90 અંશના ખૂણે વળતા ઝડપથી આવતા ગજરાજની ઝડપ તૂટી જતી અને આગળ જતાં મોટા લોખંડના ખિલ્લાવાળા તાતિંગ દરવાજા હોવાથી તેને તોડવાનો પ્રયત્ન કરતાં  હાથી  લોહી લુહાણ થઇ ઢળી પડતા. વિવિધ ઉપગ્રહોની તસવીરોમાં ચોરસ આકારનું કિલ્લેબંધ નગર તથા કિલ્લાની અંદરના રાજા તથા રાણીના મહેલ તેમજ મંદિર અને બજારના વિવિધ ચોરસ તથા લંબચોરસ આકાર પણ જોઈ શકાય છે. આ ઉપરાંત વડી મેડી, નંઢી મેડી, સ્મશાન તથા પુંઅરેશ્વરનું મંદિર તથા અન્ય મકાનો પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. 2018ની એક તસવીરમાં તો ત્યાં મુલાકાતે આવેલા મુલાકાતીઓની ચાર કાર - ગાડી પણ નજરે પડે છે.

સુનામી-ધરતીકંપના કારણે વિનાશની શકયતા

આખા નગરનો વિનાશ તો હું માનું છું ત્યાં સુધી ઈ.સ. 898ના સુનામી અને ધરતીકંપના લીધે અથવા ત્યાર પછી ફરીથી ઈ.સ. 1008 માં આવેલી સુનામી અને ધરતીકંપના કારણે થયો હશે. પદ્ધરગઢની કોરોના ઉપગ્રહ (1965)ની તસવીરમાં સ્પષ્ટપણે અંદરના ભાગમાં મહેલો તથા બજાર અને મેદાન જેવાં અન્ય અવશેષો જોઈ શકાય છે. વળી, વડી મેડીના ઈશાન ખૂણામાં ભુજ-નખત્રાણાના રસ્તાના લીધે કપાઈ ગયેલો ભાગ પણ જોઈ શકાય છે. ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત તસવીરોનો ઉપયોગ પુરાતત્વીય સ્થળોના અભ્યાસ માટે સફળતાપૂર્વક કરી શકાય છે. તેમજ પુરાતત્વીય સ્થળો આસપાસ ક્યાં સુધી વિસ્તરેલા હતા, તેનો અભ્યાસ પણ કરી શકાય. તેમજ ઐતિહાસિક બનાવોને સમજવામાં પણ આ તસવીરો ઉપયોગી થાય છે. આ તસવીરોમાં એ પણ જોઈ શકાય છે કે ઉત્તરમાં વડી મેડી અને સ્મશાન વચ્ચે, દક્ષિણમાં તથા પશ્ચિમ દિશામાં કિલ્લાની બહાર પાછળથી નગરનો વિકાસ થતાં મકાનો બાંધવામાં આવ્યા હશે. દક્ષિણ દિશામાં દરવાજો પણ જોઈ શકાય છે. આ સ્થળનું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા તરફથી કે અન્ય સંશોધન કરતી સંસ્થા કે વિશ્વ વિદ્યાલય દ્વારા ગ્રાઉન્ડ પેનિટ્રેટીંગ રડાર જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી ઉત્ખનન કાર્ય કરી સંશોધન કરવાની તાતી જરૂર જણાય છે. (ઇસરોના નિવૃત વિજ્ઞાની દીપકભાઈ મારૂએ લેખકને કોરોના ઉપગ્રહ તથા અન્ય ઉપગ્રહોની તસવીરો મેળવવામાં મદદ કરી હતી)

Panchang

dd