• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

`એક દેશ, એક ચૂંટણી'ને કેબિનેટની મહોર

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના પ્રધાનમંડળે બુધવારે `એક દેશ, એક ચૂંટણી'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે. આ પ્રસ્તાવ હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવને કાયદાનું સ્વરૂપ આપવા માટે લોકસભા અને રાજ્યસભા- બંને સદનમાં મંજૂરી મળવી જરૂરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, એ માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી છે અને આ સુધારો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા માન્ય થવો જોઈએ. `એક રાષ્ટ્ર, એક ચૂંટણી' ખરડો સંસદના આગામી શિયાળુ અધિવેશનમાં રજૂ થાય એવી શક્યતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સર્વાનુમત માટેની દેશવ્યાપી કવાયત બાદ તબક્કાવાર તેનો અમલ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશમાં ચૂંટણી સુધારાની દિશામાં આ બહુ મોટું કદમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, લોકતંત્રને વધુ જીવંત બનાવવા માટેનું આ બહુ મહત્ત્વપૂર્ણ પગલું છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના 15 વિપક્ષોએ તેની ટીકા કરી છે. `એક રાષ્ટ્ર, એક ચૂંટણી' સંદર્ભે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ બુધવારે રજૂ કરેલા અહેવાલને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને સ્વતંત્રતા દિવસના વકતવ્યમાં `એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની તરફેણ કરતાં કહ્યું હતું કે, વારંવાર ચૂંટણી થવાથી દેશની પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે. ન્યાયાધીશ બી.પી. જીવન રેડ્ડીની અધ્યક્ષતા હેઠળ લો-કમિશને મે-1999માં પોતાના 170મા અહેવાલમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી પહેલાંની જેમ એકસાથે યોજવાની ભલામણ કરી હતી. 1951-52, 1957, 1962 અને 1967માં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજાઈ હતી. જો કે કેટલીક વિધાનસભાઓને સમય પહેલાં જ ભંગ કરવામાં આવતાં આ ચક્ર ખોરવાયું હતું. 1970માં લોકસભાને પણ સમય પહેલાં બરખાસ્ત કરાઈ હતી. `એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પ્રસ્તાવ મંજૂર થયા બાદ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી અને જણાવ્યું કે આ સંદર્ભે કોવિંદ સમિતિની ભલામણોને આગળ વધારવા માટે અમલીકરણ સમિતીની રચના કરાશે. તેમણે જણાવ્યું કે કોવિંદ સમિતીની  ભલામણો વિશે સમગ્ર દેશમાં વિવિધ મંચો પર ચર્ચા કરવામાં આવશે. એક સાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને ભારે સમર્થન મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ક્હયું કે ઘણાં રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવનું સમર્થન ર્ક્યું છે. કમિટીએ બે તબક્કામાં ચૂંટણી કરવાનું સૂચન ર્ક્યું છે. પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી કરવામાં આવશે. બીજા તબક્કામાં 100 દિવસની અંદર પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ યોજાશે. મલ્લિકાર્જુન ખડગેએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીને અવ્યવહારુ ગણાવી એનો વિરોધ ર્ક્યો છે. અશ્વિની વૈષ્ણવે એના જવાબમાં કહ્યું કે, વિપક્ષને આંતરિક દબાણનો અનુભવ થવા લાગ્યો હશે કારણ કે પ્રક્રિયા દરમિયાન 80 ટકાથી વધુ સહભાગીઓએ પ્રસ્તાવને સકારાત્મક સમર્થન આપ્યું છે, ખાસ કરીને યુવાનો એકસાથે ચૂંટણી યોજવાના પક્ષમાં છે. - એક દેશ, એક ચૂંટણીનો બે તબક્કામાં અમલ  : અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, એક દેશ એક ચૂંટણીનો અમલ બે તબક્કામાં કરાશે. પહેલા તબક્કામાં દેશમાં એક સાથે જ લોકસભા અને બધા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવાશે, બીજા તબક્કામાં દેશભરમાં એક સાથે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત, તેમ જ પાલિકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવાશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના વડપણ હેઠળની સમિતિએ આ પ્રસ્તાવના એક-એક મુદાની ઊંડાણથી વિચારણા કરી છે તેમ જ નિષ્ણાતોના અભિપ્રાય લઇને સ્પષ્ટ વિચારો રાખ્યા છે. લાંબા ગાળે આનાથી દેશની લોકશાહી અને રાષ્ટ્રને શું અસર થઇ શકે એ જાણવા સર્વાનુમત લેવામાં આવશે અને આ મુદ્દો એવો છે જેનાથી દેશ મજબૂત થશે, એવું સરકારનું સ્પષ્ટ માનવું છે.  - જો લોકશાહી બચાવવી હોય તો... : વિપક્ષની ટીકા : કેન્દ્રની કેબિનેટે એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવ પર મહોર માર્યા બાદ વિપક્ષે મોદી સરકારની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, લોકશાહીમાં એક દેશ, એક ચૂંટણીનો નિયમ કારગર ન નિવડી શકે. જો લોકશાહીને બચાવવી હોય તો દેશમાં જરૂર મુજબ ગમે ત્યારે ગમે તે ચૂંટણી નિયમ પ્રમાણે યોજાવી જોઇએ. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, આપણા દેશમાં એક દેશ, એક ચૂંટણી વ્યવહારૂ નથી. સરકાર હાલની સમસ્યાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા આ પ્રસ્તાવ લાવી છે.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang