• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

કમુરતાં બાદ રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર ?

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 12 :  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની સાથોસાથ જિલ્લા સંગઠનની વરણીનું કામ ટૂંકમાં પૂરું થયા બાદ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ફરી જોરશોરથી ચર્ચાની એરણ મૂકાઈ છે. એમ ચર્ચાઈ રહ્યું છે કે, ઉત્તરાયણ બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવના છે. એના કારણમાં એવી દલીલ થઈ રહી છે કે, વર્ષ 2022માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો ઉપર જીત મળ્યા બાદ કોંગ્રેસના 5 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં પેટા ચૂંટણી જીત્યાં પછી ભાજપના કુલ ધારાસભ્યોની સંખ્યા 161 થઈ હતી ત્યારબાદ તાજેતરમાં જ વાવની કોંગ્રેસની પરંપારગત બેઠક પર ભાજપને જીત મળ્યા બાદ કુલ સભ્ય-સંખ્યા 162 થઈ ગઈ છે. દરમ્યાનમાં વર્તમાન સરકારના કેટલાક મંત્રીઓની નબળી કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે. આવી પરિસ્થિતિમાં ત્રણેક મંત્રીઓ પડતા મૂકાય અને કોંગ્રેસથી ભાજપમાં જોડાયેલાઓ પૈકી 2 અને ભાજપના અન્ય ચારેક ધારાસભ્યોના ઉમેરા સાથે નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવે તેવી અટકળો ચાલી રહી છે. રાજ્યમાં હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ મળીને મંત્રીમંડળનું કુલ કદ 17નું છે પરંતુ ગુજરાત વિધાનસભાના કુલ 182 સભ્યોના સંખ્યાબળના 15 ટકા લેખે ગુજરાતમાં વધુમાં વધુ કુલ 27 મંત્રીઓનું મંત્રીમંડળ બનાવી શકાય તેમ છે અર્થાત હાલ 17 સભ્યોના મંત્રીમંડળમાં વધુ 10 મંત્રીઓનો ઉમેરો કરી શકાય તેમ છે. આ તો, નિયમ મુજબની વાત છે પરંતુ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ મુજબ, ગુજરાતમાં ભાજપને પડકારી શકે તેવો વિપક્ષ નથી અને ભાજપના ધારાસભ્યોની 162ની સંખ્યા જોતા કોઈ 2-5 ધારાસભ્યો સરકાર કે પક્ષથી નારાજ થાય તો પણ સરકાર કે પક્ષને કોઈ મોટો ફેર પડે તેમ નથી. આમ છતાં અર્જુન મોઢવાડિયા, સી.જે. ચાવડા જેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સભ્યોને સરકારમાં મંત્રી થવાની ઉતાવળ હોય અને તેઓ યથા-યોગ્ય પ્રમાણે દબાણ લાવતા હોય તેવી પણ ચર્ચા તો છે જ, દરમ્યાનમાં વર્તમાન સરકારના પણ કેટલાક મંત્રીઓની નબળી કામગીરી કે તંત્રા ઉપરની પકડના અભાવે સરકારની ફજેતી થઈ રહી હોવા જેવી ફરિયાદો ઉપર સુધી પહોંચી છે. તો, કેટલાક સામે એવી પણ ફરિયાદો છે કે, આ એવા મંત્રીઓ છે કે, તેમને તેમના વિભાગના ઉચ્ચાધિકારીઓ કે કેટલાક અધિકારી સાથે ફાવટ આવતી નથી. જેના કારણે પણ આવા મંત્રીઓ હસ્તકના મહત્વના વિભાગો સામે લોકોમાં અસંતોષની લાગણીનો ફીડબેક સરકારમાં ઉચ્ચકક્ષાએ ધ્યાને આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd