લખનૌ/પ્રયાગરાજ, 12 : ભારતનો દર 12 વર્ષે યોજાતો સૌથી મોટો ધાર્મિક
અને સાંસ્કૃતિક મેળાવડો મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી
પ્રયાગરાજમાં ચાલવાનો છે, જેમાં 35 કરોડથી પણ વધુ ભાવિકો જોડાશે તેમના પાપોમાંથી મુક્તિ
મેળવવા અને મોક્ષ મેળવવા માટે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને ક્ષિપ્રા નદીઓના પવિત્ર
જળમાં સ્નાન કરે છે. મહાકુંભનું સંગઠન ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીય ગણતરીઓ અને ઐતિહાસિક
પરંપરાઓ પર આધારિત છે. તે માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા
અને એકતાનું પ્રતીક પણ છે, જે દેશ-વિદેશના ભક્તોને આકર્ષે છે. આ વખતના આયોજન માટે યોગી
સરકારે હાથ ધરેલા આયોજન અંગે સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્ય
સચિવ મનોજ કુમાર સિંહે જણાવ્યું છે કે, 45 દિવસના આ મેગા કાર્યક્રમ માટે રાજ્યનું બજેટ
લગભગ 7,000 કરોડ રૂપિયા છે. આ વખતે સ્વચ્છતા, સુરક્ષા અને ડિજિટલ કુંભ છે. સિંહે જણાવ્યું
હતું કે, મેળાનો વિસ્તાર લગભગ 25 ટકા વધ્યો છે. આ વખતે તે લગભગ 4,000 હેક્ટરમાં સ્થાપિત
થઈ રહ્યો છે, જેને 25 સેક્ટરમાં વિભાજિત કર્યો છે. ઘાટની લંબાઈ આઠ કિલોમીટર થી વધારીને
12 કિલોમીટર કરાઈ છે. પાર્કિંગ વિસ્તાર પણ આ વખતે 1850 હેક્ટર સુધી વધારવામાં આવ્યો
છે, જે 2019માં 1291 હેક્ટર હતો. મૌની અમાસ માટેની વ્યવસ્થા વિશે પૂછવામાં આવતાં, તેમણે
કહ્યું કે, કુંભ દરમિયાન હંમેશાં મુલાકાતીઓની સૌથી વધુ સંખ્યા જોવા મળી છે. આ વખતે
25થી 30 જાન્યુઆરી સુધી અંદાજે ચાર-પાંચ કરોડ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે, તેથી તે
દિવસોમાં સાવચેતીનાં પગલાં તરીકે, રાજ્ય સરકાર કોઈને પણ વીઆઈપી પ્રોટોકોલ આપતી નથી. મહાકુંભ મેળા-2025માં કલ્પવાસીઓની અંદાજિત
સંખ્યા 15-20 લાખ છે તેમ સિંહે ઉમેર્યું હતું.
મેળા વિસ્તારના રસ્તાની લંબાઈ 299 કિલોમીટરથી વધારીને 450 કિલોમીટરથી વધુ કરવામાં
આવી છે. સ્ટ્રીટલાઇટની સંખ્યા પણ 67,000 થઈ ગઈ છે. આ વખતે શૌચાલયોની સંખ્યા 1.50 લાખ
છે, જાહેર રહેવાની જગ્યાઓ 25,000 થઈ ગઈ છે તેમ પણ સચિવે જણાવ્યું હતું. રવિવારે મહાકુંભ
માટેના છેલ્લા અખાડા વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને લોકો પ્લાસ્ટિક ઓઢીને હર હર મહાદેવના
નાદ સાથે જઈ રહ્યા હતા. - 144 વર્ષ પછી દુર્લભ સંયોગ : આ વખતે 144 વર્ષ બાદ મહાકુંભમાં એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.
મહાકુંભનું મહત્ત્વ વર્ણવતાં કૈલાશાનંદગિરિ મહારાજે કહ્યું, પ્રયાગની ત્રણ પરંપરા છે,
અહીં દર 6 વર્ષે અર્ધ કુંભ થાય છે, 12 વર્ષે પૂર્ણ કુંભ થાય છે અને 12 પૂર્ણ કુંભ પછી
પૂર્ણ મહાકુંભ થાય. તેમણે કહ્યું, આવનારી પેઢી આ પૂર્ણ મહાકુંભ જોઈ શકશે. - ભક્તો માટે વોટર એમ્બ્યુલન્સ : પ્રથમ વખત મહાકુંભમાં વોટર
એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના દ્વારા એનડીઆરએફ પાણીમાં પ્રાથમિક સારવાર
આપશે. પાણીમાં સાયરન વાગતી વોટર એમ્બ્યુલન્સ પણ શ્રદ્ધાળુઓને ડૂબતા બચાવશે. - આંતરરાજ્ય અને આંતરજિલ્લા સીમા પર 24 કલાક ચેકપોસ્ટ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાજ્ય
અને આંતરજિલ્લા સીમાઓ પર કાર્યરત ચેકપોસ્ટમાં 24 કલાક પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.
- મહાકુંભમાં સતત પેટ્રોલિંગ : મહાકુંભમાં
સુરક્ષા વધારવા બખ્તરબંધ વાહનો દ્વારા અલગ-અલગ માર્ગો પર સતત પેટ્રાલિંગ કરાઈ રહ્યું
છે. - મહાકુંભમાંથી સમગ્ર વિશ્વને સંદેશ : આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, હવે
દેશ-વિદેશના લોકો સનાતનમાં જોડાઈ રહ્યા છે, જેમાં સ્ટીવ જોબ્સની પત્નીનું નામ પણ સામેલ
થયું છે. મહાકુંભ સમગ્ર વિશ્વને સંદેશ આપે છે અને વિશ્વના તમામ સંતો અહીં આવે છે. - મહાકુંભમાં સ્નાનની તારીખો : 13 જાન્યુઆરી-પોષ પૂર્ણિમા,
14 જાન્યુઆરી-મકર સંક્રાંતિ, 29 જાન્યુઆરી-મૌની અમાસ, 3 ફેબ્રુઆરી-વસંત પંચમી, 12 ફેબ્રુઆરી-માઘી
પૂર્ણિમા, 26 ફેબ્રુઆરી- મહાશિવરાત્રિ. - મહાકુંભમાં
શહીદોને શ્રદ્ધાંજલિ : આ મહાકુંભમાં
400થી વધુ પરિવાર જોડાશે. શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અપાશે. 108 હવન કુંડ તૈયાર
કરવામાં આવી રહ્યા છે.