લોસ એન્જલસ, તા. 12 : અમેરિકાના લોસ એન્જલસમાં જંગલની આગને રોકવી
મુશ્કેલ બની રહી છે, તેમાં ઝડપી હવાઓએ કામ વધુ વિકટ બનાવ્યું છે. કેમ કે, આગ હવે શહેરી
વિસ્તારો તરફ આગળ વધી રહી છે. આગથી થયેલાં મૃત્યુનો આંક વધીને 16 થયો હતો. જો આગ શહેરી
વિસ્તારોને ઝપટે લેશે, તો મોટી સંખ્યામાં મકાનો રાખ થઈ શકે છે. અત્યાર સુધી આગમાં ઓછામાં
ઓછા 12 હજાર મકાન ભસ્મીભૂત થયાં હતાં. જેમાં હોલીવૂડ હિલ્સ પરના અનેક ફિલ્મ કલાકારોના
મકાનોનો પણ સમાવેશ થાય છે. મળતા હેવાલ અનુસાર મૃતકો પૈકી 11 ઈટનની આગમાં અને પાંચ પાલિસૈડ્સ
ક્ષેત્રની આગમાં ભરખાયા હતા. મંગળવારે સાંજના લાગેલી ઘાતક ઈટન આગથી અલ્ટાડેના અને પાસાડેના
પાસેનું 14,117 એકર ક્ષેત્ર બરબાદ થયું હતું. જો કે, આજે બપોર સુધી 15 ટકા ક્ષેત્રમાં
લાગેલી આગ પર મહામહેનતે કાબૂ મેળવાયો હતો. લોસ એન્જલસ ક્ષેત્રમાં ઓછામાં ઓછી પાંચ સક્રિય
આગમાંથી સૌથી મોટી એવી પાલિસૈક્સ આગમાં 22,660 એકર (91.7 ચોરસ કિલોમીટર) ક્ષેત્રને
સાફ કર્યું હતું અને આ વિસ્તારમાં આવેલા 5300થી વધુ મકાનને ભસ્મીભૂત કર્યા હતા. આ વિસ્તારની
આગ પર 11 ટકા કાબૂ મેળવાયો છે. સીએએલ (ફાયર)એ જણાવ્યું હતું કે, મધ્યમથી ઝડપી ગરમ અને
સૂકી સાંતા એના હવા મંગળવાર અને બુધવારે ફરી શરૂ થવાની આશંકા છે. જેનાથી આગ વધુ વિકરાળ
બની શકે તેમ છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે જણાવ્યું હતું કે, અગ્નિશમનમાં
સહાયતા માટે કેલિફોર્નિયા નેશનલ ગાર્ડની સંખ્યાને બે ગણી કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં
હવે 1680 કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ તૈનાત છે. જાણકારી અનુસાર હવાઓને કારણે અગનજ્વાળાઓ
બેકાબૂ બની પૂર્વ?તરફ આગળ ધસી રહી છે. અત્યાર સુધીના પ્રયાસો છતાં આગ પર કાબૂ મુશ્કેલ
બની રહ્યો છે. જો આગ વધતી જ રહેશે તો જે. પૌલ ગેટ્ટી સેન્ટર આર્ટ મ્યુઝિયમ, કેલિફોર્નિયા
યુનિવર્સિટી, લોસ એન્જલસ અને ભારે વસતી ધરાવતી સૈન ફર્નાન્ડો વેલી પણ ચપેટમાં આવે તેવી
આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.