નવી દિલ્હી, તા. 17 : અભૂતપૂર્વ ઘટનાક્રમમાં લેબેનોનમાં હિઝબુલ્લાના
સેંકડો સભ્યો અને આતંકીઓના પેજરમાં લગભગ એક સાથે ધડાકા થતાં કમસે કમ આઠ જણ માર્યા ગયાં
છે અને અંદાજે 2800?ઘવાયા છે. ઇજાગ્રસ્તોમાં ઇરાનના રાજતૂદ પણ સામેલ હોવાના અહેવાલ
છે. આ હાઇટેક હુમલા માટે ઇઝરાયેલ તરફ આંગળી ચીંધાઇ છે. શ્રેણીબદ્ધ વિસ્ફોટથી ચોમેર અફરાતફરી ફેલાઇ હતી. આધુનિક યુગમાં યુદ્ધો
માત્ર રણમેદાનમાં લડાઈ રહ્યાં નથી. આર્થિકથી માંડીને સાયબર મોરચે લડાઈઓ લડવામાં આવી
રહી છે અને આમાં હવે અમેરિકાએ જેને આતંકવાદી જૂથ જાહેર કરેલું છે તેવા હિઝબુલ્લાહ ઉપર
સદ્તંર નવતર ઢબે હુમલો બોલાવવામાં આવ્યો છે. હમાસ પછી હિઝબુલ્લા સામે યુદ્ધે ચડેલા
ઈઝરાયલ દ્વારા કથિતરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લેબેનોન તેમજ સીરિયાના અમુક
ભાગમાં હિઝબુલ્લાહના સેંકડો આતંકવાદીઓ અને
સદસ્યોનાં સંચાર ઉપકરણ પેજરમાં એક સાથે વિસ્ફોટ થયા છે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પેજર્સ હેક કરીને ધડાકા કરાયા છે. લેબેનોન સરકારે તમામ
લોકોને પોતાના પેજર ફેંકી દેવા આદેશ કર્યો
છે. ઘાયલોમાં એક બાળકી સામેલ છે. 200ની હાલત ગંભીર છે. હિઝબુલ્લાહ ઉપર અમેરિકા અને
યુરોપીય સંઘે પ્રતિબંધ લગાવેલા છે. લેબેનોનમાં રાજકીય અને સૈન્ય માળખાંને ઈરાનનું સમર્થન
છે. હિઝબુલ્લાહે આ હુમલા માટે ઈઝરાયલ ઉપર આળ મુક્યું છે. સાથે આને સૌથી મોટી સુરક્ષા
ચૂક પણ ગણાવી હતી. હિઝબુલ્લાહના કહેવા અનુસાર તેના સદસ્યોનાં તમામ પેજરમાં લગભગ એક
જ સમયે ધડાકા થયા હતા. દુનિયામાં અત્યાર સુધીમાં થયેલાં યુદ્ધો અને ઘર્ષણમાં સંભવત:
આ પ્રકારની પહેલી ઘટના છે જેમાં પેજર જેવા ઈલેક્ટ્રિક ઉપકરણમાં એક સાથે વિસ્ફોટ કરવામાં
આવ્યા હોય. પેલેસ્ટાઈનના આતંકી જૂથ હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો અને
પછી ગાઝામાં યુદ્ધ શરૂ થયું હતું. ત્યારબાદ હિઝબુલ્લાહે પોતાના સહયોગી હમાસનાં સમર્થનમાં
ઈઝરાયલ ઉપર હુમલા કર્યા હતા, જેને પગલે ઈઝરાયલે તેની સામે પણ મોરચો ખોલી નાખ્યો હતો
અને આ લડાઈના ભાગરૂપે જ ઈઝરાયલે આ હાઈટેક હુમલો કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય
છે કે, હિઝબુલ્લાના આતંકવાદીઓ પરસ્પર સંપર્ક માટે મોબાઈલ નહીં પણ પેજરનો ઉપયોગ કરતા
હતા અને આ પેજરને હેક કરીને કોઈ આધુનિક ટેકનોલોજીથી તેમાં ધડાકા કરી નાખવામાં આવ્યા
હોવાની શક્યતા છે.