• મંગળવાર, 02 જુલાઈ, 2024

આદિપુરમાં સગીરા ઉપર બળાત્કાર ગુજારનારને 20 વર્ષ સખત કેદની સજા

ગાંધીધામ, તા. 29 : આદિપુરમાં સગીર વયની કિશોરી ઉપર બળાત્કાર ગુજારનાર શખ્સને ગાંધીધામની કોર્ટે તકસીરવાન ઠરાવીને 20 વર્ષની સખત કેદની સજા કરતો ધાક બેસાડો ચુકાદો આપ્યો હતો. આદિપુર પોલીસ મથકે ગત તા. 2/9/2023ના ગુનો નોંધાયો હતો. ગત તા. 30/8/2023ના આદિપુર તોલાણી કોલેજ સામે મા મઢવાળી પરોઠા હાઉસમાં કામ કરતો અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી નુરી નગરમાં રહેતા આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી સંતકુમારએ ફરિયાદીના ઘરે જઈ ત્રણ પુત્રી પૈકી બે દીકરીને ચોકલેટ આપી હતી તેમજ એક સગીર વયની કિશોરીનો હાથ પકડી તેને બાથરૂમમાં લઈને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. વાત ખબર પડતાની સાથે ફરિયાદીએ આરોપીના નામની બૂમ પાડતાં તે ઘરમાંથી નાસી છૂટયો હતો. ગાંધીધામ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.જી. ગોલાણી સમક્ષ કેસ ચાલી ગયો હતો. ફરિયાદી પક્ષે 15 સાહેદની તપાસ અને 27 દસ્તાવેજી પુરાવાના દલીલોના આધારે અદાલતે આરોપી પુષ્પરાજે તકસીરવાન ઠરાવ્યો હતો. ગાંધીધામની અદાલતે આરોપીને  20 વર્ષની સખત કેદીની સજા અને 20 હજારનો દંડ કર્યો હતો. જો દંડની રકમ ભરે તો વધુ માસની સાદી કેદની સજા કરવા તેમજ દંડની રકમમાંથી 15 હજાર ભોગ બનનારને વળતર પેટે આપવા આદેશ કર્યો હતો. ઉપરાંત ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357 () તળે ભોગ બનનારની આર્થિક અને સામાજિક સ્થિતિ જોતાં તેને બે લાખ વળતર ચૂકવવાની ભલામણ સાથે ચુકાદાની નકલ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને મોકલવા ચુકાદામાં જણાવાયું હતું. સરકાર પક્ષે ધારાશાત્રી હિતેષ ગઢવીએ ધારદાર દલીલો કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang