ગાંધીધામ, તા. 29: પૂર્વકચ્છમાં 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી, તૈયાર કરી આવા તત્વોના બિનઅધિકૃત દબાણો,
વીજ જોડાણો કાપી દેવાયા હતા છતાં હજુ આવા કોઈ તત્વોએ દબાણો કે વીજ જોડાણ
મેળવ્યા હોય તો પોલીસનું ધ્યાન દોરવા લોકોને પોલીસે અપીલ કરી છે. સમગ્ર રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી
તૈયાર કરવા સરકારે આદેશ કર્યો હતો જે અંતર્ગત પૂર્વ કચ્છમાં 1900 જેટલા શખ્સોની યાદી તૈયાર કરવામાં
આવી હતી જેમાં અમુક માથાભારે તત્વોના વીજ જોડાણ કપાવી દેવાયા હતા અને વીજ તંત્ર થકી
દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ શખ્સોએ સરકારી જમીન દબાવી હતી અથવા પરવાનગી વગર દબાણની
પ્રવૃત્તિ કરી હતી તેવા અમુક તત્વોના દબાણો હટાવી દેવાયા હતા. હજુ આવા અનેક તત્વો બાકાત
રહી ગયા છે. જેમણે સરકારી જમીન પર કે રોડની જગ્યા ઉપર પોતાના દબાણો ખડકી દીધા છે. અમુક
તત્વોએ કોર્ટનું શરણું લીધું છે.આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોએ સરકારી
જમીન કે અન્ય જમીન પર બિનઅધિકૃત બાંધકામ, દબાણ કર્યું હોય કે વીજ જોડાણ મેળવ્યું હોય તો આવા તત્વોનું નામ, સરનામું પોલીસને મોકલી આપવા અપીલ કરવામાં આવી છે. આ અંગે તપાસ - ખરાઈ કરી સંબંધિત
વહીવટી તંત્રના સંકલનમાં રહી આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ માહિતી
આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. માહિતી પોલીસ કંટ્રોલ રૂમ મો.નં. 6359626845 તથા એલ.સી.બી. મો.નં. 6359629066 ઉપર વ્હોટ્સએપ કરી આપવા પોલીસે
એક યાદીમાં જણાવ્યું હતું.