ભુજ, તા. 29 : આજે ભુજ શહેરના સંત્રી અને
શણગાર સમા ભુજિયા ડુંગરની ટોચે આવેલા ભુજંગદેવનાં મંદિરે કચ્છના બન્ને રાજવી પરિવાર
દ્વારા પરંપરાગત રીતે શાત્રોક્ત વિધિથી પૂજા-અર્ચનાની સાથે ડુંગરની તળેટીમાં ભરાતા
પરંપરાગત લોકમેળાના આરંભની સાથે કચ્છના શ્રાવણી મેળાઓનો આરંભ થયો હતો. આજે કચ્છના બન્ને
રાજવી પરિવારો પોતાના પરિવારજનો, સ્નેહીઓ
અને શુભેચ્છકો સાથે ભુજંગદેવની પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. નાગપંચમીની સવારી પરંપરાગત
રીતે ટીલામેડી દરબારગઢથી ભુજિયા ડુંગર સ્થિત ભુજંગદેવનાં મંદિરે પહોંચી હતી. 295 વર્ષોથી વધુ સમયથી ચાલી આવતી
પરંપરા જાળવી રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન મુજબ તેરા ઠાકોર પરિવારના
મયૂરધ્વજસિંહજી, આરતીકુમારી, કુમાર હર્ષાદિત્યસિંહ અને વિશ્વેશ્વરીબા દ્વારા પૂજાવિધિ કરવામાં આવી હતી.
આ અગાઉ સવારે 9 વાગ્યે ટીલામેડી
દરબારગઢ ખાતે એકત્ર થઇ કચ્છના મહારાવ પરિવારના અંતિમ મહારાજા પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને
પુષ્પાંજલિ અર્પણ કરી 10 વાગ્યે ભુજિયા
ડુંગર પર પહોંચી ભુજંગદેવનાં મંદિરે વિધિવિધાનપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રાચીન
ભુજંગદેવ મંદિરનો જીર્ણોદ્ધાર પ્રાગમલજી ત્રીજાના સલાહ-સૂચનથી સ્વ. રજનીકાંતભાઇ જોશી, લીલાધરભાઇ શેઠિયા, નીતિનભાઇ
હેડાઉ, શશિકાંતભાઇ ઠક્કર,, જનાર્દનભાઇ દવે
(ભુજ આશાપુરા મંદિર પૂજારી), પરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહજી,
દેવપર ઠાકોર પરિવારના કૃર્તાથસિંહજી, તેરા ઠાકોર
પરિવારના મયૂરધ્વજસિંહજી, અન્ય ઘણા ભુજંગદેવના ભક્તોની સહાયથી
કરવામાં આવ્યો હતો. આજના પૂજન કાર્યક્રમમાં ઇન્દ્રજિતસિંહજી, કૃતાર્થસિંહજી સહપરિવાર, રોહા ઠાકોર પરિવારના પુષ્પેન્દ્રસિંહજી,
કિરીટસિંહ (મંજલ), વિજેશકુમાર પૂંજા, સમીરભાઇ ભટ્ટ, કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યો અને ભાયાતો
તેમજ પ્રાગમહેલ દરબારગઢના તેમજ રણજિતવિલાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પૂજનવિધિ
જયેશભાઇ ઓઝા દ્વારા કરવામાં આવી હતી અને ભુજંગદેવ દાદાના પૂજારી રામજીભાઇ સંજોટે સહયોગ
કર્યો હતો. - રાજવી પરિવાર
દ્વારા પૂજન : બીજી તરફ
રાજવી પરિવારના યુવરાજ પ્રતાપસિંહજી, યુવરાણી શાલિનીદેવીજી તથા પરિવારે ભુજંગદેવની પૂજા કરી હતી. આ અવસરે કૃપાલ
મહારાજ, પબુભાઇ ગઢવી, મહાવિરસિંહ જાડેજા,
મિલાપભાઇ ગઢવી, કમલસિંહ ઠાકુર, શૈલેન્દ્રસિંહ વાઘેલા, નિકુલ ગોર, પૂર્વ મામલતદાર અનિલભાઇ ત્રિવેદી, પરેશ ગઢવી,
ભરત રાઠોડ, રસિકબા કેસરિયા, જાગુબા કેસરિયા, યશપાલસિંહ વાઘેલા અને હિમેન્દ્રસિંહજી
જાડેજા, કેશવરાજ ચૂડાસમા, દુષ્યંતસિંહ જાડેજા,
ધ્રુવરાજસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારથી જ તળેટીમાં
તથા ભુજિયા ડુંગર પર આવેલા ભુજંગદેવનાં મંદિરે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઊમટી પડયા
હતા. સાંજે તળેટીમાં યોજાયેલા પરંપરાગત લોકમેળામાં આ વરસે કચ્છમાં સારો વરસાદ થતાં
માનવમેદની ઊમટતાં હૈયેહૈયું દળાયું હતું, ખાણી-પીણી અને રમકડાંવાળા
વેપારીઓને રીતસરનો તડાકો પડયો હતો. આજે દિવસભર વાદળછાયું તથા ગોરંભાયેલું વાતાવરણ રહેતાં
ઠંડક પ્રસરી હતી. આથી પણ લોકોને ગરમીથી રાહત મળી હતી.