કેન્દ્ર સરકારે એક સાથે 25 `ઓટીટી એપ' ઉપર પ્રતિબંધ
મૂકીને અભદ્ર કહેવાતાં દૃશ્યો - સંવાદોનાં પ્રસારણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આવી
પાબંધીનો વિરોધ ન હોય, કારણ કે અહીં આખરે તો સમાજ પ્રત્યેની,
વિશેષત: નવી પેઢી માટેની નિસબત જ છે. આપણાં મૂલ્યો કે પરંપરા સામે પડકાર
ઊભો કરે અને તેના કરતાં પણ બાળક કે યુવાનો માટે માનસિક પ્રદૂષણનું માધ્યમ બને તેવી
સામગ્રી પીરસાય નહીં તેમાં કશું ખોટું નથી, પરંતુ પ્રતિબંધે અટકી
જવાથી સમસ્યા આંશિક દૂર થશે. આ વિષય તો બહુઆયામી છે અને સાતત્યપૂર્ણ પ્રયાસો સર્વગ્રાહી
રીતે તેમાં આવશ્યક છે. માધ્યમોની સ્વાયત્તતા - અભિવ્યક્તિનો અધિકાર કે સર્જનાત્મક સ્વતંત્રતા
એટલે કે `િક્રએટિવ
લિબર્ટી'નાં ઓઠાં હેઠળ ઘણું બધું ચાલે છે. વ્યક્તિગત
આક્ષેપો, કોઈની પ્રતિભાનું ખંડન, કોઈ દિવંગત
નેતાઓ વિશેની ગેરસમજ ફેલાવવી કે પછી ઐતિહાસિક તથ્યોને મરડવા એવું ચાલે છે. જો કે,
જે 25 `એપ્લિકેશન્સ' ઉપર પ્રતિબંધ મૂકાયો છે, તે મુખ્યત્વે તો અશ્લીલતાનાં કારણે છે. એકતા કપૂરની `અલ્ટ બાલાજી', `મેક્સ પ્લેઅર', `ઉલ્લી' જેવી ઓટીટી `એપ્લિકેશન્સ' ઉપર પ્રતિબંધ મૂકતો પરિપત્ર સરકારે ઈન્ટરનેટ
સર્વીસ પ્રોવાઈડરને આપ્યો હતો. નાગરિક સંગઠનો, લોકોએ પણ `ઓટીટી એપ' ઉપર અશ્લીલ સામગ્રીનું પ્રસારણ થતું હોવાની
ફરિયાદ કરતાં સરકારે આ આકરું પગલું લીધું હતું. કેન્દ્ર સરકારનું આ વલણ અલબત્ત અયોગ્ય
નથી, પરંતુ અહીં અટકવાનું પણ નથી. અશ્લીલતાને ફક્ત અંગ સાથે સંબંધ
નથી. તેના અનેક રંગ છે. વધારે પડતાં જાતીય દૃશ્યો, કામક્રીડાનું
ફિલ્માંકન અશ્લીલ ગણાતું હોય તો તેની સાથે બીજું ઘણું એવું છે, જે બાળમાનસ કે યુવાનોની વિચારસરણી ઉપર અસર કરે. જાતીયતા કરતાં પણ વેબસિરીઝ
કે એક્શન ફિલ્મોમાં દર્શાવાતી હિંસા વધારે ચિંતાજનક છે. હજી એવી અનેક એપ છે,
જ્યાં પ્રસારિત - સ્ટ્રીમ થતી વેબસિરીઝમાં કમકમાટી છૂટી જાય તેવાં હિંસક
દૃશ્યો હોય છે. હત્યા તો ફિલ્મોમાં દાયકાઓથી દર્શાવાય છે, પરંતુ
જે ક્રૂરતા, જે બિભત્સતાનું નિદર્શન થાય છે, તે છેલ્લા એક - દોઢ દાયકાની દેણ છે. ફક્ત ત્રી - પુરુષનાં દૃશ્યો, નગ્તનતા જ અશ્લીલતા નથી. ત્રીનું દમન, દહેજને લીધે પાઘડી
જમાઈના પગમાં મૂકતા પિતા એ દૃશ્યો પણ અશ્લીલતા છે. સિરીઝના વિષયની પસંદગી આપણે ધ્યાને
નથી લેતા. કરોડો રૂપિયાનું કૌભાંડ કોઈએ કર્યું હોય, જેને લીધે
દેશનાં અર્થતંત્ર અને રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવી વ્યક્તિને
હીરો બનાવીને આપણે સિરીઝનું નિર્માણ કરીએ. તેને દર્શકોનો પણ પ્રતિસાદ મળે. દેશના દરેક
પ્રાંતમાં દરેક ક્ષેત્રે કોઈ ને કોઈ મહાન વ્યક્તિએ યોગદાન આપ્યું છે, પરંતુ તેમનું જીવન વેબસિરીઝનો વિષય બને નહીં. સિરીઝમાં જે રસતત્ત્વ,
જે જકડી રાખે તેવા તબક્કા જોઈએ તે આ બધાંનાં જીવનમાં પણ છે. ઓટીટી ઉપર
પ્રતિબંધ આવે તો ભલે આવે, પરંતુ માણસ માટે વિકલ્પ શું?
હવે ઓડિયો - વિઝ્યુઅલ માધ્યમ તરફથી પાછું વળી શકાય તેમ નથી. ફરિયાદ એવી
છે કે લોકોનું વાંચન ઘટયું છે, જવાબદાર મોબાઈલ, સોશિયલ મીડિયા છે. તો પછી જે સામગ્રી પુસ્તકોમાં છે, તેનું માધ્યમ હવે આ આધુનિક સાધનો બનવાં જોઈએ. આ સામગ્રી બંધ કરવાની સાથે જ
ઉપયોગી સામગ્રી આધુનિક ઉપકરણો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે તો બેવડું કામ થઈ
શકે. હવે જો આ જ મુખ્ય માધ્યમો છે, તો તેનો ઉપયોગ થાય. અશ્લીલતા
ફેલાતી અટકાવવા માટે શાળા, શિક્ષકોની પણ ભૂમિકા છે. શિક્ષકો
- અધ્યાપકોનો ક્રીન ટાઈમ પણ ક્લાસરૂમ ટાઈમથી વધારે છે, એવું જ
વાલીઓનું છે. સમસ્યાનો ઉકેલ સહિયારા પ્રયાસથી આવશે. સરકાર પ્રતિબંધ મૂકશે, પ્રતિબદ્ધતા તો સમાજે જ દર્શાવવી પડશે.