• ગુરુવાર, 31 જુલાઈ, 2025

`વિશ્વના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર રોકાવ્યું નહોતું'

નવી દિલ્હી, તા. 29 : સંસદમાં  ચાલી રહેલી ઓપરેશન સિંદૂર પરની ચર્ચા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ સહિતના વિપક્ષો પર તાતા  તીર છોડયા હતા અને મજબૂત જવાબમાં જણાવ્યું હતું કે, દુનિયાના કોઇ નેતાએ  ઓપરેશન સિંદૂર રોકવા જણાવ્યું નહોતું. યુનોના 193 પૈકી માત્ર ત્રણ દેશે પાકિસ્તાનનાં સમર્થનમાં નિવેદન આપ્યું હતું. કવાડ, બ્રિક્સ સહિતના  વિશ્વભરમાંથી ભારતને  સમર્થન મળ્યું હતું. 102 મિનિટના પોતાના સંબોધન દરમ્યાન વડાપ્રધાને રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓને નિશાન બનાવીને કહ્યું હતું કે, આપણે પીઓકે શા માટે પાછું લીધું નહીં એમ પૂછનારી કોંગ્રેસે પહેલાં એ કેવું જોઇએ કે કોણે પીઓકેને ભારતના હાથમાંથી જવા દીધું ? આજે અમુક નેતાઓને  સિંદૂર પરની ચર્ચામાં બોલવા પણ દેવાતા નથી. કારણ કે, તેમણે ઓપરેશન બાદ દુનિયા સમક્ષ ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. કોંગ્રેસ પાકિસ્તાનથી મુદ્દાઓ આયાત કરે છે અને કોંગ્રેસ આતંકીઓ માટે આંસુ સારી રહી છે. આજે ભારત આત્મવિશ્વાસથી ભરપૂર છે. ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી અને જરૂર પડયે પાકિસ્તાનને ફરી તેના દુ:સાહસનો જવાબ અપાશે. મોદીએ આગળ કહ્યું હતું કે, 9મી મેની રાતે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે મને ફોન કર્યો હતો પણ હું તે ફોન લઈ શક્યો ન હતો. પછી જ્યારે મેં તેમને ફોન કોલ કર્યો ત્યારે તેમણે કહેલું કે પાક. મોટો હુમલો કરવાનું છે. મારો જવાબ હતો કે, જો પાકિસ્તાનનો ઈરાદો આવો હોય તો તેને બહુ મોંઘું પડી જશે. પાક. હુમલો કરશે તો અમે વધુ મોટો હુમલો કરીને જવાબ આપીશું. વડાપ્રધાન મોદીએ આજે પોતાનાં ભાષણમાં સેનાના હાથ બાંધવાથી માંડીને પીઓકે પરત ન લેવા સહિતના વિપક્ષના સવાલોનો શ્રેણીબદ્ધ જવાબ આપ્યો હતો. તેમણે સંસદનાં આ સત્રને ભારતના વિજયોત્સવનું  સત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, આ ભારતનાં ગૌરવગાનનું સત્ર છે. તેમણે આગળ કહ્યું હતું કે, જે લોકોને ભારતનો પક્ષ નથી દેખાતો તેમને હું અહીં અરીસો બતાવવા માટે ઊભો છું. આતંકી આકાઓ અને પાક.ને ખબર છે કે, જો હુમલો થયો તો ભારત આવશે અને ઘૂસીને મારશે.  મોદીએ ઓપરેશન સિંદૂર પછી 9મી મેની રાતના ઘટનાક્રમો ઉપરથી પડદો ઊંચકતાં કહ્યું હતું કે, ત્યારે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિએ મારી સાથે વાત કરવાનો એકાદ કલાક સુધી પ્રયાસ કરેલો, પણ હું સેના સાથે બેઠકમાં હતો તેથી હું તે ફોન લઈ શક્યો ન હતો. જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે પાક.ની હુમલાની તૈયારીના જવાબમાં મેં કહેલું કે અમે ગોળીનો જવાબ ગોળાથી આપીશું. મોદીએ આગળ કહ્યું હતું કે, 10મી મેનાં ભારતે ઓપરેશન સિંદૂર રોકવાની ઘોષણા કરી અને પછી આ વિશે જાતજાતની વાતો કહેવાઈ. આ બધો દુષ્પ્રચાર સીમાપારથી ફેલાવાયો એવો જ હતો. ઓપરેશન સિંદૂરમાં આપણે પાકિસ્તાનની નાભિ ઉપર હુમલો કર્યો હતો. આપણી સેનાએ શત પ્રતિશત લક્ષ્યો હાંસલ કરીને દેશના સામર્થ્યનો પરિચય આપ્યો હતો.  પીઓકે પરત નહીં લેવા મુદ્દે મોદીએ કહ્યું હતું કે, કેટલાક લોકો સવાલ કરે છે કે, પીઓકે કેમ પરત ન લીધું? તો પીઓકે ઉપર કબજો કરવાનો અવસર પાકિસ્તાનને કોની સરકારમાં મળેલો? જવાબ સ્પષ્ટ છે. કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કાયમ બાંધછોડ કરી છે. આઝાદી પછી જે નિર્ણયો કરવામાં આવ્યા તેની સજા આજે પણ દેશ ભોગવે છે. અક્સાઈ ચીન ઉપર કહ્યું કે, આ જમીન તો વાંઝણી છે. જેનાં હિસાબે 38 હજાર ચોરસ કિ.મી. જમીન આપણે ગુમાવી દીધી. 1965માં હાજીપીરવાળી જગ્યા સેનાએ જીતી લીધી પણ સરકારે તે પાછી આપી. 1971નાં યુદ્ધમાં 93 હજાર પાક. યુદ્ધકેદી હતા અને હજારો કિ.મી. જગ્યા આપણા કબજામાં હતી, ત્યારે જો થોડી સમજદારી હોત તો પીઓઁકે પરત લેવાનો મોકો હતો.  કોંગ્રેસ ઉપર આગળ પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું કે, કારગિલ વિજયને પણ કોંગ્રેસે હજી સુધી સ્વીકાર્યો નથી. તેમણે પહેલગામ હુમલામાં પાક.ને ક્લીનચીટ આપી દીધી છે. પહેલગામનાં આતંકવાદી પાક.થી આવ્યાના પુરાવા માગવામાં આવે છે. ડોકલામમાં આપણી સેના શૌર્યનો પરચો આપતી હતી ત્યારે કોંગ્રેસના નેતા ચુપકે-ચુપકે કોને મળતા હતા એ દુનિયા જાણે જ છે. તેમણે આગળ કહ્યું કે, દુનિયાના કોઈ દેશે પોતાની આત્મરક્ષાની ભારતની કાર્યવાહીને રોકી નથી. ફક્ત ત્રણ દેશે જ પાક.ને સમર્થન આપ્યું હતું. ભારતને આખી દુનિયાનું સમર્થન મળ્યું પણ દુર્ભાગ્ય છે કે, આપણા દેશનાં પરાક્રમને કોંગ્રેસનું જ સમર્થન ન મળ્યું.  

Panchang

dd