અલગ જિલ્લો ન હોવાના કારણે અનેક કચેરીઓ અટકી : જિલ્લા મથક ભુજ પછી અંજાર
પૂર્વ કચ્છના વડા મથક તરીકે જ પ્રસ્થાપિત છે.
પૂર્વ કચ્છને અલગ જિલ્લો બનાવી અંજારમાં કલેક્ટર કચેરી શરૂ કરવાની વર્ષો જૂની માંગ
શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.
કચ્છમાં વિકાસ માટે બે જિલ્લા જરૂરી છે તેવું નિવૃત ઇજનેર એલ.વી .વોરાએ જણાવ્યું હતું.
જિલ્લા વિભાજનમાં પ્રજાકીય પ્રતિનિધિઓ નીરસ હોવાનો આક્રોશ તેમણે વ્યક્ત કર્યો હતો તેમણે
ઘટસ્ફોટ કર્યો કે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રૂબરૂ આ મુદ્દે ગયા ત્યારે
કહ્યું કે તમારા જનપ્રતિનિધિઓ ઇચ્છે તો બધું થઇ શકે. લક્ષ્ય વોરાએ અલગ જિલ્લો નહીં
પણ સૈદ્ધાંતિક જિલ્લો આપવા માંગ કરી હતી જેથી પંચાયત શિવાય જિલ્લાનું માળખું મળે. જિલ્લાની
ચર્ચા અંજાર માટે મહત્ત્વની છે. અગાઉ દરખાસ્ત થઈ,
પણ કોઈ કામગીરી ન થઈ હોવાનો ખેદ તેમણે વ્યક્ત કર્યો હતો. - અલગ જિલ્લાના અભાવે કચેરી નથી
મળતી : અંજાર આઇડેન્ટિટી મિશનના ભરત ઠક્કરે અંજારમાં અનેક કચેરીઓ શરૂ નથી થઈ શકતી તેનું કારણ
પૂર્વ કચ્છ જિલ્લો નથી. રેવન્યુની મહત્તમ આવક અંજારથી થાય છે. ત્યારે અહીં વર્ગ-2ના અધિકારીની માંગ કરી પણ અલગ જિલ્લો ન
હોવાના કારણે કચેરી અપગ્રેડ ન થઈ શકી. - અલગ જિલ્લાના પ્રયાસ જરૂરી : અંજાર ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી વસંતભાઈ
કોડરાણીએ જણાવ્યું હતું કે, સરકાર કામ
કરે છે. મુદ્દા સરકારનાં ધ્યાને આવે તે માટે
સાંસદ , ધારાસભ્યો ધ્યાન દોરે છે. અંજારને તોલમાપ કચેરી,
શિક્ષણ, સહિતની કચેરીઓ શરૂ થઈ છે, પણ અંજારના હિત માટે અલગ જિલ્લા માટે
સક્રિય પ્રયાસ થવા જોઈએ તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. - લીઝના અટકેલા પ્રશ્ને સરકાર
આવક ગુમાવી રહી છે : અંજાર શહેરના
વિકાસ માટે સરકાર સાથે સંકલનની જરૂર છે. સરકારને અંજાર પ્રત્યે કૂણી લાગણી જરૂર છે, પણ શહેરના વિકાસ માટે ઉપેક્ષા કરતી હોવાનું
અંજાર વિકાસ સમિતિના મહેન્દ્ર કોટકે જણાવ્યું હતું. અંજાર રેલવે સ્ટેશન જંકશન લાંબા
સમયથી અનેક પ્રશ્ને પીડાતું રહ્યું છે, લિઝનો પ્રશ્ન લાંબા સમયથી
અટવાયેલો પડયો છે જેના કારણે અંજાર પાલિકા ભાડા વસૂલી શકતી નથી. જો તે મુદ્દો ઉકેલાય,
તો માતબર આવક સરકારને થાય. વરસામેડી રેલવે ફાટક ડાયવર્ઝન વિના અંડર પાસનું
કામ ચાલુ કર્યું, જેના કારણે ભયંકર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય
છે. એમ્બ્યુલન્સ પણ નીકળી શકતી નથી. તેના કારણે
સ્થાનિક ધંધા બેસી ગયા હોવાનું જણાવ્યું હતું. તંત્ર વાહકો સમજતા હોવા છતાંય આંખ આડા
કાન કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું. - પ્રજાકીય પ્રતિનિધિઓ અંજારના પ્રશ્નોના ઉકેલ માટે બને સક્રિય : અંજાર કોમર્સ
એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ શિરીષ હરિયાએ જણાવેલું કે, અંજારના અનેક વિકટ પ્રશ્નો છે. તેના ઉકેલ માટે
પ્રયાસ થવા જોઈએ. કચ્છના સાંસદ અને અંજારના ધારાસભ્યએ સાથે મળી ચર્ચા કરવી જોઈએ અને
તેના ઉકેલ લાવવા નક્કર પ્રયાસ કરવા જોઈએ, પ્રજાકીય પ્રતિનિધિઓ
રાજકીય ઈચ્છાશક્તિ વડે અંજારના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવી શકે એવું જણાવેલું હતું. - નીતિ-નિયમોનું સરકાર પોતે કેટલું
અમલીકરણ કરે છે ? : શહેરને હરિયાળું બનાવવા માટે કાર્યરત અંજારની સંસ્થા ભારત વિકાસ
પરિષદના દીપેન પંડયા અને હિતેશ પ્રજાપતિએ વિવિધ નિયમો બનાવતું વહીવટી તંત્ર પોતે નિયમોની
અમલવારી કરતું ન હોવાનું જણાવેલું હતું. કમ્પ્લીશન માટે સરકાર વૃક્ષ વાવેતર અને જળ
સંચયની વ્યવસ્થાનો નિયમ અમલી કરે છે, પણ અંજારની એક પણ કચેરીમાં જળ સંચયની સુવિધા નથી.વૃક્ષારોપણ માટે સાવ નિમ્ન
કક્ષાના રોપા અપાય છે તેમજ મોટા રોપા વનતંત્ર દ્વારા અપાતા જ ન હોવાનું કહ્યું હતું.
સરકારી શાળાઓમાં પેવરબ્લોક સહિતના વિકાસ કામો તબક્કાવાર નહીં, પણ એક સાથે કેમ ન કરી શકાય, સરકારી શાળાઓમાં સારી સુવિધાઓ
છે, પરંતુ આડેધડ કામો કરી પૈસાનો બગાડ કરાતો હોવાનો તેમણે રોષ
વ્યક્ત કર્યો હતો. શહેરનો વિકાસ આયોજન સાથે થવો જોઈએ તેવું કહ્યું હતું. આડા (અંજાર
વિસ્તાર વિકાસ સત્તા મંડળ) દ્વારા મકાનનું કમ્પલીશન આપતા પહેલાં એક વૃક્ષ દીઠ 500થી 1500 લેવામાં આવે છે. ડિપોઝિટની
આ રકમ મહત્તમ લોકો કડક નિયમોના કારણે મેળવી શકતા નથી, ત્યારે તેનો ઉપયોગ વૃક્ષારોપણની પ્રવૃતિમાં
જ કરાય તેવી માંગ કરી હતી. - સાંગ નદીના વિકાસ માટે પૂરતા પ્રયાસ થવા જોઈએ : અંજાર જૈન
સમાજના મંત્રી ડેનીભાઇ શાહે મુંદરા ભૂખી નદી પુન: જીવિત કરવાના કચ્છમિત્ર ગ્લોબલ કચ્છના
પ્રયાસને બિરદાવી જણાવ્યું હતું કે, આ અભિયાનની તર્જ ઉપર અંજારની સાંગ
નદીના વિકાસ માટે પ્રયાસ કરાય અને રિવરફ્રન્ટ વિકસાવવામાં આવે તે માટે પ્રયાસ કરવાની
વાત કરી હતી. આ ઉપરાંત નર્મદા કેનાલ વરસામેડી પાસેથી પસાર થાય છે તેનાથી દોઢ કિલોમીટર
જ દૂર અંજારની ગણેશ્રી તળાવ લાઈન વડે ભરવામાં આવે, તો અંજારને
આઠ મહિના ચાલે તેટલું શુદ્ધ પાણી મળી શકે. આ તળાવથી નગરપાલિકાની લાઇનનું નેટવર્ક પણ
નજીકમાં જ છે. આ દિશામાં કામગીરી થવી જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંજારમાં કોમર્સ અને આર્ટસ સરકારી કોલેજ મંજૂર કરવામાં
આવી, નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ઇમારત આપવામાં આવી તેમ
જ જ્યાં સુધી ગ્રાન્ટ ન મળે ત્યાં સુધી પ્રાધ્યાપકોનો પગાર વેલસ્પન કંપની દ્વારા ચૂકવવામાં
આવશે તેવું કહી શિક્ષણ આ કાર્યમાં અંજારની આસપાસની કંપનીઓનો પણ સારો સહયોગ સાંપડયો
હોવાનું જણાવ્યું હતું. - માળખાકીય
સુવિધાના અભાવે અંજારનો વેપાર થયો મંદ : અંજાર કાપડ વેપારી એસોસિએશનના જગદીશભાઈ
શાહે અંજાર શહેરમાં લાઇટ સફાઈ, ગંદકી,
વાહન પાર્કિગની સુવિધાનો અભાવ સહિતના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં
શાસકોને રસ ન હોવાનું જણાવ્યું હતું. અંજારના 12 મીટર રોડમાં સેંકડો લાઈટની
જરૂર છે, પણ તેની સામે માત્ર 28 લાઈટ છે. મુખ્ય બજારમાં અંધારપટની
સ્થિતિ સર્જાયેલી છે. ફૂટપાથ ઉપર દબાણ, જ્યાં જુવો ત્યાં કચરાના ગંજ આવી સ્થિતિના કારણે એક સમયે ધમધમતો અંજારનો વેપાર
માત્ર 30 ટકા થઈ ગયો છે . તેને ઊભો કરવા
માટે સરકાર કોઈ યોજના લાવે તેવી માંગ કરી હતી. હજુ પણ 3થી 4 ટી.પીની કામગીરી બાકી હોવાની રાવ પણ તેમણે કરી હતી. સરકારી શાળામાં શિક્ષકો પણ ન હોવાનું કહ્યું હતું.
- ખડિયા તળાવ પાંચ વખત વિકાસ પામ્યું તોય અવિકસિત : શહેરની શરૂઆતમાં જ આવેલું તોરલ સરોવર (ખડિયા
) પાંચ વખત વિકાસ પામ્યું, તો પણ અવિકસિત
જ હોવાનો સૂર આ સંવાદ દરમ્યાન વ્યક્ત થયો હતો. કયા કારણોસર વિકાસ ન થયો તે ખ્યાલ નથી આવતો. પાલિકા દ્વારા કન્ટેનર બજાર બનાવવામાં આવી,
પણ દુકાન ધારકોને ફાળવવામાં
ન આવી તેમાંથી ચોરી થઈ હોવાનું અને આ સ્થળ અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હોવાનું
જણાવ્યું હતું. આ સુંદર સ્થળની બહાર રેંકડીઓનો
ખડકલો થઈ ગયો છે. પ્રજાને દેખાય છે, તો તંત્રને નહીં દેખાતું
હોય તેવો સવાલ ઉઠયો હતો. મટન માર્કેટ બની પણ આજ સુધી ત્યાં પણ દુકાનો ફાળવવામાં આવી
નથી. શહેરમાં જ્યાં જુવો ત્યાં ઉકરડો છે. ભાવેશ જેઠવાએ રેલવે સ્ટેશન પાસે આવેલા માનવ
પાર્ટી પ્લોટ પાસે પાલિકા દ્વારા કચરાંના ઢગલા કરવામાં આવે છે. આ આખો વિસ્તાર ઉકરડો
બની ગયો હોવાનું અને વરસાદી નાળાં અને પાઇપલાઇન ઉપર રોડ બની ગયા હોવાની પરિસ્થિતિ વર્ણવી
હતી. અંજારમાં સ્ટેડિયમમાં બેસવાની પણ વ્યવસ્થા ન હોવાનું અને સ્ટેડિયમ સરોવર બની ગયું
હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. - શહેરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ કાયદો વ્યવસ્થાની વાસ્તવિકતા
દર્શાવે છે : અંજારના સામાજિક કાર્યકર નયનાબેન ભટ્ટે
શહેરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂનાં દૂષણ મુદ્દે રજૂઆત કરી હતી તેમણે જણાવેલું કે, દેશના વડાપ્રધાન કાશ્મીરમાં 370ની કલમ હટાવી શકે, તો અંજારમાં ખુલ્લેઆમ વેચાતો દારૂનું દૂષણ કેમ
અટકી ન શકે તે બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંજારની સાંગ નદીના પટમાં અને શહેરના
જાહેર માર્ગો પર વ્યાપક દેશી અને અંગ્રેજી દારૂનું વેચાણ થતું હોવાનું કહ્યું હતું.
અત્યારે જ તપાસ કરાય, તો મોટી માત્રામાં દેશી દારૂની કોથળીઓનો
જથ્થો મળી શકે. આ સમસ્યા શહેરની જટિલ સમસ્યા હોવાની કહી દારૂનાં દૂષણ મામલે કડક કાર્યવાહી
થવી જોઈએ તેવું જણાવ્યું હતું, એ બાબતે પોલીસ વિભાગે પણ હકારાત્મક
અભિગમ દાખવી કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. - અંજારમાં રમતગમત સંકુલનું
નિર્માણ થવું જોઈએ : અંજારના વિકાસ માટે શહેર આસપાસની કંપનીઓ
દ્વારા પ્રોજેક્ટ આપવામાં આવે તેવું ડી.સી ઠક્કરે જણાવ્યું હતું. દીનદયાલ પોર્ટ દ્વારા
અંજાર જીમખાના ને 78 લાખનો સહયોગ
પ્રાપ્ત થનારો છે, ભુજ અને ગાંધીધામની
માફક અંજારમાં પણ આધુનિક સુવિધાઓ સાથે રમતગમત સંકુલ હોવું જોઈએ તેઓ મત તેમણે વ્યક્ત
કર્યો હતો. - પરિણામ સુધારવા
કયુ.ડી.સી સેન્ટર સક્રિય થવા જરૂરી : અંજાર શહેર અને તાલુકામાં 55 જેટલી માધ્યમિક શાળાઓ આવેલી છે. ધોરણ 10 અને 12નાં પરિણામમાં
અંજારનો ક્રમાંક અન્ય તાલુકા કરતા નીચે હોય છે, ત્યારે આ શહેરને શિક્ષણમાં અગ્રેસર લાવવામાં ક્યૂ.ડી સી સેન્ટરને સક્રિય કરવા
જોઈએ તેવું નિવૃત્ શિક્ષક એન. કે. ધોરિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,
ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર વિશે શહેરના લોકો અજાણ છે. એક સેન્ટર સાથે
12 જેટલી સ્કૂલો જોડાયેલી હોય
છે. આ કેન્દ્રોને કાર્યરત કરાય, તો વિશેષ
પરિણામ મળી શકે. અંજારમાં 20 જેટલા ઉચ્ચતર માધ્યમિક નિવૃત શિક્ષકો છે. શહેર અને તાલુકાનાં
બાળકોનાં પરિણામને ઊંચું લાવવામાં નિવૃત્ત શિક્ષકો નિ:શુલ્ક સેવા આપશે તેવો વિશ્વાસ
વ્યક્ત કર્યો હતો. - અંજારના વિકાસ
માટે ઔધોગિક એકમોના સી.એસ.આર. ફંડનો મહત્તમ ઉપયોગ થાય : શહેરના લોહાણા સમાજના અગ્રણી અને નિવૃત્ત બેન્ક કર્મચારી દીપકભાઇ
ઠક્કરે જણાવેલ કે, ગાંધીધામ વિસ્તારના
વિકાસમાં દીનદયાલ પોર્ટ અને મુંદરાના વિકાસમાં અદાણી પોર્ટના સી.એસ.આર. ફંડનો સારા
પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તે શહેરોમાં અનેક
ઉપયોગી અને માળખાંગત કાર્યો કરવામાં આવ્યાં છે, તેવી જ રીતે અંજારના
વિકાસ માટે આસપાસના અનેક ઉદ્યોગો પાસેથી સી.એસ.આર. ફંડ દ્વારા અનેક પાયાની સવલતો જેમ
કે શાળા, રસ્તાઓ, આરોગ્ય કેન્દ્રો તેમજ
રોજગારી માટે વિવિધ જનકલ્યાણલક્ષી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવે તો અંજાર વિસ્તારના
લોકોને તેનો બહોળો લાભ મળી શકે છે. - આડા દ્વારા વસૂલાતી ફીનો ઉપયોગ
વાસ્તવમાં વૃક્ષારોપણ માટે થવો જોઇએ : અંજારના જાણીતા યુવા સિવિલ એન્જિનીયર વિવેકભાઈ પંડયાએ જણાવ્યું
હતું કે,
અંજારને ગ્રીનસિટી બનાવવા માટે અંજાર વિકાસ સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ
માટે ફી લેવામાં આવે છે, પરંતુ આ બાબતે નક્કર કામગીરી થઇ શકતી
નથી, ત્યારે અંજાર વિકાસ સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ માટે વસૂલવામાં
આવતી ફીને વૃક્ષારોપણ માટે કામગીરી કરતી સંસ્થાને જ ફાળવવામાં આવે તો વૃક્ષજતનમાં ઉમદા
પરિણામો મળી શકે છે.