બાળકો શાળામાં જીવનના પાઠ શીખવા, જીવનનું ઘડતર કરવા જતા હોય છે અને એ વિદ્યામંદિર
મોતનું કારણ બને એથી ભયાવહ વાત બીજી કોઈ હોઈ ન શકે. રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની
છત તૂટી પડતાં 10 બાળકનાં મોત
થયાં, બીજા અનેક ઘવાયા. એ હૃદયદ્રાવક દુઘર્ટનાને પગલે
કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળાઓની માળખાંકીય મજબૂતાઈ
સહિત સર્વાંગી સુરક્ષાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષણ મંત્રાલયે જારી કરેલા દિશા-નિર્દેશ
મુજબ આગ સામે રક્ષણ, માનસિક આરોગ્ય સહિતની તપાસ આવરી લેવામં આવશે.
એટલું જ નહીં હયાત ઈમારતોમાં ઈમર્જન્સી એક્ઝિટની પણ વ્યવસ્થા ચકાસવાની તાકીદ કરવામાં
આવી છે. સરકારી માળખાંની ગુણવત્તા સામે હરહંમેશ પ્રશ્નાર્થ રહ્યો છે. ભ્રષ્ટાચાર વિના
સરકારી કામો થતાં નથી. એ બદનામ શિરસ્તો છે. ગુણવત્તા નિયમન, ચકાસણી
બધું જ ફક્ત કાગળ પર રહી જતું હોય છે અને જ્યારે આવી ગંભીર દુર્ઘટના બને ત્યારે જ સરકાર
કે તંત્ર જાગે છે. ઝાલાવાડની શાળાની કરુણાંતિકા
આખા દેશ માટે આંખ ઉઘાડનારી છે. જર્જરિત શાળાઓ, સરકારી ઈમારતોનો
પ્રશ્ન ગંભીર છે. ગુજરાતે પ્રગતિશીલ રાજ્ય તરીકે નામના પ્રાપ્ત કરી હોવા છતાં જર્જરિત
સ્કૂલો - શિક્ષક વગરની શાળાઓનો પ્રશ્ન દૂર થઈ શક્યો નથી. ગુજરાત અને કચ્છમાં પણ આવી
શાળાની જર્જરિત છત પડી કે કમ્પાઉન્ડવોલ ધસી પડી એવા કિસ્સા બહાર આવતા રહે છે. શાળાના
શિક્ષકો બાળકોને પોતાનું કામ પૂરી લગન, મહેનત અને જવાદારીપૂર્વક
કરવાની શીખ આપતા હોય છે ને શાળાસંચાલકો જ એ વાત આચરણમાં ન મૂકે ? ઝાલાવાડનાં પીપલોદી ગામની એ બિસમાર શાળામાં બાળકોને બેસાડવાનું જોખમ કેમ કોઈને
દેખાયું નહીં ? એ માટે જવાબદાર કોણ ? સરકાર
તપાસ કરીને શિક્ષાત્મક પગલાં લેશે, પણ જે ઘરોમાં બાળકોની કિલકારી
હંમેશ માટે બંધ થઈ ગઈ એ પારિવારિક નુકસાન ક્યાંથી ભરપાઈ થશે? કેન્દ્ર સરકારે દેશભરમાં આ મુદ્દો હાથ પર લીધો છે એ સમયોચિત અને આવકાર્ય વાત
છે, તેનો યોગ્ય અમલ થાય એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે. ગુજરાતની
અને કચ્છની વાત કરીએ તો તમામ હયાત સરકારી માળખાંનું સત્વરે ઓડિટ કરાવીને બાળકોની સલામતી
સુનિશ્ચિત થવી જોઈએ. કચ્છની વાત કરીએ તો ગયા જૂન મહિનામાં ભુજ તાલુકાનાં રતિયા ગામની
પ્રાથમિક શાળાની લોબીમાં છતનાં પોપડાં ખરતાં ત્રણ બાળકને ઈજા થઈ હતી. એ ઘટના પણ રાજસ્થાન
જેવી જ હતી, કેમ કે, દોઢેક વર્ષથી જર્જરિત
શાળાનાં સમારકામ માટે ગ્રામજનો દ્વારા રજૂઆત થતી, જેની ધરાર અવગણના
કરવામાં આવી. કચ્છની પચ્છમ વિસ્તારની શાળાઓ જોખમી બન્યાનો તાજો હેવાલ છે. ગુજરાત સરકારનું
શિક્ષણ બજેટ 60 હજાર કરોડનું
છે. નવાં માળખાં અને આધુનિક શિક્ષણના દાવા ઘણા થતા હોય તો પાયાની જરૂરિયાત એવી શાળાના
ઓરડા માટે નક્કર કામ દેખાવું જોઈએ. ગુજરાત સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વર્ગખંડોની
સુધારણા અને સુરક્ષા માટે રૂા. 2914 કરોડની જોગવાઈ
કરી છે. જનપ્રતિનિધિઓ આ રકમ સારી રીતે ખર્ચાય, પારદર્શિતાથી કામ થાય અને કચ્છ-ગુજરાતની શાળાઓમાં ભણતા બાળકોનાં વર્તમાન -
ભવિષ્ય સુરક્ષિત બને એની તકેદારી રાખે એ જરૂરી છે. આખરે આ બાળકોનાં જીવનને લગતી સંવેદનશીલ
બાબત છે.