લંડન, તા. 29 : ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડમાં
ચોથી ટેસ્ટ મેચ શાનદાર રીતે ડ્રો કર્યા બાદ ભારતીય ટીમ ગુરુવારથી ઓવલમાં શરૂ થતી પાંચમી
અને આખરી ટેસ્ટમાં આદર્શ ઇલેવનની શોધમાં છે. બેટિંગમાં આઠમા ક્રમ સુધી ઊંડાઇ બનાવવા
માટે એક વિશુદ્ધ બોલરને બહાર બેસાડવાની ભારતની રણનીતિ પર સવાલ ઊઠી રહ્યા છે. હવે પાંચમી
અને નિર્ણાયક ટેસ્ટમાં કોચ ગંભીર અને કપ્તાન ગિલ એકથી વધુ ફેરફાર માટે મન બનાવી ચૂકયા
છે. જો કે, બુમરાહ અને કુલદીપના રમવા
પર સસ્પેન્સ પ્રવર્તે છે. શ્રેણી 2-2થી ડ્રો કરવા શુભમન ગિલની ટીમ
માટે ઓવલ ટેસ્ટમાં કોઇ પણ સંજોગોમાં જીત જરૂરી છે. ઇજાગ્રસ્ત યુવા ઓલરાઉન્ડર નીતીશકુમાર
રેડ્ડીના સ્થાને ચોથી ટેસ્ટમાં શાર્દૂલ ઠાકુરને સામેલ કરાયો હતો અને તેને ફકત 11 ઓવર જ આપવામાં આવી હતી. જેની
ગાવસ્કર અને શાત્રી સહિતના કોમેન્ટેટર ટીકા કરી ચૂક્યા છે. ભારત સામે 2014 બાદ કોઇ ટીમે 600થી વધુ રન કર્યા હતા. આથી પાંચમી
ટેસ્ટમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવનો ઇલેવનમાં સમાવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો
છે. આ શ્રેણીમાં તે પાછલા 40 દિવસથી નેટ
બોલર તરીકે સેવા આપી રહ્યો છે. બીજી તરફ પદાર્પણ ટેસ્ટમાં હરિયાણાનો ઝડપી બોલર અંશુલ
કમ્બોજ છાપ છોડી શકયો નથી. પાંચમી ટેસ્ટમાં તેના સ્થાને આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણામાંથી
કોઇ એક પસંદ થશે. આકાશદીપ હવે ઇજામાંથી બહાર આવી ગયો છે અને ફિટ છે. અર્શદીપ પણ ફિટ
છે અને પાંચમી ટેસ્ટમાં પદાર્પણ કરી શકે છે. જો કે,
એ નિશ્ચિત નથી કે મુખ્ય બોલર બુમરાહ રમશે કે નહીં, તેનો ત્રણ ટેસ્ટ રમવાનો કવોટા પૂરો થઇ ગયો છે. જ્યારે સિરાજ થાકેલો છે. ઓવલની
પીચ સ્પિનરોને મદદ કરે છે. આથી કુલદીપનો દાવો મજબૂત છે. રિષભ પંતની અનુપસ્થિતિમાં રવીન્દ્ર
જાડેજા અને વોશિંગ્ટન સુંદર ટોચના છ ક્રમમાં રમી શકે છે. પંત પગના ફ્રેકચરને લીધે ઓવલ
ટેસ્ટની બહાર થઇ ચૂક્યો છે. આથી તેના સ્થાને ધ્રુવ જુરેલનું રમવું નિશ્ચિત છે. પંતના
કવરમાં તામિલનાડુનો એન. જગદીશન ઇંગ્લેન્ડ પહોંચી ગયો છે, પણ તે
ઇલેવનમાં સામેલ થવાની સંભાવના નથી.