ગાંધીધામ, તા. 29 : અંજારના વરસામેડીના બુટલેગરની
પોલીસે પાસા તળે અટકાયત કરી તેને જેલ હવાલે કરાયો હતો. વરસામેડી બાગેશ્રી ટાઉનશિપમાં
રહેનાર મૂળ બિદડાના સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ગાંધીધામમાં, ભુજ, મુંદરા, માંડવી, કોડાય, કોઠારા,
અંજાર, માનકૂવા અને સુરેન્દ્રનગરના મુળી પોલીસ
મથકોમાં મારામારી, દારૂ સહિતની કલમો તળે 26 જેટલા ગુના નોંધાયેલા છે. વારંવાર
આવા ગુના આચરતા શખ્સો વિરુદ્ધ પગલાં લેવાના
આદેશ બાદ પૂર્વ કચ્છ એલ.સી.બી.એ આ શખ્સના પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટર
સમક્ષ રજૂ કરી હતી. લીલીઝંડી મળતાં પાસાની
દરખાસ્ત મંજૂર થતાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં ધકેલી
દીધો હતો. કલેક્ટરે અત્યાર સુધીમાં 12 અસામાજિક તત્ત્વો વિરુદ્ધ પાસાના હુકમ જારી કર્યા છે.