નવી દિલ્હી, તા. 29 : બિહારમાં
જારી મતદારયાદી ચકાસણી પ્રક્રિયાને લઈને મહત્ત્વની ટિપ્પણીમાં સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું
હતું કે, જો મોટાપાયે લોકોને મતદારયાદીમાંથી બહાર કરાશે
કે ગરબડો હશે તો અમે હસ્તક્ષેપ કરતાં ખચકાશું નહીં. અદાલતને અરજદારો વતી ઉપસ્થિત વરિષ્ઠ
ધારાશાત્રીઓ કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણને કહ્યું હતું કે, તમે 15 લોકો એવા
લઈ આવો જે જીવિત છે પણ મતદાર યાદીમાંથી નામ કપાઈ ગયા હોય તો અમે તેમને ન્યાય અપાવશું.
અદાલતમાં આ મામલે આગામી સુનાવણી 12 અને 13 ઓગસ્ટના યોજાશે. ન્યાયાધીશ
સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણીપંચના નિર્ણયને પડકારતાં અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો રજૂ કરવા
કહ્યું હતું. કોર્ટે ચૂંટણીપંચ (ઈસીઆઈ)ને ચેતવણી આપી છે કે, જો આ પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા અથવા વિસંગતતા
જોવા મળી તો તે હસ્તક્ષેપ કરતાં જરાય ખચકાટ અનુભવશે નહીં. અગાઉ ચૂંટણીપંચે સુપ્રીમ
કોર્ટને જણાવ્યું હતું કે, બિહારમાં મતદારોની યાદીની ચકાસણી થયા
બાદ મતદારોની યાદીનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો છે. જેની જાણકારી તમામ રાજકીય પક્ષોને
આપવામાં આવી છે. ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, મુસદ્દો
યાદીની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ
કપિલ સિબ્બલ અને વકીલ પ્રશાંત ભૂષણે ફરી એકવાર આરોપ મૂક્યો હતો કે, 1 ઓગસ્ટના ચૂંટણીપંચ દ્વારા પ્રકાશિત થનારી
મુસદ્દા યાદીમાં 65 લાખ લોકોને
બાકાત રાખવામાં આવ્યા છે, જેના કારણે
તેઓ મતદાન કરવાનો તેમનો મહત્ત્વપૂર્ણ અધિકાર ગુમાવશે. જેના પર બેન્ચે કહ્યું કે,
ચૂંટણીપંચ એક બંધારણીય સંસ્થા છે અને તેણે કાયદાનું પાલન કરવું પડશે
અને જો કોઈ અનિયમિતતા હોય તો અરજદારો કોર્ટમાં સુઓમોટો દાખલ કરી શકે છે. ખંડપીઠે સિબ્બલ
અને ભૂષણને કહ્યું કે, `તમે એવા 15 લોકોને અમારી સમક્ષ રજૂ કરો
કે, જેમનો આ યાદીમાં સમાવેશ થયો નથી. અમે તેમને
ન્યાય અપાવીશું.'